પીવાનું શુદ્ધ પાણી જનતાને મળી રહે એ જવાબદારી શાસક પક્ષ અને વહીવટી તંત્રની હોય છે પરંતુ નવસારી (Navsari)માં ઊનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. શહેરના વિજલપોર (Vijalpor) વિસ્તારમાં રહેતાં લોકો પાલિકા પાસે કોઈ વિશેષ સુવિધા નથી માગી રહ્યા, તેઓ ફક્ત પીવાનું શુદ્ધ પાણી (Water crisis) માગી રહ્યા છે પરંતુ એ પણ તેમને મળતું નથી. જેના કારણ હવે નવસારીના વિજલપોરમાં જનતાને તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. આજના સમયમાં પણ અહીંના લોકોએ પાણી માટે હેન્ડપંપનો આધાર રાખવો પડી રહ્યો છે. સરકારની સૌની યોજનાનો પણ લોકોને કોઇ જ લાભ મળી રહ્યો નથી.
આ કડવી પણ વરવી વાસ્તવિકતા છે. સરકારે સૌની યોજના જાહેર કરી લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી છે. પરંતુ હરિયાળા અને તાપી નદીના કેનાલનો વિસ્તાર ગણાતા નવસારીના શહેરીજનો માટે પાણી હજી પણ જાણે જરૂરિયાત નહીં, એક એવો વૈભવ છે. જે તેમને મળતો નથી. ગત વર્ષે ચોમાસામાં જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. જેને કારણે ડેમો અને તળાવોમાં નવા નીર આવ્યા હતા, પરંતુ પાલિકાની અણ આવડત એવી છે કે પાલિકાએ બનાવેલી કેનાલની યોજનાનો લાભ હજી શહેરના 40 ટકા વિસ્તારને મળતો નથી. જેને કારણે મોટા ભાગના લોકો પાણી માટે હંમેશા વલખાં જ મારતા રહે છે.
લોકોનો આક્ષેપ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પાણી માટે આવી તકલીફ વેઠવી પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે બહુમતી વાળી સરકાર હોય, સી.આર. પાટીલ જેવા દિગ્ગજ નેતા પોતે નવસારીના સાંસદ હોય છતાં અહીંના બેદરકાર તંત્રના કારણે લોકોની સુવિધાનું ધ્યાન નથી રખાતું. કેટલાક વિસ્તારોમાં હજી લોકો પાણી માટે હેન્ડપંપને આધારે જીવી રહ્યા છે. હવે લોકોની ફરિયાદ બાદ પાલિકાએ ઉનાળાને ધ્યાને લઇને સર્વે શરૂ કર્યો છે અને જે-તે વિસ્તારોમાં જરૂરી પાણીની ડિમાન્ડની વિગતો વોટર સપ્લાય શાખાને આપવામાં આવી છે. આ તરફ પાલિકાના ચીફ ઓફીસર લોકોને પાણી માટે તકલીફ ન પડે તે માટે કામગીરી શરૂ કરાઈ હોવાનું આશ્વાસન આપી રહ્યા છે..
નવસારી વિજલપોરમાં વિકાસ તો છે, પરંતુ ફક્ત કાગળ પર. પ્રાથમિક સુવિધા માટે વલખાં મારતી નવસારીની જનતા ઉનાળા દરમ્યાન પાણી માટે પણ હેરાન જ થતી રહેશે કે શાસકો અને અધિકારીઓ તેમના વાયદા પૂરા કરશે, એ એક સવાલ છે. સરકારની પાણી અંગેની વિવિધ યોજનાઓનો લાભ ખરેખર લાભ લોકો સુધી નહિં પહોંચે તો શક્ય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાણીની પોકારના પડઘમ નેતાઓના કાનમાં દિવસ રાત સંભળાશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-