રાજકોટના અગ્નિકાંડ બાદ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચોથો આરોપી હવે પોલીસ રિમાન્ડમાં છે. ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરાઇ હતી. બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે આરોપી ધવલ ઠક્કરને 13 દિવસના રિમાન્ડમાં મોકલ્યો છે. હવે, ધવલ ઠક્કર 10 જૂન સાંજના 4 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે અને પોલીસ હકીકતને ભેદવા પૂછપરછ અને તપાસ કરશે. વકીલના જણાવ્યા મુજબ, બધા આરોપીઓનું કહેવું છે કે તેઓ માલિક નથી, માત્ર પગારદાર છે. પરંતુ, એ વાત પણ અનદેખી ન કરી શકાય કે, ગેમ ઝોનના દસ્તાવેજ તેમના નામે બોલી રહ્યા છે. જેને લઇ વધુ તપાસ કરાશે. ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરતા પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરી હતી.
TRP ગેમ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે મેળવવામાં આવ્યું હતું. 2021માં પ્રથમ વખત ધવલ કોર્પોરેશનના નામે ટિકિટના ભાવ નક્કી કરવા માટે લાયસન્સ મેળવ્યું હતું. જેને 2023માં રીન્યુ કર્યું હતું. ગેમ ઝોન માટે ખેતીલાયક જમીનને બિનખેતી રહેણાંક હેતુમાં ફેરવવામાં આવી હતી. જોકે જમીન માલિકે રહેણાંક માટેની જમીન કોમર્શિયલ હેતુ માટે આપી હતી. ગેમ ઝોનમાં જે ભાગે આગ લાગી હતી. તે ધવલ કોર્પોરેશનના નામે રજિસ્ટર્ડ હતું. જે લાયસન્સ લેવાયું હતું. તેમાં ધવલની સહી હતી.રીન્યુ અરજીમાં પણ તેની સહી જોવા મળી. આ મુદ્દે કોર્ટે ટકોર કરી. કે રહેણાંક હેતુ માટેની જગ્યામાં 3 માળનું ઇન્ફ્રા બનાવી લીધુ તેમ છતાં ઓથોરિટી ના ધ્યાને કઈ ના આવ્યું? ત્યારે, સ્પેશિયલ પીપીએ કહ્યું- કે એના માટે જ તપાસની જરૂર છે. અન્ય કોઈ વિભાગના અધિકારીની બેદરકારી કે સંડોવણી અંગે પણ તપાસ કરાશે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખે પણ કહ્યું- કે મુખ્ય સૂત્રધાર પ્રકાશ છે, તે પકડાઇ જશે. પેપર પર તમામ માલિકો છે. પરંતુ કોર્ટમાં હાજર થનાર તમામ પોતાને પગારદાર બતાવે છે.
ઉલ્લેખનીય છે, TRP ઝોનમાં અગ્નિકાંડ બાદ આરોપી ધવલ ઠક્કર ફરાર થઇ ગયો હતો. જે બાદ તે અમદાવાદ ગયો. અને ત્યાંથી બનાસકાંઠા ગયો. જો કે આ દરમિયાન બનાસકાંઠા LCBએ ધવલને આબુ રોડ પરથી પકડ્યો હતો. જે બાદ તેની પૂછપરછ કરાતા તેણે કબૂલાત કરી કે TRP ગેમ ઝોનના માલિકોએ તેના નામે લાયસન્સ લીધું હતું. જો કે ધવલ ઠક્કરે જણાવ્યું કે, તે માત્ર ત્યાં નોકરી કરતો હતો. હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અનેક હકીકતો બહાર આવશે.
આ પણ વાંચો: સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં કેદીના મોત મામલે સીસીટીવીમાં થયો ચોંકાવનારો ખૂલાસો- જુઓ Video