રાજકોટ જિલ્લામાં BJPએ 3300 કુપોષિત બાળકોને લીધા દત્તક, પાટીલે બાળકને દૂધ પીવડાવીને કાર્યક્રમ લોન્ચ કર્યો

કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનને લોન્ચ કરતા સમયે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે ગુજરાત (Gujarat) જેવા સમૃધ્ધ રાજ્યમાં એકપણ કુપોષિત બાળક ન હોવું જોઇએ.

રાજકોટ જિલ્લામાં BJPએ 3300 કુપોષિત બાળકોને લીધા દત્તક, પાટીલે બાળકને દૂધ પીવડાવીને કાર્યક્રમ લોન્ચ કર્યો
બીજેપીએ 3300 કુપોષિત બાળકોને દત્તક લીધા.
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 17, 2022 | 3:18 PM

ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (C. R. Patil) કુપોષિત બાળકોને સુપોષિત કરવાની સૂચના આપ્યા બાદ રાજ્યભરમાં ભાજપના આગેવાનો દ્રારા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવી રહ્યા છે. આજે રાજકોટ (Rajkot News) જિલ્લા ભાજપ દ્રારા 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા જે અંતર્ગત 90 દિવસમાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાનું બીડું ઉપાડવામાં આવશે. આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કુપોષિત બાળકને દુધ પીવડાવીને આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.

ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યમાં એકપણ કુપોષિત બાળક ન હોવું જોઇએ – પાટીલ

કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનને લોન્ચ કરતા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યમાં એકપણ કુપોષિત બાળક ન હોવું જોઇએ. જિલ્લા ભાજપ દ્રારા 3300 જેટલા બાળકોને દત્તક લઇને 90 દિવસમાં સુપોષિત કરવાનું બીડું ઉપાડવામાં આવ્યુ છે જે ખૂબ જ આવકાર્ય છે. ભાજપનો કાર્યકર માત્ર રાજકીય ગતિવિધીઓ માટે નહિ પરંતુ સામાજિક જવાબદારી ઉપાડે છે. જેના ભાગરૂપે જિલ્લાના 3300થી વધુ બાળકોને સુપોષિત કરશે.

દરેક વિધાનસભા પ્રમાણે નેતાઓએ બાળકોને દત્તક લીધા

રાજકોટ જિલ્લાના દરેક વિધાનસભા દીઠ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર તેમજ  ભરત બોઘરા સહિત 3300 જેટલા બાળકોને દત્તક લેવામાં આવશે. આ બાળકોને સમયસર પોષણક્ષમ આહાર મળી રહે તેની જવાબદારી ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા ઉપાડવામાં આવશે.

રાજકોટ ડેરીએ વિનામૂલ્યે દૂધ પુરૂ પાડ્યું

આ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે દરેક રાજકીય આગેવાનો પ્રયત્નશીલ છે ત્યારે રાજકોટ જિલ્લા દૂધ સહકારી સંઘ એટલે કે રાજકોટ ડેરી દ્વારા તમામ બાળકો માટે દૂધ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ સી આર પાટીલને મળીને વિનામૂલ્યે દૂધ આપવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રના તમામ જીલ્લા પ્રમુખો સાથે બેઠક પણ કરશે તેમજ રાજકોટમાં જેએમજે ગ્રુપ દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવમાં હાજરી પણ આપશે. આ ઉપરાંત આગામી 28મી તારીખે પીએમ મોદી રાજકોટના પ્રવાસે આવવાના હોય આ અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા પણ કરશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati