મહિસાગર જિલ્લાનું એક એવું ગામ જ્યાં બોર-કુવા છે છતાં લોકો પાણી માટે તરસે છે
ગામથી 1.5 થી 2 કી.મીના અંતરે ભાદરડેમ આવેલો છે. નજીકમાં 2 કી.મી. ના અંતરેથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, જ્યાંથી 8 જિલ્લાઓમાં પાણી અપાય છે પણ આ ગામને તેનો ફાયદો મળતો નથી.
મહિસાગર (Mahisagar) જિલ્લાનું એક એવું ગામ (village) છે જ્યાં બોર-કુવા અને હેન્ડ પંપ છે છતાં લોકો (people) પાણી માટે તરસી રહ્યા છે. પાણી (water) તમારી પાસે હોય અને તોય તમે પી ના શકો એ કેવી કરૂણતા કહેવાય ? હકીકતમાં મહિસાગરમાં એવું જ બન્યું છે. જિલ્લામાં એક એવું ગામ છે કે જે કૂવા કાંઠે છે પણ તોય તરસ્યું છે. આ ગામની કમનસીબી એ છે કે પૂરતો જળસ્ત્રોત (Water resource) હોવા છતાં અહીંના લોકો પાણી માટે તરસે છે. ભૌગોલિક પરિસ્થિતી મુજબ ડુંગરાળ વિસ્તારમાં રાજસ્થાનની સીમાએ આદિવાસી વસ્તી ધરાવતું અંતરિયાળ ગામ છે.
આ ગામમાં પાકી સડક તો છે પણ વાહનવ્યવહાર નથી. ગામના લોકો મોટાભાગે ચાલીને રસ્તો કાપે છે. જોકે આ ગામ ખાનપુર તાલુકાનાં મુખ્ય મથક બાકોરથી માત્ર 8 કી.મી. ના અંતરે આવેલું છે પણ વિકાસ હજી અહિંયા પહોચ્યો નથી. એવું જોતાં જ લાગશે. નાના ભૂલકાઓ સ્કૂલમાં પણ ધોમ ધખતા તાપમાં ચાલતા આવે છે અને જાય છે. ગામમાં પશુપાલન અને ખેતી પર નિર્ભર લોકો છે પરંતુ ચોમાસા સિવાય ખેતી વિષે વિચારવું આ ગામ માટે અશક્ય છે, કેમકે હવે તો ખેતી તો દૂર પીવા માટે પણ પાણી નથી.
ગામમાં બોર છે, હેન્ડપંપ છે, કૂવાઓ પણ છે પરંતુ પાણી નથી. સૂકા ખાલી કૂવાઓમાં કબૂતરોએ વસવાટ કર્યો છે. આ ગામમાં જે-તે વખતના સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી દ્વારા વર્ષ 1999થી 2000માં ટાંકી અને હવાડા માટે ગ્રાન્ટ આપી હતી પરંતુ એ યોજના કાર્યરત ના થઈ અને હવે ખાલી હવાડામાં તૂટેલી હાલતમાં પાઇપોને લાકડાનો કચરો છે. ત્યારબાદ કોઈ યોજના આ ગામ માટે ફાળવવામાં આવી નથી. ગામના લોકોની મુસીબતની કોઈને પડી નથી.
સવાલ એ થાય કે હાલમાં ગામલોકો ક્યાંથી પાણી મેળવે છે ? તો જવાબ એ છે કે ગામમાં એક જ હેન્ડપંપ છે જેના પર આખું ગામ આધાર રાખે છે. ગામના લોકો સવારે વહેલા 3 થી 4 વાગ્યાના ઊઠીને લાઇનમાં ઉભા રહી પાણી ભરી લાવે જોકે આ પાણી પણ ખુબ ગંદું છે. લોકો જીવન ગુજારે છે. લોકોએ અનેક રજૂઆતો કરી પરંતુ તેની કોઈ અસર નથી. કરૂણતા એ છે કે ગામથી 1.5 થી 2 કી.મીના અંતરે ભાદરડેમ આવેલો છે. નજીકમાં 2 કી.મી. ના અંતરેથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, જ્યાંથી 8 જિલ્લાઓમાં પાણી અપાય છે પણ આ ગામને તેનો ફાયદો મળતો નથી.
ગામના લોકોની સમસ્યા અંગે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું તો અજબ જવાબ સાંભળવા મળ્યો. તેમના મતે તો આવી કોઈ સમસ્યાની તેમને જાણ જ નથી. ટીવી9ના સવાલ બાદ તેમણે મદદનું આશ્વાસન આપ્યું.
આ પણ વાંચોઃ Mehsana: બહુચરાજીમાં ત્રીદિવસીય ચૈત્રી ઉત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ ભક્તો માટે વ્યવસ્થા કરાઈ
આ પણ વાંચોઃ BHARUCH : પેટ્રોલ ભરાવવાની તકરારમાં 6 શખ્સોએ 2 કર્મચારીઓને માર માર્યો, જુઓ વિડીયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો