છેલ્લા કેટલાક દિવસોથી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે તેઓ નર્મદાના સાગબારાના ખોપી ગામે પુનઃ વન અધિકાર સત્યાગ્રહમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોવા મળ્યા હતા. આ સભામાં શંકરસિંહ વાઘેલાએ અનામતને લઈને બેફામ વાણીવિલાસ કર્યો. શંકરસિંહ બાપુએ કહ્યુ કે દિલ્હીમાં બેઠેલા લોકો અનામતના દુશ્મનો છે. વાણીયા, બ્રાહ્મણ અને પટેલ સમાજને ઉદ્દેશીને બાપુએ જે કહ્યુ તેનાથી વિવાદ વકર્યો છે. બાપુએ જાહેરમંચ પરથી કહ્યુ, “આદિવાસી અને અન્ય પછાત સમાજને કોઈ મહેરબાની કરીને અનામત નથી આપી. આ લોકોએ આખી જિંદગી ભોગવ્યુ છે.”
અહીં સુધી તો વાત બરાબર હતી પરંતુ ત્યારબાદ બાપુએ કહ્યુ,
“તમે પટેલ, વાણીયા, બ્રાહ્મણ કોઈપણ હોય, તમે જો આ લોકોની અનામતના વિરોધી હોય તો મેલુ ઉપાડવા માટે મહિને 50 હજાર પગાર હું તમને આપુ, તમે આ લોકોનું મેલુ ઉપાડો. આદિવાસી સમાજ જે હાલતમાં રહે છે એ હાલતમાં તમે રહો તો તમને ખબર પડે.”
બાપુના આ નિવેદનથી સવર્ણ સમાજ લાલઘુમ થયો છે અને સમાજના અગ્રણીઓએ એકબાદ એક આગળ આવી બાપુ તેમના આ બેફામ નિવેદન માટે માફી માગે તેવી માગ કરી છે. બ્રહ્મ સમાજના અગ્રણીએ બાપુના નિવેદનને વર્ગ વિગ્રહ કરનારુ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે લાઈમલાઈટમાં આવવા માટે શંકરસિહે આવુ નિવેદન કર્યુ છે. સમાજમાં એકબીજા પ્રત્યે વૈમનસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયાસ ગણાવ્યો. કોંગ્રેસમાં ફરી તેઓ ઘરવાપસી કરી રહ્યા છે ત્યારે પોતાનું પ્રભુત્વ બતાવવા માટે આ પ્રકારની નાટકિય નિવેદનબાજી કરી રહ્યા છે પરંતુ બ્રહ્મસમાજ આ સાંખી નહીં લે અને તેમણે જો શંકરસિંહ તેમના શબ્દો પરત નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ તરફ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ બાપુના નિવેદનને બુદ્ધિનું પ્રદર્શન અને વાહિયાત ગણાવ્યુ. તેમણે કહ્યુ કે આવુ બાલિશ નિવેદન કરનાર શંકરસિંહ વાઘેલા પણ સવર્ણ સમાજમાંથી આવે છે તો તેમને હું કહેવા માગુ છુ કે આપ જો મેલુ ઉપાડવા કામગીરી કરે તે તેઓ માગે એટલા રૂપિયા તેમને આપીશુ. વધુમાં બાંભણિયાએ જણાવ્યુ કે કોઈપણ સમાજને નીચા પાડીને અન્ય સમાજને ખુશ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. શંકરસિંહનું નિવેદન રાજકીય અને નિંદાને પાત્ર હોવાનું તેમણે જણાવ્યુ.
આ તરફ SPGના અધ્યક્ષ લાલજી પટેલે પણ બાપુના અનામત વિશેના નિવેદનનો ઉધડો લીધો. તેમણે કહ્યુ વડીલ છો અને માન આપીએ છીએ એનો મતલબ એ નથી કે ગમે તેવા નિવેદન કરો. આવા નિવેદનો કરી બીજા સમાજને નીચા દેખાડવાનું કામ ન કરો. અમે અનામત હટાવવાની કોઈ માગ કરી નથી. બીજી તરફ અમુક ગામડાઓમાં જઈને તમે જુઓ… જે સવર્ણ સમાજની તમે વાત કરો છો એ પટેલ,બ્રાહ્મણોની સ્થિતિ અત્યંત દારૂણ છે અને તેમને ખરેખર અનામતની જરૂર છે. તમારી એ જોવાની પણ દૃષ્ટિ હોવી જોઈએ.
બીજી તરફ પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ બાપુના નિવેદનને વખોડ્યુ. તેમણે કહ્યુ બાપુ છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે આઈસોલેટેડ છે. એટલે ચર્ચામાં રહેવા આવા નિવેદનો કરે છે. બીજી તરફ પાટીદાર આંદોલન એ તો માત્ર નામ હતુ પરંતુ તેમા બિન અનામતમાં આવતા તમામ વર્ગની વાત હતી. તેમા માત્ર પાટીદારોની અનામતની વાત ન હતી અને બીજી તરફ કોઈની અનામત છીનવવા માટેની પણ કોઈ માગ ન હતી. દરેક સમાજને તેમનો હક્ક માગવાનો અધિકાર છે અને પાટીદાર સમાજે ક્યારેય કોઈ જ્ઞાતિ બાબતે ભેદભાવ કર્યો નથી.
આ તરફ બ્રહ્મસમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ પણ બાપુના નિવેદનને વખોડ્યુ અને કહ્યુ કે મેલુ ઉપાડવાની પ્રથા દેશમાં વર્ષોથી બંધ થઈ ગઈ છે અને જો બાપુ ફરી એવી પ્રથા શરૂ કરવા ઈચ્છતા હોય તો આ શુભ કાર્યની શરૂઆત તેઓ ખુદ કરે. બાપુ મારા ઘરનું મેલુ ઉપાડે હું દર મહિને તેમને માત્ર 50 હજાર નહીં 5 લાખ રૂપિયા આપીશ.
આ પ્રકારે હાલ તો બાપુના મેલુ ઉપાડવાના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. સવર્ણ સમાજના અગ્રણીઓએ આગળ આવી બાપુના નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, સાથે જ બાપુને તેમની ગરિમાને છાજે તેવા નિવેદનો કરવાની સલાહ પણ આપી છે. કોઈ એક સમાજના વ્હાલા થવા માટે અન્ય સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ બાપુ ન કરે તેવી સ્પષ્ટ શબ્દોમાં તાકીદ પણ કરી છે.
Input Credit- Vishal Pathak, Kinjal Mishra, Manish Mistri, Mohit Bhatt, Baldev Suthar
Published On - 8:30 pm, Sat, 3 October 26