
રાજકોટમાંથી ગુનાખોરીને ડામવા માટે પોલીસ સતત પ્રયાસ કરતી રહે છે. ગુનાખોરીને જડમૂળથી નાથવા જેની જવાબદારી છે એ ક્રાઈમ બ્રાન્ચે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદિશ બાંગરવા દ્રારા, રાજકોટ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે એક હેલ્પલાઇન મોબાઈલ નંબર 6359629896 જાહેર કર્યો હતા. જેમાં શહેરના કોઇ વિસ્તારમાં ગુનાખોરી કે લુખ્ખાગીરી ચાલતી હોય તો તે અંગેની માહિતી ક્રાઇમ બ્રાન્ચમાં આપવા અપીલ કરાઇ હતી. દશ દિવસ જેટલા સમયથી શરૂ થયેલી આ મુહિમમાં લોકોએ પોતાની ફરિયાદોનો ધોધ વરસાવ્યો છે. જાહેર કરાયેલ હેલ્પલાઈન નંબર મારફતે ક્રાઈમ બ્રાન્ચ પોલીસને દરરોજ 25 જેટલી ફરિયાદો મળી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીની ટીમ દ્રારા દરેક ફરિયાદોને ગંભીરતાથી લઇને તુરંત કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની આ હેલ્પલાઇનમાં મોટાભાગની ફરિયાદો દારૂને લગતી અને કેટલાક લોકોની બિનજરૂરી બેઠકને લઇને મળી રહી છે. પોલીસને દરરોજ સરેરાશ 20 થી 25 જેટલી ફરિયાદો મળી રહી છે. જેમાં કોઇ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં હોય, કેટલાક વિસ્તારોમાં દારૂનું વેચાણ થતું હોય તેવી માહિતી મુકવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્કિંગને લઇને સમસ્યાઓ આવી રહી છે. સૌથી વધારે ફરિયાદો કેટલાક લોકો સોસાયટી કે રહેણાંક વિસ્તારોની આસપાસ બિનજરૂરી અડ્ડો જમાવીને બેસતા લોકો અંગે ફરિયાદો મળી રહી છે. પોલીસ દ્રારા તમામ મુદ્દાઓને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્રારા જાહેર જનતા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા શરૂ કરવામાં આવેલી આ હેલ્પલાઇનમાં માત્ર રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોથી લોકો પોતાની સમસ્યા મોકલી રહ્યા છે. અગાઉ રાજકોટ પોલીસ દ્રારા વ્યાજખોરીને લઇને હેલ્પલાઇન મોબાઈલ નંબર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ સૌરાષ્ટ્રભરમાંથી વ્યાજખોરોના ત્રાસ અંગેની વ્યાપક ફરિયાદો મળી હતી.
Published On - 7:04 pm, Thu, 13 November 25