RAJKOT : ફરાળી પેટીશના નામે થઇ રહ્યા છે લોકોની આસ્થા સાથે ચેડા,આ લોટનો થતો હતો ઉપયોગ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્રારા શહેરના 10 જેટલા ફરાળી પેટીશના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી
RAJKOT :શ્રાવણ માસમાં લોકો પોતાની ધાર્મિક આસ્થાને લઇને ઉપવાસ રહેતા હોય છે અને તેમાં બજારમાં તૈયાર મળતી ફરાળી પેટીશ આરોગતા હોય છે પરંતુ આપ આ પેટીશ ખાતા પહેલા ચેતી જજો.ક્યાંક આ પેટીશ બિન-ફરાળી તો નથી ને ?
આ સવાલ એટલા માટે થાય કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્રારા શહેરના 10 જેટલા ફરાળી પેટીશના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં હનુમાન મઢી ચોકમાં આવેલી મુરલીધર ફરસાણ,પારસ સ્વીટ માર્ટ અને મોટી ટાંકી ચોકમાં આવેલી સ્નેક્સ બાઇટમાં મકાઇના લોટમાંથી પેટીશ બનાવતા હોવાનું સામે આવ્યું છે.ફૂડ શાખા દ્રારા ત્રણેય સ્થળોએ મળીને કુલ 35 કિલો પેટીશના જથ્થાનો નાશ કર્યો છે અને તમામને નોટિસ આપવામાં આવી છે.
વધુ નફો કમાવવા લોકોની આસ્થા સાથે ચેડા આ અંગે ફૂડ શાખાના અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે વેપારીઓ વધુ નફો કમાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે.સામાન્ય રીતે ફરાળી પેટીશમાં તપખીરનો લોટ,રાજગરા અને સાબુદાણાનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ મકાઇનો લોટ પ્રમાણમાં સસ્તો પડતો હોવાથી આ રીતે લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં આવતા હોય છે.લોકો આસ્થા સાથે ઉપવાસ રહેતા હોય છે અને આવા વેપારીઓ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે.
કેળાના વેપારીઓને ત્યાં પણ તપાસ ફૂડ શાખા દ્રારા શહેરમાં કેળા પકવતાં આઠ વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં માધાપર,સદર બજાર અને શિતલ પાર્ક વિસ્તારમાં આવેલા કેળાના ગોડાઉનમાં ચકાસણી હાથ ધરી હતી અને કેળા બિનઆરોગ્યપ્રદ કેમિકલથી પકાવવામાં નથી આવતાને તે અંગે તપાસ હાથ ધરી હતી.શ્રાવણ માસમાં લોકો કેળાનો પણ વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્રારા ખાસ ડ્રાઇવ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : GANDHINAGAR : વેપારીઓ સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં SITએ 52 અરજીઓનો નિકાલ કર્યો