Mehsana: હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખર સુવર્ણમય બનાવવાની કામગીરી શરૂ, જાણો શું છે મંદિરનો ઇતિહાસ
ઉલ્લેખનીય છે કે, અગાઉ 18 કરોડના ખર્ચે પહેલા ફેઝનું રીનોવેશન કરાયુ હતું અને હવે મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ તેમજ શિખરની કામગીરી હાથ ધરાઈ છે.
મહેસાણા (Mehsana) ના વડનગરમાં આવેલા પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિર (Hatkeshwar Mahadev temple) નું શિખર સુવર્ણમય (golden) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 હજાર વર્ષ પુરાણા આ ઐતિહાસિક મંદિરના શિખરને દોઢ કિલો સોનાથી મઢવામાં આવશે. જેમાં દાતાઓનો પણ સહયોગ સાંપડશે. ઉપરાંત 4 કરોડ 22 લાખના ખર્ચે મંદિરનું રિનોવેશન કામ પણ શરૂ કરવામાં આવશે. જેના માટે સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી દિધી છે. જેના દ્વારા મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ તેમજ શિખરની કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 18 કરોડના ખર્ચે પહેલા ફેઝનું રીનોવેશન કરાયુ હતું.
આ મંદિર અંગેની વાત કરીએ તો મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદભુત છે. જોનારને મંત્રમુગ્ધ કરી દે તે શૈલીમાં નવ ગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિંદુ દેવી-દેવતાઓ, સમગ્ર દેવમંડળ, રામાયણ અને મહાભારતનાં પ્રેરકપ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે. આ મંદિરમાં આવેલુ શિવલિંગ બે હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે.
મહેસાણાના વડનગરમાં આવેલા ભગવાન શિવનું આ મંદિર બે હજાર વર્ષ જૂનુ છે. આ મંદિર પાછળની પૌરાણિક દંતકથા એવી છે કે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી. ભક્ત બોલાવેને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રશન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાની લીંગની સ્થાપના કરજે હું સ્વયંભૂ પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા.
પૌરાણિક લોકવાયકા મુજબ હાટકેશ્વર મંદિરનો ઈતિહાસ બે હજાર વર્ષ જૂનો છે. વડનગરમાં સ્થાપિત શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હોવાની પણ એક લોકવાયકા છે. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એવું કહેવાય છે કે ભવ્ય શિવાલયમાં સ્વયં ભૂ શિવલિંગ સ્થાપિત છે.
પાતાળ લોકમાં હાટકી નદી પાસે શિવ મંદિર હતું તેમનાપરથી હાટકેશ્વર મહાદેવ નામ રખાયું
એવું માનવામાં આવે છે કે પાતાળ લોકમાં હાટકી નદી પાસે એક શિવ મંદિર હતું. તેમના નામ પરથી તેનું નામ હાટકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. હાટકેશ્વર એટલે સોનમાંથી નિર્મિત. એટલે કે હાટકેશ્વર મહાદેવ ધરતીની અંદર મોજૂદ અમૂલ્ય રત્નોના માલિક છે. ભવ્ય તીર્થસ્થળ હાટકેશ્વર મંદિર ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય શૈલીના આધારે બનાવવામાં આવ્યું છે. મહાભારત, સમુદ્ર મંથન જેવી પ્રાચીન કલાકૃતિઓ મંદિરની દિવાલો પર શિલ્પ દ્વારા કરવામાં આવી છે.
ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં બિરાજમાન છે
શિવાલયમાં શિવલિંગની સાથે ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં પણ બિરાજમાન છે. શિવના પ્રિય વાહન નંદી મહારાજ પણ મંદિરમાં બિરાજમાન છે. સંકુલમાં અન્ય દેવતાઓ બહુચર મા, જગત જનની અંબે માં, દાનેશ્વર, તારકેશ્વર, રવેશ્વર, ચમકેશ્વર, સોમનાથ, પાતાળેશ્વર, જાકેશ્વર, મુક્તેશ્વર પંચનાથ મહાદેવ બિરાજમાન છે. આ પવિત્ર મંદિર ખાતે શુક્લ પક્ષની ચૌદશના દિવસે હાટકેશ્વર જયંતિ ઉજવવામાં આવે છે.