પોરબંદરમાં (Porbandar) ભદ્રકાલી માતાજી મંદિરે વર્ષોથી પારંપરિક ગરબા (Traditional garba) રમવામાં આવે છે છેલ્લા 98 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરમાં સાંસ્કૃતિક રીતે ગરબા રમવામાં આવે છે. આ મંદિરમાં માત્ર પુરુષો જ ગરબા રમે છે. જ્યારે મહિલાઓ અહીં ગરબા રમી શકતી નથી. મહિલાઓને મંદિરના પટાંગણમાં બેસી માત્ર ગરબા જોવાની છૂટ છે. પુરુષો દરેક નવરાત્રી (Navratri 2022) ભરેલી ટોપી (Cap) પહેરી ખુલ્લા પગે માતાજીના ગરબા રમે છે.અહીં, ગરબા રમવા આવેલા દરેક પુરુષે ટોપી પહેરવી ફરજિયાત છે નાનાથી લઈ મોટા દરેક વ્યક્તિ અહીં આ ખાસ પ્રકારની ટોપી પહેરીને જ ગરબા રમે છે.
પોરબંદરમાં આવેલા આ ભદ્રકાળી મંદિરમાં રમાતા ગરબાની ખાસિયત એ પણ છે કે-અહીં કોઈ આધુનિક સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થતો નથી ધ્વનિ પ્રદૂષણ ન થાય એ માટે વર્ષોથી અહીં કોઈ સાઉન્ડ સિસ્ટમ ગરબા માટે ઉપયોગમાં લેવાતી નથી. ગરબા રમવા માટે પુરુષો જ માતાજીના ગરબાનું ગાન કરે છે. તેના માટે માઈકનો પણ ઉપયોગ કરતા નથી. તો સંગીત માટે પારંપરિક વાદ્યો તબલા, ઢોલ, હાર્મોનિયમ અને મંજીરાનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષોથી અહીં દિવેચા કોળી સમાજ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે અને હવે આવનારી પેઢીઓ પણ 98 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખશે તેવી કોળી સમાજના અગ્રણી દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ ગરબીમાં કોળીસમાજની પાંચમી પેઢી માથા પર ભરત ભરેલી ટોપી પહેરીને ગરબા રમે છે.આ ગરબા કોળી સમાજના અગ્રણીએ લખેલા ગરબા સાથે ગવડાવવામાં આવે છે . ઘોંઘાટ વગરની આ ગરબીમાં માતાજીના સાનિધ્યમાં પુરુષો જ ગરબા રમે છે. ભારતીય સંસ્કૃતિ ની પરંપરા દિવેચા કોળી સમાજ ના યુવાનોએ જાળવી રાખી છે. આજના આધુનિક અને ટેક્નિકલ યુગમાં આજની પેઢી પણ ભદ્રકાળી માતાજીના મંદિરે ગરબા રમી પોતાની જાતને ધન્ય માને છે. આવનાર વર્ષોમાં આ ગરબી 100 વર્ષ પુરા કરશે ત્યારે આવનાર પેઢી માટે આ ગરબા નું આયોજન સુવર્ણ અક્ષરે અકિત થશે. આજે કોરોના મહામરીને કારણે ભદ્રકાળી માતાજીના ગરબા શહેરનું સૌથી મોટું આયોજન ગણવામાં આવી રહ્યું છે લોકો પણ ઉમળકા ભેર આયોજન ને વધાવી રહ્યા છે. મોંઘા ડ્રેસ અને આધુનિક ઉપકરણો સામે પ્રદુષણ વગરની ભદ્રકાળી માતાજીની ગરબી આવનાર પેઢીને નવી રાહ ચીંધે છે