નવરાત્રી (Navratri) એટલે શક્તિની આરાધના સાથે ગરબે રમતા ભક્તિમય બનવાનો અવસર. પરંતુ ધીમે ધીમે સમય જતા હવે નવરાત્રીના અવસરમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. રાસના સ્ટેપથી લઈને ગરબાના શબ્દો અને ખેલૈયાના પહેરવેશ સુધી ખાસો ફેરફાર જોવા મળે છે. ત્યારે પોરબંદર અને દેવભૂમિદ્વારકા (Dwarka) પંથકમાં આજે પણ આપણાં પારંપરિક રાસ- ગરબા જોવા મળે છે. પ્રાચીન અને પ્રચલિત ગરબા રમતી આ બહેનોનો જાણે કે સોનેથી મઢી હોય તેવું લાગે છે. આ મહિલાઓ તોલા કે ગ્રામમાં નહીં પરંતુ દોઢ-દોઢ કિલો સોનાના દાગીનાના શણગાર સાથે જોવા મળે છે. તેમના પરંપરાગત પોષાકની સાથે સૌથી વધુ ધ્યાન તેમના આભૂષણો જ ખેંચે છે. પ્રથમ દૃષ્ટિએ તો સહુ કોઈની નજર તેમના આભૂષણો પર જ જાય છે. આ સમાજની બહેનો માટે એવુ કહેવાય છે કે એક મર્સિડિઝ આવી જાય એટલી કિંમતના સોનાના ઘરેણા પહેરી રાસ રમતી જોવા મળે છે.
દેવભૂમિ દ્વારકાઅને પોરબંદર પંથકમાં સૌથી વધુ મહેર સમાજમાં આ પારંપરિક રાસ- ગરબા જોવા મળે છે. સાથે જ આહિર તેમજ ગઢવી સમાજની બહેનો પણ નવલા નોરતામાં સોને શણગાર સજી તેમજ પરંપરાગત પોષાક સાથે ગરબે રમી માતાજીની આરાધના કરે છે. દિવ્યાબેન ખગરામ અને તૃપ્તિબેન ગઢવી જણાવે છે કે, તેમનો મણીયારો રાસ જગ વિખ્યાત છે. આ રાસ માત્ર ગુજરાત પુરતો સિમિત નથી રહ્યો. દેશ હોય કે પરદેશ હોય ક્યાંય પણ નવરાત્રીની વાત આવે એટલે લોકો મણિયારા રાસને અચૂક યાદ કરે છે.
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પરંપરાગત પહેરવેશ અને સોનાના ઘરેણાં સાથે રાસ રમતા આરતીબેન ગઢવી અને દિવ્યાબેન જામ જણાવે છે કે, નવરાત્રી દરમિયાન એક દિવસ ખાસ ચારણી રમત તરીકે ઓળખાતો રાસ રમવામાં આવે છે. આ રાસ સાથે એક ઐતિહાસિક કથા જોડાયેલી છે. જેમાં વર્ષો પહેલા જેવી રીતે મા જગદંબા ગરબે રમતા તેવી જ રીતે અમે પણ આજે આ ચારણી રમત રમીએ છીએ.
આજે ભલે ગરબાનું સ્વરૂપ બદલાયુ હોય, તેમા અનેક ફ્યુઝન ઉમેરાયા હોય પરંતુ આ બહેનોએ તેમની સંસ્કૃતિ જાળવી રાખી છે અને એક વિશિષ્ટ ઓળખ પણ ઉભી કરી છે. દર વર્ષે નવરાત્રીમાં તેમના ગરબા અલગ જ તરી આવતા હોય છે. પુરુષો દ્વારા કરવામાં આવતા મંડળી રાસ પણ ખ્યાતિ પામ્યો છે.
Published On - 10:56 pm, Sat, 1 October 22