સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા, સહેલાણીઓને ભારે હાલાકી
સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે. જેથી આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર કંપનીની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
રાજ્યમાં પડેલા ભારે વરસાદ (Rain) ના કારણે ઠેક ઠેકાણે રસ્તા (Road) તૂટી ગયા છે. શહેરી વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા વધુ ન હોવાથી રસ્તા તૂટી જાય તે સ્વાભાવિક છે પરંતુ હાઈવે (highway) પર પાણી ન ભરાય તે માટે બંને બાજુ પાણીના નિકાલ માટેની કેનાલો બનાવવામાં આવે છે. આના કારણે વરસાદનું બધું પાણી તેમાં વહી જાય છે છતાં હાઈવેના રોડ તૂટી જાય છે. વિવિધ શહેરોને જોડાતા હાઈવે તો ઠીક પણ સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે. જેથી આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર કંપનીની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. અત્યારે ડભોઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના રોડ ઉપર ડભોઇ પંથકમાં પડેલા વરસાદને પગલે મોટા મોટા ખાડા પડી ગયા છે જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પસાર થતા હોવાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડભોઇ પંથકમાં છેલ્લા એક સપ્તાહ થી વરસાદી મહોલ જામ્યો છે ત્યારે સીઝનનો કુલ 25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હોય ત્યારે ડભોઇના રોડ રસ્તાની પોલ ખુલ્લી પડી છે. આશરે 4 વર્ષ પૂર્વે જ બનેલ ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાના ફોરટ્રેક રોડ ઉપર ઠેક ઠેકાણે મોટા મોટા ખાડા પડેલા નજરે પડ્યા હતા. જ્યારે આ રોડ વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ હોય રોજ બરોજ હજારો સહેલાણીઓ આ રોડ ઉપરથી જ પસાર થાય છે. આટલું જ નહિ આ રોડ ઉપરથી સરકારી કાર્યક્રમો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયા છે ત્યારે અધિકારીઓ, મંત્રીઓ, અને રાજકીય આગેવાનો પણ પસાર થાય છે, પણ રોડ પરના ખાડા કોઈને દેખાતા નથી જ્યારે રોજ બરોજ પસાર થતા સાહેલાણીઓને વાહન ચાલકોને ખાડાને પગલે ભારે હાલાકી ભોગવી પડે છે માર્ગ મકાન વિભાગના પણ કેટલા અધિકારીઓ આ રોડ ઉપરથી પસાર તો થાય છે પણ ખાડા પુરવાની કોઈ પણ તસ્દી લેતા ન હોવાના સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. તંત્ર નિદ્રામાંથી જાગીને પહેલા ખાડા પૂરવા કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.