Gujarat Election : ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં વજુભાઇ વાળા સક્રિય ! ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ સાથે કરી બેઠક
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ (BL Santosh) સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. બી.એલ.સંતોષે સૌરાષ્ટ્રના અલગ અલગ નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સાંજના સમયે તેઓ વજુભાઇ વાળાને (Vajubhai vala) મળ્યા હતા.
વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ (BJP) વધુને વધુ સક્રિય બનતુ જઇ રહ્યુ છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વજુભાઈ વાળા (Vajibhai Vala) ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત મળ્યા છે. રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષે વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી. સૂત્રો મુજબ સૌરાષ્ટ્રમાં ચૂંટણી માટે વજુભાઈ વાળાને જવાબદારી સોંપાય તેવી શક્યતા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. બી.એલ.સંતોષે સૌરાષ્ટ્રના અલગ અલગ નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સાંજના સમયે તેઓ વજુભાઇ વાળાને મળ્યા હતા. આ સાથે જ બી. એલ. સંતોષ સંગઠનના મહામંત્રી વીર રત્નાકરને પણ મળ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી વિનોદ ચાવડા પણ તેમની સાથે હતા. આ તમામની બંધ બારણે એક બેઠક મળી હતી. જે રીતે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. તે રીતે વજુભાઇ વાળા સાથેની આ બેઠક સૂચક માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં વજુભાઇ વાળા ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે તેમના અનુભવનો લાભ આગામી સમયમાં ચૂંટણીમાં ભાજપને કેવી રીતે મળી શકે તે માટેની વિશેષ ચર્ચાઓ ચાલી. લાંબા સમય સુધી આ ચર્ચાઓ બંધ બારણે ચાલી હતી.
આ સિવાય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વજુભાઇ વાળાને આગામી ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. વજુભાઇ વાળા કર્ણાટકના રાજ્યપાલ તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. તેઓ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ હતા. આ સાથે જ વર્ષો સુધી તેઓ વર્ષો સુધી ગુજરાતના નાણામંત્રી પણ રહી ચુક્યા છે. વજુભાઇ વાળા ભાજપના વરિષ્ઠ નેતા છે. ત્યારે તેમના અનુભવનો લાભ આગામી વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે લઇ શકાય તે અંગે ભાજપ વિચારી રહ્યુ છે.
બીજી તરફ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતની વારંવાર મુલાકાત કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીની અસરને સૌરાષ્ટ્રમાં કેવી રીતે રોકી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ વજુભાઇ વાળા પાસેથી લેવામાં આવી રહ્યુ છે. ટુંકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વજુભાઇવાળાની એન્ટ્રી સ્પષ્ટ પણે જોવા મળી રહી છે. વજુભાઇ વાળાની એન્ટ્રીથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(વીથ ઇનપુટ-મોહિત ભટ્ટ, રાજકોટ)