Porbandar: ઓનલાઈન આફત તે આનું નામ ! યુવકે ઓનલાઈન દુલ્હન શોધી તો નીકળી માથાભારે ડોન, વૈભવી શોખ સાથે અનેક ગુનામાં સામેલ હતી
વિમલે લગ્ન પહેલા રીટા પાસે છૂટાછેડાના પુરાવા માગ્યા જો કે રીટાએ કહ્યું હતું કે તેના બાળ લગ્ન થયા હતા તેના કારણે મેરેજ સર્ટિફિકેટ ન હોવાનું રીટાએ જણાવ્યું હતું. જે બાદ રીટાએ વિમલને વિશ્વાસમાં લઈને લગ્ન કરી દીધા.
ડિજિટલ યુગમાં જીવનસાથીની પસંદગી માટે યુવાનો મેટ્રોમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરે છે. જોકે આ પ્રકારની સાઇટ દ્વારા મોટી છેતરપિંડીનો ભોગ બની જવાય છે. આવી જ ઘટના પોરબંદરમાં બની હતી. વિમલ કારિયા નામના યુવાને ઓનલાઇન યુવતી પસંદ કરી હતી પરંતુ યુવકને આઘાત ત્યારે લાગ્યો કે જ્યારે ખબર પડી કે આ યુવતી તો ડોન છે.
ઓનલાઈન શોધેલા જીવનસાથી સાથે રંગેચંગે લગ્ન કર્યા પછી એક દિવસ જાણ થાય કે પત્ની સમાન્ય ગૃહિણી નથી,પરંતુ માથાભારે ડોન છે. આ યુવતી સંખ્યાબંધ ગંભીર ગુનામાં સામેલ રહી છે. પોરબંદરના શાક માર્કેટમાં કામ કરતા વિમલ કારીયાને પત્નીની હકીકતની જાણ થતા જ પગ તળેથી જમીન સરકી ગઈ. વિમલની દુલ્હન બનીને આવેલી યુવતી પહેલાથી જ પરણિત હતી. આ મહિલા 5 હજાર કારની ચોરી, હત્યા અને સ્મગલિંગ જેવા ગુનાના આરોપીની પત્ની હોવાની જાણ થઈ હતી. આ મુદ્દે પતિ વિમલ કારિયાએ પોરબંદર SPને અરજી આપી છે.
આસામની યુવતી રીટા દાસ છે ડોન
પોરબંદરની જલારામ કુટીરમાં રહેતો વિમલ કારિયા મેટ્રોમોનિયલ સાઈટ થકી આસામની રીટા દાસના સંપર્કમાં આવ્યો હતો. રીટાએ પ્રોફાઈલમાં ડિવોર્સી હોવાનું જણાવ્યું હોવાથી વાત આગળ વધારી વિમલે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. વિમલે લગ્ન પહેલા રીટા પાસે છૂટાછેડાના પુરાવા માગ્યા જો કે રીટાએ કહ્યું હતું કે તેના બાળ લગ્ન થયા હતા તેના કારણે મેરેજ સર્ટિફિકેટ ન હોવાનું રીટાએ જણાવ્યું હતું. જે બાદ રીટાએ વિમલને વિશ્વાસમાં લઈને લગ્ન કરી દીધા.
જો કે લગ્ન બાદ રીટાની અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. રીટાએ પહેલા લગ્ન કર્યા હતા તે શખ્સ રીઢો કારચોર છે. જેણે 5000 કારની ચોરી કરી હતી. આ ઉપરાંત તેનો પૂર્વ પતિ, સ્મગલિંગના ગુનામાં પણ સંડોવાયેલો છે. આમ તે બંને લોકોનો ગુનાઇત ઇતિહાસ છે. પોતે ગરીબ હોવાનું કહેનારી રીટા લગ્ન બાદ ત્રણથી ચાર હજાર રૂપિયાના ડ્રેસ પહેરતી હતી અને પંદરસોથી બે હજારના ચંપલ પહેરતી હતી. તો વિવિધ વ્યસન કરતી હતી તેમજ નોનવેજ ખાતી હતી.
જોકે લગ્ન જીવન બદરબાદ ન થાય તે માટે વિમલે માથાકૂટ ટાળી હતી. પરંતુ સંજોગોવશાત પત્ની રીટાની ક્રાઈમ કુંડળીની જાણ થતા જ વિમલે પોરબંદરના એસપીને ફરિયાદ કરી છે. જેથી અનેક ગુનામાં સામેલ પત્ની સામે કડક કાર્યવાહી થાય અને વધુ કોઈની જિંદગી બરબાદ ન થાય