લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપ- કોંગ્રેસે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે સૌથી વધુ હાઈવોલ્ટેજ બનેલી જો કોઈ બેઠક હોય તો તે રાજકોટ લોકસભા બેઠક છે. આ ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી આ બેઠક પર સહુ કોઈની નજરો રહેશે તે વાતમાં બે મત નથી. ભાજપે અહીંથી મૂળ અમરેલીના અને કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. જેની સામે કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અને ત્રણ વાર ધારાસભ્ય રહેલા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે.
લેઉવા પાટીદાર પરિવારમાંથી આવતા પરેશ ધાનાણી હાલ 47 વર્ષના યુવા નેતા છે. તેજ, તૌખાર અને જુજારુ નેતા તરીકેની તેમની છાપ છે. સંતાનમાં તેમને બે દીકરીઓ છે અને અમરેલી જિલ્લામાંથી તેઓ આવે છે. કવિતાઓ કરવાના શોખીન પરેશ ધાનાણી લોકભોગ્ય અને સરળ વ્યક્તિત્વ છે.
પરેશ ધાનાણીએ વર્ષ 2002માં સૌપ્રથમ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમણે અમરેલીથી ભાજપના પરશોત્તમ રૂપાલાને માત આપી હતી. જે બાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. વર્ષ 2017માં તેમણે ભાજપના બાવકુ ઉંધાડને હરાવી ત્રીજીવાર ધારાસભ્ય બન્યા હતા. વિધાનસભામાં તેઓ 6 જાન્યુઆરી 2018 થી 21 જાન્યુઆરી 2019 સુધી કોંગ્રેસ પક્ષ તરફથી નેતા વિપક્ષની જવાબદારી પણ બજાવી ચુક્યા છે. જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના કૌશિક વેકરીયા સામે હારી ગયા હતા. અમરેલી વિધાનસભામાં બે દાયકા પહેલા પરશોત્તમ રૂપાલાને હરાવી રાજકારણમાં એન્ટ્રી કરનારા પરેશ ધાનાણીની ફરી રાજકોટથી પરશોત્તમ રૂપાલા સામે ટક્કર થવાની છે.
ભાજપ માટે સૌથી સેફ ગણાતી રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે તેના માટે ગળાની ફાંસ બની છે. પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો વિશે આપેલા રોટી બેટીના નિવેદનથી વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે અને ક્ષત્રિયો સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યા છે. જો કે ભાજપે હજુ તેમની ટિકિટ રદ કરી નથી ત્યારે જોવુ રહેશે કે ક્ષત્રિયોની નારાજગીનો ધાનાણીને કોઈ ફાયદો થાય છે કે કેમ અને ધાનાણી રૂપાલાને મજબુત ટક્કર આપવામાં સફળ રહે છે કે કેમ !
આ પણ વાંચો: અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી પત્ર- જુઓ Video
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો