Rajkot સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખે વીજપોલ વળતર મુદ્દે સરકાર સાથે કરી મધ્યસ્થી બેઠક, ખેડૂતોની ત્રણ માગો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનો કર્યો દાવો
છેલ્લા કેટલાય સમયથી ખેતરોમાં વીજપોલ નાખવા મુદ્દે મોરબીના જેતપર ખાતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ફરી એકવાર સિદસર ઉમિયાધામ દ્વારા ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતી સધાય અને આંદોલનનો સુખરુપ અંત આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદિશ કોટડિયાએ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, કૃષિમંત્રી સહિતના સાથે મધ્યસ્થી બેઠક કરી હતી.
મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સિદસર ઉમિયાધામના પ્રમુખ જગદિશ કોટડિયાએ ખેડૂતોના આંદોલન મુદ્દે ગાંધીનગરમાં સરકાર સાથે મધ્યસ્થી બેઠક કરી હતી. જેમા ખેડૂતોની 24 પૈકી બાકી રહેલી ત્રણ માગો મુદ્દે ચર્ચા કરાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મોરબીના જેતપરમાં ચાલી રહેલા વીજપોલ હટાવવાને લઈને ખેડૂતોમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા રાજ્યવ્યાપી આંદોલન પણ કરવામાં આવ્યુ હતુ. જેતપર ખાતે થયેલા આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને જમીનના વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો.
24 પૈકી 21 મુદ્દાઓ પર અગાઉ સધાઇ હતી સહમતિ
જો કે આ વધારાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ખેડૂતોએ આપેલા 24 મુદ્દામાંથી 21 મુદ્દાઓ સરકારે ગ્રાહ્ય રાખ્યા હતા પરંતુ 3 મુદ્દાઓને લઈને હજુ કોકડુ ગૂંચવાયેલુ છે. આજ મુદ્દે શુક્રવારે 23 ઓક્ટોબરે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદિશ કોટડિયાની CM સાથે મુલાકાત થઈ હતી અને ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર સકારાત્મક હોવાનો દાવો
આ દરમિયાન જગદિશ કોટડિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ મુલાકાત બાદ સરકાર ખેડૂતોના બાકીના ત્રણ મુદ્દાને લઈને પણ સકારાત્મક છે તેવો દાવો કર્યો હતો. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વળતર માટેની કમિટીની રચના કરવામાં આવી હતી, જેમા ખેડૂત પ્રતિનિધિની ભૂમિકા મહત્વની રહેશે, જો ત્રણ લોકોની કમિટી હોય તો બે લોકો જે ભાવ નક્કી કરશે, તે ભાવનો સરેરાશ આપવાનો રહેશે.અત્યાર સુધી ખેડૂતો એવી દલીલ કરી રહ્યા હતા કે સરકાર અને કંપનીના માણસો એક થઈ જાય તો ખેડૂતોને અન્યાય થવાની શક્યતા છે, આવી સ્થિતિમાં ખેડૂત પ્રતિનિધિની ભૂમિકા મહત્વની રહે છે.
બીજી મહત્વની બાબત એ હતી કે જે ખેતરમાંથી વીજપોલ પસાર થાય છે તેની નીચે હાઈવોલ્ટેજ લાઈનનો કોરિડોર રાખેલો હોય છે, જેની નીચે ખેડૂતો તેમની જ જમીન પર ઉભા પણ ન રહી શકે, કોઈ બાંધકામ પણ ન કરી શકે, તેમજ પાક પણ લઈ શક્તા નથી. આ જમીન ખેડૂતોની હોવા છતા તેને ઉપયોગમાં લઈ શકાતી નથી. અને વીજ કંપની દ્વારા ખેડૂતોને તેનુ કોઈપણ પ્રકારનું વળતર પણ મળતુ નથી. ત્યારે હાઈવોલ્ટેજ લાઈન પસાર થતા કોરિડોરવાળી જમીનના વળતર અંગેનો સંતોષકારક નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવી શકે છે.
આ તમામ મુદ્દે સરકાર સકારાત્મક હોવાનો જગદિશ કોટડિયા દ્વારા દાવો કરાયો છે. ખેડૂતો મુદ્દે સિદસર ઉમિયાધામ દ્વારા આ બીજીવખત મધ્યસ્થીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આંદોલનકારી ખેડૂતોની બાકીના ત્રણ માગો મુદ્દે સરકાર સૈદ્ધાંતિક મંજૂરી આપી શકે છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય આવી શકે છે, ત્યારબાદ સત્તાવાર રીતે તેનો પરિપત્ર બહાર પડી શકે છે.
છેલ્લા લાંબા સમયથી જેતપર ખાતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે 25-30 વર્ષ સુધી વીજપોલ તેમના ખેતરમાં આવે તો ખેતરની કિંમત રહેતી નથી અને કોઈપણ પ્રકારનું વળતર પણ મળતું નથી. આ જ મુદ્દે ખેડૂતોનું આંદોલન છે. નવા પરિપત્ર બાદ જે વિસંગતતાઓ હતી તેને દૂર કરવાનો એક પ્રયાસ સિદસર ઉમિયાધામ દ્વારા સરકાર સાથે મધ્યસ્થી કરીને કરવામાં આવી રહ્યો છે. હવે જોવુ રહ્યુ કે મોરબીના જેતપરના ખેડૂતો તેમને સરકારનો નવો પરિપત્ર અથવા તો નવી યોજના સરકાર ખેડૂતો સમક્ષ મુકી રહી છે તે કેટલી ગ્રાહ્ય રહે છે.
Input Credit- Mohit Bhatt- Rajkot