Rajkot: વાઈરલ ઈન્ફેકશનના કેસોને લઈ આરોગ્ય અધિકારીનું નિવેદન, નવેમ્બરના પહેલા અઠવાડિયાથી કેસમાં ઘટાડો નોંધાશે
રોગચાળો કાબુમાં ક્યારે આવશે તે અંગે મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલ મચ્છરજન્ય રોગ જેવા કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુની પિક ચાલી રહી છે. આ ઉપરાંત મિશ્ર ઋતુને કારણે વાઇરલ ઇન્ફેકશનના કેસ પણ ખૂબ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. નવેમ્બરના પહેલાથી બીજા અઠવાડિયાથી કેસ ઘટવાના શરૂ થશે.

Rajkot : રાજ્યમાંથી (Monsoon) ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ શિયાળો હજુ બેઠો નથી, ત્યારે રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે અને રાત્રે ગુલાબી ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. આ ડબલ ઋતુને કારણે રોગચાળો પણ વકર્યો છે અને તેના આંકડા પણ સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જેના પરથી હાલ શહેર અને જિલ્લામાં રોગચાળાની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.
વાઈરલ ઈન્ફેક્શન, ચિકન ગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધ્યા
એક અઠવાડિયામાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલા રોગચાળાના આંકડાની વાત કરવામાં આવે તો શરદી ઉધરસ(વાઇરલ ઇન્ફેક્શન)ના 693 કેસ, ઝાડા ઊલટીના 175 કેસ, ચિકન ગુનિયાના 4 કેસ, ડેન્ગ્યુના 11 કેસ અને તાવના 54 કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે આ આંકડા માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોના આંકડા છે.
આ પણ વાંચો Rajkot: 8 વર્ષની બાળકી પર ત્રણ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ અને પછી પથ્થરથી માથુ છુંદી નાખ્યુ
રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓના આંકડા હજુ અલગ છે. એટલે ઉપર દર્શાવેલા આંકડાઓમાં સિવિલ હોસ્પિટલ અને શહેરભરના ખાનગી દવાખાનાઓના આંકડા ભેગા કરવામાં આવે તો દર્શાવેલા આંકડાઓથી 5થી 6 ગણા વધુ કેસ હોઈ શકે છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં જ દરરોજના અંદાજે 200થી વધુ શરદી, ઉધરસ તાવ એટલે કે વાઇરલ ઇન્ફેકશનના કેસ આવી રહ્યા છે.
બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે tv9એ જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ વોર્ડ નંબર 18માં રહે છે, તેમના વિસ્તારમાં કોઈ ફોગીંગ કરવા નથી આવતું, આ ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્રોમાં પાણીમાં નાખવાની કલોરીનની ગોળીઓ પણ ઉપલબ્ધ નથી. તેથી લોકોને પાણીજન્ય રોગ થઈ રહ્યા છે.
કોરોના કાળ બાદ વાઈરલ ઈન્ફેક્શન મટતા વાર લાગે છે
હાલ મોટા ભાગના વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓમાં એક લક્ષણ એ જોવા મળી રહ્યું છે કે દવા લીધા બાદ પણ શરદી અને ખાસ કરીને ઉધરસ છે તે લાંબા સમય સુધી નથી મટી રહી, 15-20 દિવસ સુધી કોરી ઉધરસ આવી રહી છે. જે અંગે મનપાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાકાણીએ Tv9 સાથે વાત કરતા જણાવ્યું કે સામાન્ય રીતે કોરોના કાળ પહેલાની વાત કરવામાં આવે તો દવા લીધા બાદ 3-4 દિવસમાં કોરી ઉધરસ અથવા સામાન્ય ઉધરસ મટી જતી હતી, પરંતુ કોરોના કાળ બાદ મોટા ભાગના દર્દીઓમાં આ જોવા મળી રહ્યું છે કે ઉધરસ 15, 20 અથવા કેટલાક દર્દીઓને 25થી 30 દિવસ સુધી ઉધરસ મટતી નથી. તેથી કોરોના કાળ બાદ લોકોના સ્વાસ્થ્યમાં આ એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
નવેમ્બરના પહેલા અઠવાડિયાથી કેસમાં ઘટાડો નોંધાશે : આરોગ્ય અધિકારી
રોગચાળો કાબુમાં ક્યારે આવશે તે અંગે મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલ મચ્છરજન્ય રોગ જેવા કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુની પિક ચાલી રહી છે. આ ઉપરાંત મિશ્ર ઋતુને કારણે વાઇરલ ઇન્ફેકશનના કેસ પણ ખૂબ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. નવેમ્બરના પહેલાથી બીજા અઠવાડિયાથી કેસ ઘટવાના શરૂ થશે અને ડિસેમ્બર મહિના સુધીમાં રોગચાળો કાબુમાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.
આ ઉપરાંત આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળાની સીઝન ચાલી રહેલી હોવાના કારણે ખોરાકમાં ધ્યાન આપવું જરૂરી છે. હળવો ખોરાક લેવો જોઈએ, બહારનું ખાણીપીણી વધુ પ્રમાણમાં લેવું ન જોઈએ, તીખું તળેલું પણ મર્યાદિત માત્રામાં લેવું જોઈએ અને ઘરની આજુબાજુમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
મચ્છરોના ઉપદ્રવ બદલ આરોગ્ય વિભાગની કામગીરી
આ ઉપરાંત મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મચ્છરોના ઉપદ્રવને લઈને આરોગ્ય વિભાગની ટીમ સતત ચેકીંગ કરી રહી છે અને જે એકમોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગત સપ્તાહમાં આરોગ્ય વિભાગ દ્વારા કરેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ મળી આવ્યો હોય તેવા 336 ઘર અને 79 જેટલા કોમર્શિયલ એકમોને મચ્છરોના ઉપદ્રવ મળી આવવા બદલ નોટીસ પણ ફટકારવામાં આવી છે તો 60 જેટલા એકમો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો