રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ છે. આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે. આ વાંચે ગુરુવારે જ ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડ્યા હતા. મહત્વનું છે કે રાજકોટમાં તો કરા પણ પડ્યા હતા.
કચ્છ જિલ્લામાં ભુજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. APMC વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રસ્તા પર વાહન ચલાવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ નોંધાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા સહિતના શહેરોમાં પણ અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી છાંટાં પડતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. દ્વારકા શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ખંભાળિયા અને કલ્યાણપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને તેજ પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. હાઈવે અને ખેતરોમાં ધૂળ છવાઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ અચાનક વાતાવરણના ફેરફારથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો પાક બચાવવા તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે. જામનગરમાં ખંભાળિયા હાઈવે પર પણ અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો, જ્યાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજકોટ શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. પવન સાથે વરસાદી છાંટાં પડતાં વાહનવ્યવહાર પર અસર પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણ વિસ્તારમાં વહેલી સવારે વાવાઝોડું આવ્યું હતું. ભારે પવનના કારણે અગરીયાઓના ઝુપડા ઉડી ગયા હતા અને સોલર પેનલોને ભારે નુકસાન થયું હતું. જેના કારણે રાત્રે અંધારાની સ્થિતિ સર્જાવાનો ભય ઉભો થયો છે.
રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓના કામ પર પણ ભારે અસર પડી છે. ધાંગધ્રા અને પાટડીના વિસ્તારોમાં ભારે પવનના કારણે મીઠું અને સાધનોને નુકસાન થતાં અગરીયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
Published On - 5:44 pm, Thu, 19 March 26