22મી માર્ચે આર્ય સમાજનો 149મો સ્થાપના દિવસ, રાજકોટમાં થશે ભવ્ય ઉજવણી, વિવિધ કાર્યક્રમોનું કરાયુ આયોજન
Rajkot News : આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિના બે વર્ષીય વિશ્વવ્યાપી આયોજનનો શ્રુંખલામાં આર્યસમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે.
22મી માર્ચે આર્ય સમાજનો 149મો સ્થાપના દિવસ છે. ત્યારે ઉજવણીના ભાગરૂપે 22મી માર્ચના બુધવારના રોજ રાજકોટના આર્યસમાજ ભવન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિના બે વર્ષીય વિશ્વવ્યાપી આયોજનનો શ્રુંખલામાં આર્યસમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે.
7 એપ્રિલ 1875એ આર્ય સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી
મહાભારતકાળ પછી અસંગઠિત આર્યોને સંગઠિત કરવાના ઉદ્દેશ્ય તેમજ માનવમાત્રની સર્વાંગી ઉન્નતિની પવિત્ર ભાવનાથી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા 7 એપ્રિલ 1875 ચૈત્ર સુદ એકમ વિક્રમ સવંત 1931ના રોજ આર્ય સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે એક વૈશ્વિક સંસ્થા બની છે.
ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ
વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિમાં અગ્રેસર આર્ય સમાજ ખાતે આર્ય સમાજના 149માં સ્થાપનાદિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞો, આધ્યાત્મિક અને બૌદ્ધિક વ્યાખ્યાન, પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ દિવસે યોજાશે વિવિધ કાર્યક્રમો
- સવારે 6 થી 7 પ્રભાતફેરી -કિસાનપરા ચોકથી લાફિંગ ક્લબ સુધી
- સવારે 7 થી 8 વાગ્યે – લાફિંગ ક્લબ ખાતે યજ્ઞ
- સાંજે 5-30 થી 8 વાગ્યે- સરદારનગર કોમ્યુનિટી હોલ ખાતે યજ્ઞ ,ભોજન,પ્રવચનનું આયોજન કરાયું છે.
કાર્યક્રમમાં આર્યસમાજના સમર્થકો ઉપસ્થિત રહેશે
આ કાર્યક્રમમાં મુખ્ય વકત્તા તરીકે પૂજ્ય અજયજી આર્ય (દર્શનાચાર્ય) સોનીપત હરિયાણા રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, ગુજરાત પ્રાંતીય સભાના મંત્રી અને જામનગરના આર્યસમાજના પ્રમુખ દિપક ઠક્કર મહાનગરપાલિકાના દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આર્યસમાજના સમર્થકો ઉપસ્થિત રહેશે.
વૈદિક મૂલ્યોના આધારે બનેલું પ્રથમ હિંદુ સંગઠન
ગુજરાતના ટંકારામાં 1824માં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશમાં ધાર્મિક સુધારણાના સમયગાળામાં 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. વૈદિક મૂલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ પ્રકારનું દેશનું પ્રથમ હિન્દુ સંગઠન હતું. પરંપરાગત હિન્દુ ધર્મમાં દયાનંદ સરસ્વતીએ નવીનતા લાવીને દેશભરમાં ગુરૂકૂળ પદ્ધતિથી શિક્ષણ આપવાની પણ શરૂઆત કરી હતી. આજે આર્ય સમાજની પદ્ધતિને અનુસરતા 80 લાખથી એક કરોડ અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે.