“બાપા અમે મરી ગયા,મારે મજૂરી શેમાંથી દેવી”… માવઠાએ વેરેલા વિનાશથી ચોધાર આંસુએ રડી પડ્યા ખેડૂત- Video

"આ જો તો ખરા બાપા, અમે મરી ગયા... મારે મજૂરી શેમાંથી દેવી... મારે શું કરવુ ભાઈ, મારી ગાયોનું નીરણ પણ ન રહ્યુ, મારી આખા વર્ષની મહેનત મરી ગઈ... " માવઠાના મારથી મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે ત્યારે ઉપલેટાના તલંગણા ગામના ખેડૂત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા છે.

| Edited By: | Updated on: Oct 29, 2025 | 6:02 PM

દિવાળી બાદ ગુજરાતમાં આવેલા વિનાશક માવઠાએ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાએ વ્યાપક પ્રમાણમાં વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, જુનાગઢ, ધોરાજી, અમરેલી, સહિતના જિલ્લાઓમાં માવઠાને કારણે ખેતીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. એરંડા, મગફળી, કપાસ અને મહુવા સાઈડ ડુંગળીના પાકને પણ મોટાપાયે નુકસાન થયુ છે. ખાસ કરીને મગફળી અને કપાસને વ્યાપક નુકસાન થયુ છે અને થોડોઘણો પણ પાક લઈ શકાય તેમ રહ્યુ નથી. પરસેવો સિંચીને વાવેલો પાકને નજર સામે આ પ્રકારે નષ્ટ થતો જોઈને ખેડૂતો પણ હવે ચોધાર આંસુએ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. પોતાની આખા વર્ષની મહેનતને આ પ્રકારે નષ્ટ થતી જોઈને ખેડૂતો હવે ધીરજ ખોઈ રહ્યા છે અને તેમની આંખોમાંથી વેદનાના આંસુ વહી રહ્યા છે.

ઉપલેટા તાલુકાના લાચાર ખેડૂતનો વીડિયો સામે આવ્યો છે. ખેડૂત મગફળીના પલળેલા છોડ લઈને રડતો નજરે પડે છે. મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને સમગ્ર વર્ષ દરમિયાન તનતોડ મહેનત કર્યા બાદ પણ જ્યારે પાક લેવાનો આવ્યો તો તેના પર માવઠાએ વિનાશ વેરી દીધો છે. ખેડૂતના ભાગે હાલ કંઈ જ બચ્યુ નથી.

વારંવાર કમોસમી વરસાદનો માર ઝેરી રહેલા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. આર્થિક અને માનસિક રીતે જગતનો તાત હવે ભાંગી પડ્યો છે અને રડતા રડતા તેઓ કહી રહ્યા છે કે મારી પાસે મજૂરીના દેવાના પણ બચ્યા નથી, મારે શું કરવુ. મારી આખા વર્ષની મહેનત મારી ગઈ… મારી ગાયો માટે નીરણ પણ રહ્યુ નથી. બધુ ધૂળ થઈ ગયુ.. આટલુ બોલતા બોલતા તો તે ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડે છે. આ દૃશ્યો ખેડૂતો કેટલી હદે કુદરત સામે લાચાર છે તે દર્શાવે છે. હવે આ ખેડૂતો પાક નુકસાની માટે સરકાર સામે વળતરની અને સહાયની મીટ માંડીને બેઠા છે. હાલ તો ખેડૂતોને એટલી હદે પાયમાલ થયા છે કે તેમની પાસે ના તો મજૂરીના દેવાના પૈસા બચ્યા છે ના તો શિયાળુ પાક લેવા માટેના બચ્યા છે, જો સરકાર તેમને બેઠા નહીં કરે તો ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ જશે.

માવઠાને કારણે બોટાદમાં મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન, ખેડૂત પાસે શિયાળુ પાક લેવાના પણ પૈસા નથી- સાંભળો તાતની વેદના-Video

Published On - 5:50 pm, Wed, 29 October 25