Ahmedabad Breaking: ‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX માં રોકડ લેવાનો ઇનકાર કરાતાં હોબાળો, વકીલે મોકલી લીગલ નોટિસ

મલ્ટિપ્લેક્સમાં મૂવી ટિકિટ અને ફૂડ કાઉન્ટર પર રોકડ નાણાં સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી માત્ર UPI થી જ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતાં મોટો વિવાદ ઊભો થયો છે. અમદાવાદના વકીલે PVR INOX ને લીગલ નોટિસ ફટકારીને RBI ના કાયદા હેઠળ કેવા સવાલો ઉઠાવ્યા અને નિષ્ણાતોનું આ અંગે શું માનવું છે?

Ahmedabad Breaking: ‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX માં રોકડ લેવાનો ઇનકાર કરાતાં હોબાળો, વકીલે મોકલી લીગલ નોટિસ
| Updated on: Sep 20, 2026 | 10:10 PM

પીવીઆર આઈનોક્સ (PVR INOX) માં ફિલ્મ જોવા ગયેલા એક ગ્રાહક સાથે પેમેન્ટ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. થિયેટર દ્વારા મૂવી ટિકિટ અને ફૂડ કાઉન્ટર પર રોકડ (Cash) સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતાં આ મામલો હવે કાયદાકીય લડત સુધી પહોંચ્યો છે. આ કિસ્સો સામે આવ્યા બાદ સવાલ ઊભો થયો છે કે શું કોઈ પણ વ્યાપારિક સંસ્થા ભારતમાં કાયદેસર માન્ય ચલણ (લીગલ ટેન્ડર) લેવાનો ઇનકાર કરી શકે ખરી? આ મામલે અમદાવાદના એડવોકેટ ઉત્કર્ષ દવેએ PVR INOX લિમિટેડને કાનૂની નોટિસ પાઠવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, 13 સપ્ટેમ્બરના રોજ ઉત્કર્ષ દવે જ્યારે અમદાવાદના પેલેડિયમ મોલ સ્થિત સિનેમા કોમ્પ્લેક્સમાં ગયા હતા, ત્યારે કાઉન્ટર પર તેમને માત્ર UPI થી જ ચુકવણી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે મલ્ટિપ્લેક્સ ચેઇનની આ “ઓન્લી કેશલેસ” નીતિ સામે વાંધો ઉઠાવીને કાનૂની સ્પષ્ટતા માંગી છે.

કાઉન્ટર પર શું બન્યું હતું?

નોટિસ અનુસાર, ઉત્કર્ષ દવે જ્યારે ફૂડ કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે સ્ટાફે રોકડ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે અહીં માત્ર UPI થી જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. વકીલે સવાલ ઉઠાવ્યો છે કે શું PVR INOX દ્વારા પોઇન્ટ ઓફ સેલ (કાઉન્ટર) પર આવી કોઈ નોટિસ સ્પષ્ટપણે દર્શાવવામાં આવી હતી? ગ્રાહક જ્યારે છેક કાઉન્ટર પર પહોંચીને કેશ આપે ત્યારે જ તેને આવી પોલિસીની જાણ થાય તે વ્યાજબી નથી. તેમણે સ્ટાફને કેશ ન સ્વીકારવા માટે આપવામાં આવેલા લેખિત આદેશોની નકલ પણ માંગી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 26(1) નો હવાલો આપતાં તેમણે દલીલ કરી છે કે RBI દ્વારા જારી કરાયેલી ચલણી નોટો ‘લીગલ ટેન્ડર’ છે. ગ્રાહકો સાથે સીધો વ્યવહાર કરતાં વ્યવસાયમાં કેશ લેવાની સંપૂર્ણ ના પાડવી એ પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષા કાયદાના નિયમો સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

શું પ્રાઇવેટ બિઝનેસ કેશ લેવા બંધાયેલા છે?

કાયદા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, RBI ની કરન્સી લીગલ ટેન્ડર છે, પરંતુ કોઈ પણ પ્રાઇવેટ બિઝનેસ નિયમોના દાયરામાં રહીને પોતાના માલ કે સર્વિસના નિયમો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. ઈ-કોમર્સ, એપ-બેઝ્ડ સેવાઓ કે ઓટોમેટેડ સિસ્ટમ્સમાં ડિજિટલ પેમેન્ટ પર નિર્ભર રહેવું સામાન્ય બાબત છે. કોઈ ફિઝિકલ આઉટલેટ પણ કેશલેસ પોલિસી અપનાવી શકે છે, પરંતુ શરત એ છે કે તેની સ્પષ્ટ અને અગાઉથી જાણ ગ્રાહકને હોવી જોઈએ.

સ્માર્ટફોન વિનાના ગ્રાહકોનું શું?

કાનૂની નોટિસમાં એવા સામાન્ય લોકો અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે જેમની પાસે સ્માર્ટફોન નથી, UPI ની સુવિધા નથી અથવા ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોય. શું આવા ગ્રાહકો કાયદેસર ચલણ આપવા તૈયાર હોવા છતાં તેમને સેવાઓથી વંચિત રાખી શકાય?

નોટિસમાં PVR INOX ને જવાબ આપવા માટે 7 દિવસની મુદ્દત આપવામાં આવી છે અને ચેતવણી અપાઈ છે કે જો સંતોષકારક ખુલાસો નહીં મળે તો ગ્રાહક ફોરમ (Consumer Commission) અને સક્ષમ સત્તામંડળો સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Surat Breaking: ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી વેપારીઓનો વિરોધ, ઉદ્યોગપતિઓની લોન માફ અને સામાન્ય જનતા પર બોજ કેમ?

Follow Us
Loading...
Unable to load recommendations.