લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતમાંથી વધુ 11 લોકસભાના ઉમેદવારો જાહેર કરાયા છે. આ સાથે કોંગ્રેસે કુલ 17 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે 7 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
બીજી યાદીમાં પંચમહાલ લોકસભા બેઠક માટે પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને આ બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે આવો જાણીએ કોણ છે, ગુલાબસિંહ ચૌહાણ અને તેમની રાજકીય સફર વિશે….
ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના માજી વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લૂણાવાડાના વિરણીયાના રહેવાસી છે. તેમણે બી.કોમ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે.
તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો, 2006થી 2010 સુધી વિરણીયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય તરીકે બે ટર્મ રહ્યા છે. તો મહીસાગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી છે.
ગુલાબસિંહ ચૌહાણ આ ઉપરાંત પણ વિવિધ પદો પર રહી ચૂક્યા છે, જેમકે મહીસાગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, ધી વિરણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, ધી અર્થક્ષમ સેવા સહકારી મંડળી વિરણીયાના ચેરમેન, ધી પિયત મંડળી વિરણીયાના ચેરમેન, સહભાગી વન વ્યવસ્થા મંડળી વિરણીયાના પ્રમુખ, જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ, લુણાવાડા તાલુકા બક્ષિપંચ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.
કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર સ્થાનિક કક્ષાએ લાંબી રાજકીય કારકીર્દી ધરાવતા ગુલાબસિંહ ચૌહાણને પસંદગી ઉતારી છે, ત્યારે આ બેઠક પર ભાજપ દ્વારા પણ ક્ષત્રિય ઉમેદવાર એવા રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આ બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.