જાણો શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો, શું છે આ પ્રાચીન તીર્થનું મહત્વ અને ઈતિહાસ?
Shoolpaneshwar temple History : શૂલપાણેશ્વર તીર્થનો મહાભારત અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે, જે આ તીર્થની પ્રાચીનતા સિદ્ધ કરે છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ પ્રાચીન મંદિર બંધાવ્યું હતું, જે હાલ નદીમાં ડૂબી ગયું છે.
NARMADA : નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર (Shoolpaneshwar)નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીના પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે. પણ શું આપ જાણો છો કે શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો? આવો અમે આપણે જણાવીએ આ પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વરનું મહત્વ અને ઈતિહાસ. (Shoolpaneshwar temple History)
ક્યાં આવેલું છે શૂલપાણેશ્વર તીર્થ? નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે શૂલપાણેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. મૂળ શુલપાણેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયા બાદ વર્ષ 1994માં ગુજરાત સરકારે ગોરા પાસે શૂલપાણેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિર પાસે શ્રાવણમાસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો આવે છે જુનું પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર 1994માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં ડુબાણમાં ગયેલ છે.જ્યાં જુનું મંદિર હતું તેની નજીક જ ગુજરાત સરકારે નવું મંદિર બનાવ્યું છે. નવું મંદિર બનાવવામાં આવ્યું છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ઓછી નથી થઇ. શૂલપાણેશ્વર મહાદેવની પ્રસિદ્ધિ ગુજરાતમાં નહિ પણ પાડોસી રાજ્યો મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાનમાં પણ છે, આ રાજ્યોમાંથી પણ ભક્તો પણ અહી આવે છે. આજ સૌથી મોટું કારણ છે કે નર્મદા મહાઆરતી માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.
શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે ગુજરાત અને ગુજરાત બહારથી આવતા ભક્તો નર્મદા નદીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ મહાદેવના મંદિરે દર્શન કરે છે અને તેઓ “જય શૂલપાણેશ્વર નાથ”ના જય જયકાર સાથે માથું ટેકવે છે અને મહાદેવને બિલ્વપત્ર, દૂધ અને તલ ના અભિષેક કરી ધન્યતા અનુભવે છે.
શૂલપાણેશ્વર તીર્થનો પુરાણોમાં અને મહાભારતમાં ઉલ્લેખ શૂલપાણેશ્વર તીર્થનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે, જે આ તીર્થની પ્રાચીનતા સિદ્ધ કરે છે. સ્કંધપુરાણના 44 થી 49માં અધ્યાયમાં તથા શિવપુરાણના 104માં અધ્યાયમાં કહેવાયું છે કે ભગવાન શિવજીએ અંધકાસુર દૈત્યનો વધ કર્યો હતો અને તેના વધ બાદ બ્રહ્મહત્યાના પાપે ભગવાન શિવજીનું ત્રિશુળ તેના રક્તથી ખરડાઈ ગયેલ અને તેના પર લાગેલા લોહીના ડાઘ દુર થતા ન હતા. મહાદેવ ફરતા-ફરતા અહી આવ્યા હતા અને જમીનમાં ત્રિશુળ મારતા જલધારા વહેતી થઇ હતી અને તેમનું ત્રિશુળ સ્વચ્છ થયું હતું.
મહાભારતમાં પણ શૂલપાણેશ્વર તીર્થનો ઉલ્લેખ મળે છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ પ્રાચીન મંદિર બંધાવ્યું હતું, જે હાલ નદીમાં ડૂબી ગયું છે.
અનેક પ્રયત્ન છતાં પ્રાચીન શિવલિંગ ન હટાવી શકાયું કહેવાય છે કે જ્યારે નર્મદા ડેમની ડૂબાણમાં આ શૂલપાણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જવાનું હતું ત્યારે મંદિરની અંદર જે શિવલિંગ હતું તેને કાઢવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યાં હતા. શિવલિંગને બહાર કાઢવા માટે જેમ જેમ ખોદાણ કરવામાં આવતું હતું એમ એમ જમીનમાં જતું હતું. જેથી હાલ પણ એ પ્રાચીન શિવલિંગ ડૂબી ગયેલા મંદિરમાં જસ્થિત છે અને હાલ જે મંદિર છે ત્યાં નવા શિવલિંગની ધામધૂમ પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.