રાજકોટમાં રખડતા શ્વાનને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ, રખડતા ઢોરની સાથે શ્વાનનો આતંક પણ વધ્યો
Rajkot: રાજકોટમાં હવે રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનનો આતંક પણ વધ્યો છે. વધુ એક વ્યક્તિએ રખડતા શ્વાનના કારણે જીવ ગુમાવ્યો છે. કુવાડવાના સણોસરા ગામના 50 વર્ષિય વ્યક્તિની બાઈકની આડે શ્વાન ઉતરતા બાઈક સ્લીપ થયુ હતુ. જેમા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનુ મોત થયુ હતુ.
રાજકોટ શહેર અને જિલ્લામાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક પણ યથાવત જોવા મળી રહ્યો છે અને અવારનવાર રખડતા શ્વાન દ્વારા હુમલો થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે વધુ એક વ્યક્તિએ રખડતા શ્વાનને કારણે જીવ ગુમાવ્યાનો એક કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટના કુવાડવાના સણોસરા ગામના વતની ગામના 50 વર્ષીય માવજીભાઈ સાથળીયા તેમના પુત્ર સાથે બાઈક પર અમરેલીના વાસાવડ ગામથી દડવાના રસ્તા તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન રખડતો શ્વાન યમદૂત બની આડો ઉતરતા બાઈકસ્લીપ થયુ હતુ. જેમા બંને પિતા પુત્ર નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પિતા માવજીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે પુત્ર સવીશને સામાન્ય ઇજા થઈ હતી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માવજીભાઈ ને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માવજીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.
માતાજીના માંડવામાં ગયા હતા પિતા-પુત્ર
બુધવારે આઠના દિવસે બંને પિતાપુત્ર કુટુંબીજનો દ્વારા આયોજિત માતાજીના માંડવામાં ગયા હતા અને ત્યાંથી માતાજીના નૈવેધ માટે નોંઘણવદર પણ ગયા હતા. જ્યાંથી રાજકોટ તરફ આવતી વખતે વાસાવડથી દડવા વચ્ચેના માર્ગ પર રખડતો શ્વાન આડો ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો. સિવિલ હોસ્પિટલ દ્વારા અમરેલીની વડીયા પોલીસ ચોકીને જાણ કરવામાં આવી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૃતક માવજીભાઈ ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં વચ્ચેના હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા. તેઓને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે.
થોડા દિવસ પહેલા પણ મહિલાએ રખડતાં શ્વાનના કારણે ગુમાવ્યો હતો જીવ
થોડા દિવસ પહેલા પણ રાજકોટમાં કોઠારીયા રોડ પર રખડતાં શ્વાનના લીધે જીવ ગુમાવ્યો હતો. શ્વાને બાઇકમાં પાછળ બેસેલા મહિલાની સાડીનો છેડો ખેંચતા તેઓ નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. નયનાબેન ગોંડલિયા નામના મહિલા તેમના પતિ સાથે બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઉપરાંત ગત 22 માર્ચે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં શ્વાનના જુંડએ 5 વર્ષના બાળક પર હુમલો કર્યો અને બાળકનું કરુણ મોત નિપજ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…