નર્મદામાં પુર કુદરતી હોનારત કે માનવસર્જિત? પાણીના સંગ્રહને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
રાજ્યમાં ઠેર ઠેર સતત પડેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. નર્મદા ડેમ માથી છોડાયેલા પાણીને કારણે પણ નુકશાન થયું છે. જોકે કોંગ્રેસે હોનારતને માનવસર્જિત ગણાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. ઉપરવાસમાં વધુ વરસાદ હોવા છતાં 17 સપ્ટેમ્બર સુધી પાણી કેમ સંગ્રહવામાં આવ્યું? તેવા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ 17 સપ્ટેમ્બરથી સરદાર સરોવર ડેમ માથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ત્રણ જિલ્લામાં ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ ઘટનાને કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત ગણાવતા સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી બદલ કાનૂની કાર્યવાહીની માગ કરી છે.
સરદાર સરોવર પરીયોજના એટલે કે નર્મદા ડેમ ના કેચમેન્ટ એરિયા મધ્યપ્રદેશના વિસ્તારોમાં 13-14 સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવા છતાં પરિયોજનાના અધિકારીઓએ યોગ્ય સંચાલન ના કરતા આફત આવી હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ડેમને રુલ લેવલથી પણ વધારે ઓવરફલો થાય ત્યાં સુધી ભરવામાં આવ્યો અને 17 સપ્ટેમ્બરે એકસાથે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ.
આ તારાજી કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે. કારણ કે મધ્યપ્રદેશના હરદા, ખરગોન, બાલાઘાટ, નરસિંહપુર, સિંહની જબલપુર, નર્મદાપુરમ, જાંબુવા સહિતના નર્મદાના કેચમેન્ટ એરિયામાં 14 થી 16 સપ્ટેમ્બર સુધી અવિરત વરસાદના આંકડા સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સુધી પહોંચતા હોવાથી કેટલું પાણી આવશે એનો તેમને અંદાજ હોતો જ હોય છે. આમ છતાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો અને 17 સપ્ટેમ્બર સવારે 18 લાખ ક્યુસેક પાણી છોડી વિનાશ સર્જાયો છે.
આ માનવ ભૂલ હોવાથી અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની માગ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કરી છે. દોશી એ જણાવ્યું કે દર કલાકે કેટલો વરસાદ એના આંકડાઓ મળતા હોવા છતાં અધિકારીઓએ ફરજમાં બેદરકારી દર્શાવી છે તે અયોગ્ય છે. એમની બેદરકારીના કારણે ત્રણ જિલ્લામાં કરોડોનું નુકસાન અને પાણી દરિયામાં જતા એનો પણ બગાડ થયો છે. માટે અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
શક્તિસિંહે કેમ કહ્યું કે વડાપ્રધાનને ખુશ કરવા નૌટંકી?
ઉપરવાસમાં ભારે વરસાદ હોવા છતાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં ના આવ્યું તેનો સંગ્રહ કરી 17 સપ્ટેમ્બરે સવારે ઓવરફ્લો થવા દેવાયો. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી એ દિવસે નર્મદાના નીરના વધામણાં કરી પાણી છોડવામાં આવ્યું. આ બાબતને ટાંકી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે મધ્યપ્રદેશમાંથી છેલ્લા 4-5 દિવસથી પાણી આવી રહયું હોવા છતાં ડેમમાંથી પાણી છોડવામાં ના આવ્યું એને ભરવામાં આવ્યો અને વડાપ્રધાનને વ્હાલા થવા માટે વધામણાં કરી નૌટંકી કરી લોકોના જીવને જોખમમાં મુકવામાં આવ્યા.
આ પણ વાંચો : ગગનયાન મીશન બાદ 2030 સુધીમાં ભારત સેટેલાઈટ લોંચમા 10 ટકા હિસ્સો ધરાવશે, જાણો સમગ્ર વિગત
કદાચ આ બાબતથી વડાપ્રધાન પણ પરિચિત નહીં હોય પરંતુ રાજ્ય સરકારે આવી રીતે પાણી ભરીને ના છોડવું જોઈએ. આવી નૌટંકી ના કારણે ઉભા પાક અને માલસામાનને નુકસાન થયું છે. સરકારે ટર્બાઇન બંધ કર્યા વિના થોડું થોડું પાણી છોડ્યું હોત તો આ સ્થિતિ ના બની હોત.