Rajkot : જામકંડોરણામાં જયેશ રાદડિયાનો હુંકાર, પેઢી બદલી પણ વિરોધીઓ એના એ જ છે, હિંમત હોય તો મેદાનમાં આવો
વિરોધીઓ પર પ્રહાર કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે કેટલાક લોકો સહકારી ક્ષેત્રમાં વિરોધ કરવા માટે છે. મારા પિતાજી વિઠ્ઠલ રાદડિયા હતા ત્યારે પણ પાંચ લોકોની ટોળકી સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે સક્રિય હતી. પેઢી બદલાય છે. પહેલા વિઠ્ઠલભાઇ ડેરીના ચેરમેન હતા આજે હું ડેરીનો ચેરમેન છું પરંતુ આ પાંચ લોકોની ટોળકી હજુ વિરોધ જ કરે છે અને આ ટોળકી પાંચના ક્યારેય છ થવાના નથી ઇ ના ઇ જ રહેવાના છે.

Rajkot : રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં (Jamkandorana) આજે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સામાન્ય સભાની બેઠક મળી હતી. મુખ્યમંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ વિવિધ સહકારી સંસ્થાના વર્ષ દરમિયાનના હિસાબો ખેડૂતો અને પશુપાલકો સમક્ષ રજુ કર્યા હતા સાથે સાથે જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં વિક્ષેપ નાખતી ટોળકી પર નિશાન સાંધ્યું હતું.
જયેશ રાદડિયાએ હુંકાર ભરતા કહ્યું હતું કે હું રાજકીય માણસ છું, પરંતુ સહકારી ક્ષેત્રમાં રાજકારણને બાજુએ મૂક્યું છે અને નિ:સ્વાર્થભાવે ખેડૂતોની સેવા કરીએ છીએ. આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે, જો લડવું હોય તો મેદાનમાં આવી જાવ
પાંચ લોકોની ટોળી છે, પાંચના છ ક્યારેય થવાના નથી : જયેશ રાદડિયા
વિરોધીઓ પર પ્રહાર કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે કેટલાક લોકો સહકારી ક્ષેત્રમાં વિરોધ કરવા માટે છે. મારા પિતાજી વિઠ્ઠલ રાદડિયા હતા ત્યારે પણ પાંચ લોકોની ટોળકી સહકારી ક્ષેત્રને બદનામ કરવા માટે સક્રિય હતી. પેઢી બદલાય છે. પહેલા વિઠ્ઠલભાઇ ડેરીના ચેરમેન હતા આજે હું ડેરીનો ચેરમેન છું પરંતુ આ પાંચ લોકોની ટોળકી હજુ વિરોધ જ કરે છે અને આ ટોળકી પાંચના ક્યારેય છ થવાના નથી ઇ ના ઇ જ રહેવાના છે.
રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે હું રાજકીય વ્યક્તિ છું, પરંતુ સહકારી ક્ષેત્ર ભરોસાથી ટકી રહ્યું છે. રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય તેવા મારા હંમેશા પ્રયત્ન રહ્યા છે, પરંતુ રાજકીય રીતે સહકારી ક્ષેત્રમાં આવવું હોય તો મેદાનમાં આવી જવાની પણ ખુલ્લી ચેલેન્જ આપી હતી. રાદડિયાએ અંતમાં કહ્યું હતું કે વિપરીત પરિસ્થિતિ હતી ત્યારે પણ વિઠ્ઠલભાઇની આ સહકારી ઇમારતનો કાંકરો પણ હલાવી શક્યા ન હતા આજે તો આ ઇમારત મજબુત છે. સહકારી ક્ષેત્રનો વિશ્વાસ ન તૂટે તે માટે વિરોધીઓને ખોટા કાવા દાવા ન કરવા પણ વિનંતી કરી હતી.
મુખ્યમંત્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આ સામાન્ય સભા મળી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને રૂ. 14,780 કરોડનું પાક ધીરાણ અને રૂ. 680 કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધીરાણ મળ્યું છે. ગુજરાતના સમૃદ્ધ સહકારી માળખાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ 203 લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને 36 લાખ પશુપાલકોને રૂપિયા 140 કરોડની ચુકવણી થાય છે.
રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં 83 હજારથી વધુ સહકારી મંડળીઓમાં 2.31 કરોડ સભાસદો જોડાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેઓનું મોટું યોગદાન છે.
સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આજે રાજ્યમાં સેવા સહકારી મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ વગેરે દ્વારા અનેક ખેડૂતો, શ્રમિકો સહિતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે.
રાજકોટ જિલ્લા સહકારી બેન્ક તથા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ખેડૂત તથા પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી કામગીરીઓની સરાહના કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. આ સંસ્થાઓ આજે જનતામાં વિકાસનું પ્રતિક બનીને ઊભરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો