રાજકોટમાં ‘પોલીસ પુત્રી’ની પૂજા કરવામાં આવી, જાણો રાજકોટ પોલીસ અને નવરાત્રીની આ રસપ્રદ વાત
નવરાત્રી પર્વ પર માતાજીની આરાધના કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
RAJKOT : નવરાત્રીના નવ દિવસ હિંદુઓ નવ દિવસ સુધી માં અંબાની આરાધના કરે છે. આ વર્ષે વરસાદની સાથે નવરાત્રીની શરૂઆત થઇ છે. લોકો માં આદ્યશક્તિ માં અંબાની આરાધના ભક્તિ પૂજન અર્ચન કરી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા નવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા અંબા માતાજીના મંદિર ખાતે પોલીસ પુત્રી તરીકે ઓળખાતી “અંબા”દિકરીનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
કોણ છે ‘પોલીસ પુત્રી’ અંબા ? રાજકોટ શહેરમાંથી થોડા દિવસો પહેલા એક બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી.શ્વાને બાળકીને એટલા બચકાં ભર્યા હતા કે તે જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી હતી.આ સમયે જ પોલીસ હેડક્વાર્ટર ખાતે માં અંબાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી હતી.જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ બાળકીને દત્તક લીધી હતી અને આ બાળકીનું નામ ‘અંબા’ પાડ્યું હતુ. રાજકોટ પોલીસે અંબાની વિશેષ સારવાર કરાવી હતી અને આ બાળકી આજે કાઠિયાવાડ બાલાશ્રમમાં છે અને તેને ઇટલીના પરિવાર દ્વારા કાયમી દત્તક લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જે 2 મહિના બાદ પૂર્ણ થશે અને તે ઇટાલીની નાગરિક બનશે.
શહેરમાં શાંતિ અને સમૃદ્ધિની કરી પ્રાર્થના નવરાત્રી પર્વ પર માતાજીની આરાધના કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. મનોજ અગ્રવાલે કોરોના મહામારીમાં પોલીસને લોકોએ આપેલા સાથ સહકારનો આભાર માન્યો હતો. નવરાત્રીમાં નગરજનો ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રી પર્વ ભયમુક્ત થઇને ઉજવી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતુ અને લોકોને કોરોનાની મહામારીમાં સાવચેત રહેવા અને ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી.
માતાજીની આરાધનાના આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સાથે જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણી,ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા,એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા , ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય.રાવલ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad : વિજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો, કેટલાક વિસ્તારો કોરાધાકોર