
Saturday No School Bag Day: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવેથી રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવાર બેગલેસ ડે અમલી કરવામાં આવશે. જે અનુસાર શનિવારે દરેક વિદ્યાર્થીઓને શાળામાં બેગ ન લઈ જવાની છૂટ મળશે. વિદ્યાર્થીઓએ સ્કૂલ બેગ લીધા વિના જ સ્કૂલે જવાનું રહેશે. દરેક પ્રાથમિક શાળાઓમાં હવેથી Saturday Means No School Bag Day અમલી રહેશે. આ દરમિયાન શનિવારે બાળકોને અન્ય રમતગમત તેમજ ઈત્તર પ્રવૃતિઓ કરાવવામાં આવશે.
એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરાવવાની પ્રવૃતિઓ પર સ્પષ્ટતા કરવામાં આવશે. હાલ આગામી 5 જૂલાઈ થી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.
જો કે ગુજરાત પહેલુ રાજ્ય નથી જ્યાં બેગલેસ સેટરડેની પહેલ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ ‘બેગલેસ ડે’ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોના શિક્ષણ વિભાગ મુજબ, બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે રુચિ અને હાજરી દર બંનેમાં વધારો નોંધાયો છે.