પોરબંદરમાં સમુદ્રમાં ગણેશ વિસર્જન કરવા પર નગરપાલિકાએ પ્રતિંબંધ ફરમાવતા ભાવિકો લાલઘુમ- Video

|

Sep 12, 2024 | 3:53 PM

પોરબંદરમાં સમુદ્રમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવતા ભાવિકો અને તંત્ર સામસામે આવી ગયા છે. તંત્ર સામે પ્રદૂષણ અંગેના બેવડા ધોરણનો ભાવિકોએ આક્ષેપ કર્યો છે. ભાવિકોનો આરોપ છે કે દરિયામાં જેતપુર ડાઈંગનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. ત્યારે પ્રદૂષણ કેમ યાદ આવતુ નથી.

પોરબંદર પાલિકા તેના નિર્ણયને કારણે વિવાદમાં આવી છે. નગરપાલિકાએ પ્રદૂષણનો હવાલો આપી દરિયામાં ગણેશ વિસર્જન કરવા અંગે પ્રતિબંધ ફરમાવતા ભાવિકોએ તંત્ર પર પ્રદૂષણ અંગેના બેવડા ધોરણોનો આક્ષેપ કર્યો છે. નગરપાલિકાએ સુપ્રીમના ચુકાદાનો હવાલો આપી સમુદ્રમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. શહેરમાં 4 સ્થળોએ કૃત્રિમ તળાવો બનાવીને તેમા ગણેશ વિસર્જન કરવાની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે વિસર્જન માટે આવેલા ભાવિકોને આ નિર્ણય થોડો અજુગતો લાગી રહ્યો છે.

બીજી તરફ કાયદાનો હવાલો આપીને માત્ર હિન્દુ તહેવારોને નિશાન બનાવાતો હોવાનો આક્ષેપ કરાયો છે. પોરબંદરના દરિયામાં જેતપુર ડાઈગનું કેમિકલ યુક્ત પાણી ઠાલવવા માટે સરકારે લીલી ઝંડી આપી છે અને પોરબંદરની એક નામાંકિત ખાનગી કંપનીનું સોડા અને રસાયણ યુક્ત પાણી સીધું સમુદ્રમાં ઠાલવવામાં આવે છે ત્યારે નિયમો ક્યાં જાય છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે.

સામાજિક કાર્યકર અને ગણપતિ પંડાળના આયોજકોમાં આ મામલે રોષ છે. જ્યારે આ અંગે પાલિકાના અધિકારીઓને પુછવામાં આવ્યું તો ત્યારે તે પણ ગેંગે ફેંફે થઇ ગયા અને ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા.

સરકારી અધિકારીનો જવાબ જે પણ હોય તે, પરંતુ આ વર્ષે પોરબંદરમાં ભાવિકો બાપ્પાની મૂર્તિનું વિસર્જન સમુદ્રમાં નહીં કરી શકે તે વાસ્તવિકતા છે.’

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video