ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવા લોબિંગ થયુ શરૂ, હવે ધારાસભ્ય પબુભા માણેકના નિવેદને જગાવી ચર્ચા- Video

દ્વારકામાં બે દિવસ પહેલા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે હિરા સોલંકીની હાજરીમાં સૂચક નિવેદન કર્યુ. પબુભાએ કહ્યુ કે આગામી મુખ્યમંત્રી કોળી સમાજમાંથી જ હોવો જોઈએ. હવે પબુભાના આ નિવેદનના ગુજરાતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડશે તે નક્કી છે.

| Edited By: | Updated on: Nov 16, 2026 | 7:20 PM

દ્વારકામાં બે દિવસ પહેલા યોજાયેલા કોળી સમાજના કાર્યક્રમમાં MLA પબુભા માણેકના નિવેદનથી રાજકારણ ગરમાયુ છે. પબુભા માણેકે જણાવ્યુ કે ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી કોળી સમાજમાંથી બનવો જોઈએ. દ્વારકાના ધારાસભ્યનું આ નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે છેલ્લા એક સપ્તાહની અંદર કોળી સમાજના આગેવાનોમાં જ કેટલાક મતભેદ સામે આવ્યા છે. પબુભાએ જણાવ્યુ કે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે. પરંતુ તેને લગતી જાગૃતિ નથી. પબુભાએ આ નિવેદન મંચ પર ઉપસ્થિત રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીને ઉદ્દેશીને આપ્યુ હતુ.

પબુભાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે. જેનુ કારણ એ છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ કોળી સમાજનું સ્નેહ મિલન મળ્યુ હતુ. જેમા પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કુંવરજી બાવળિયાનું રાજકીય લોબિંગ કરતા જોવા મળ્યા હતા અને તેમણે પણ જણાવ્યુ હતુ કે જસદણથી કુંવરજીની ટિકિટ ફાઈનલ છે અને તેઓ મંત્રી પણ બનશે.

જો કે દેવજી ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજમાં જ બે ફાંટા પડતા જોવા મળ્યા હતા અને કોળી સમાજના આગેવાન પ્રવિણ કોળીએ દેવજી ફતેપરાના નિવદનને દેવજી ફતેપરાનું વ્યક્તિગત નિવેદન હોવાનું જણાવ્યુ હતુ. પ્રવિણ કોળીએ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે દેવજી ફતેપરાનુ નિવેદન એ સમાજનું નિવેદન નથી. જે બાદ પ્રવિણ કોળીએ પણ કુંવરજી બાવળિયાએ નિવૃતિ લઈ લેવી જોઈએ તેવી સલાહ આપી હતી અને યુવાનોને આગળ આવવા માટે આહ્વાન કર્યુ હતુ. જે બાદ તેમણે તળાજા બેઠક પરથી પરશોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની ટિકિટ આપવાની પણ વાત કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વીજ મકવાણાએ પણ નિવેદન કર્યુ હતુ કે કોળી સમાજની વસ્તી મુજબ એકપણ પક્ષ તેમને જોઈએ તેવુ પ્રભુત્વ આપતુ નથી. આજ પ્રકારનો સૂર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી પણ ભૂતકાળમાં ઉઠી ચૂક્યો છે. ગુજરાતમાં 22 થી 23 ટકા વસ્તી કોળી સમાજની છે ત્યારે વસ્તીના પ્રમાણમાં તેમને ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ મળતુ નથી.

દરેક વિધાનસભા ચૂંટણી સમયે કોળી સમાજ દ્વારા રાજકારણમાં યોગ્ય પ્રભુત્વ આપવાની માગ કરવામાં આવતી હોય છે. હાલ વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક છે ત્યારે યેનકેન રીતે કોળી સમાજ રાજકીય રીતે સક્રિય થયો છે અને હવે ખૂલીને કોળી સમાજના આગેવાનો દ્વારા તેમની રાજકીય મહત્વકાંક્ષા બહાર આવી રહી છે. જેનાથી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ છે કે આગામી સમયમાં પણ આ નિવેદનોના રાજકીય પ્રત્યાઘાત જોવા મળશે.

કોડિનારના સ્નેહ મિલનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય લાઈમ લાઈટ થી દૂર રહેલા દિનુ બોઘા સોલંકી પણ તેમના આક્રમક અંદાજ અને નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. જ્યાં તેઓએ વિરોધીને આકરા સૂરમાં સીધા મેદાનમાં આવી જવાનો પડકાર ફેંક્યો હોત. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનામાં કોળી સમાજ દ્વારા જે પ્રકારે તેમની તાકાત બતાવવાનો પ્રયાસ થયો છે. એ ચાહે નવનીત બાલધિયાને માર મારવાની ઘટના હોય કે ઉનાના સ્નેહ મિલનમાં પરશોત્તમ સોલંકી દ્વારા કરાયેલુ “કોળી સમાજ સિંહ હતો અને રહેશે”વાળુ નિવેદન હોય. આ તમામ નિવેદનો ચૂંટણી પહેલા ઘણા સૂચક ગણાઈ રહ્યા છે. બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયાની માર મારવાના વિરોધમાં જે પ્રકારે હિરા સોલંકી સહિત કોળી સમાજના આગવાનો એક થયા હતા અને કાર્યવાહી કરવા માટે રાજકીય તેમજ સામાજિક દબાણ લાવવામાં આવ્યુ હતુ તે જ બતાવે છે કે કોળી સમાજ આ વખતની ચૂંટણીમાં પણ પોતાનું રાજકીય પ્રભુત્વ માટે સરકાર સાથે વાટાઘાટો કરતો અને જરૂર પડ્યે પ્રેશર ટેકનિક બતાવતો પણ જોવા મળે તો કંઈ નવાઈ નહીં.

કોળી સમાજના આગેવાન અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ વિરોધીઓને ફેંક્યો પડકાર, કહ્યુ સમાજમાં ભાગલા પડાવવાનું બંધ કરો

“કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ”- પ્રવિણ કોળીના નિવેદનથી કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાની રાજકીય ચર્ચાઓ તેજ- Video

Follow Us
Loading...
Unable to load recommendations.