KUTCH : વિશ્વના 52 ફરવાલાયક સ્થળોની યાદીમાં ‘કડિયા ધ્રો’નો સમાવેશ
KUTCH : ન્યૂયોર્ક ટાઈમ્સ પાસે સમગ્ર વિશ્વમાંથી 2 હજારથી વધુ ફોટોગ્રાફ આવ્યા હતા.જેમાં ભારતના 3 સ્થળો સાથે કડિયા ધ્રોનો પણ સમાવેશ કરાયો છે.
ગુજરાત પાસે ઐતિહાસિક વારસાની સાથે કુદરતનો અખૂટ ખજાનો છે અને ધીમે ધીમે તે આશ્ચર્યચકિત કરી દે તે રીતે આખી દુનિયામાં છવાઈ રહ્યો છે.તેમાં પણ KUTCHની ધરતી પર કુદરતે જાણે ચાર ચાંદ લગાવી દીધા હોય તેવા એકથી એક ચડિયાતા અને રમણીય સ્થળો આવેલા છે. તેમાંનું જ એક સ્થળ છે ‘કડિયા ધ્રો’. KUTCHના નખત્રાણામાં આ ‘કડિયા ધ્રો’ વિસ્તાર આવેલો છે. આ ‘કડિયા ધ્રો’ એ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક યશકલગી લગાવી છે.
વિશ્વના 52 ફરવાલાયક સ્થળોમાં ‘કડિયા ધ્રો’
અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યુ યોર્ક ટાઈમ્સે ‘કડિયા ધ્રો’ વિસ્તારને વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક 52 સ્થળોમાં સમાવેશ કર્યો છે. કડિયા ધ્રો સાથે જ ભારતના અન્ય બે સ્થળોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પાસે સમગ્ર વિશ્વમાંથી 2 હજારથી વધુ ફોટોગ્રાફ આવ્યા હતા. તેમાંથી કચ્છના કડિયા ધ્રોની કરોડો વર્ષ જૂની ખડકીય સંરચનાની પસંદગી કરવામાં આવી છે. આમ કડિયા ધ્રોની કુદરતી સુંદરતા હવે વૈશ્વિક ઓળખ બની છે.
ટ્રાવેલ ફોટોગ્રાફર વરૂણ સચદેને શ્રેય
વિશ્વના 52 ફરવાલાયક સ્થળોની યાદીમાં ‘કડિયા ધ્રો’નો સમાવેશ કરવામાં આવ્યો એનો સંપૂર્ણ શ્રેય ટ્રાવેલ ફોટોગ્રાફર વરૂણ સચદેને જાય છે. આમ તો કડિયા ધ્રો વર્ષો જૂનો વિસ્તાર છે, પરંતુ ક્યાંય તેની નોંધ નહોતી લેવાઈ. ટ્રાવેલ ફોટોગ્રાફર વરૂણ સચદેએ તેની તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સને મોકલી આપી. વરૂણના કારણે જ આજે આ સ્થળ આખા વિશ્વના નક્શા પર છવાઈ ગયું છે. આ સમાચાર મળતા જ વરૂણ સચદે અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.વરૂણના પિતા તેના પર ગર્વ લઈ રહ્યા છે.