“કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ”- પ્રવિણ કોળીના નિવેદનથી કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાની રાજકીય ચર્ચાઓ તેજ- Video
જસદણમાં કુંવરજી બાવળિયાના કોળી સમાજના સ્નેહ મિલન અંગે સમાજના આગેવાન પ્રવિણ કોળીએ કટાક્ષ કર્યો કે એ સંમેલન સામાજિક ઓછુ ને રાજકીય વધુ હતુ. જેમા સમાજની વાતો ઓછી અને કુંવરજી બાવળિયાનું લોબિંગ વધુ કરવામાં આવ્યુ. તેમણે કહ્યુ કુંવરજીએ હવે યુવાનોને આગળ કરી નિવૃતિ લઈ લેવી જોઈએ અને સમાજના નામે રાજકારણ કરવાનું બંધ કરવુ જોઈએ.
જસદણમાં દિવાળી બાદ મળેલા કોળી સમાજના સ્નેહ મિલન બાદ કોળી સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. સમાજના આગેવાન પ્રવિણ કોળી એ જ આ સંમેલનને સામાજિક સંમેલન કરતા રાજકીય સંમેલન વધુ હોવાનું જણાવ્યુ. પ્રવિણ કોળીએ કહ્યુ કે જસદણનું સંમેલન માત્ર રાજકીય સંમેલન હતુ. જેમા બાવળિયા સમર્થક જૂથો દ્વારા માત્ર કુંવરજી નું રાજકીય લોબિંગ કરવામાં આવ્યુ અને 2027ની ચૂંટણીમાં પણ તેમની ટિકિટ નક્કી હોવાનું શક્તિપ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ સ્નેહ મિલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજીને 2027ની ચૂંટણી માટેના ઉમેદવાર અને મંત્રી પણ જાહેર કરી દીધા અને એવો પણ કટાક્ષ કર્યો હતો કે જે લોકો સરપંચ પણ બની શકે તેમ નથી તેવા લોકો વિધાનસભાની ટિકિટ લેવા નીકળી પડ્યા છે.
કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ- પ્રવિણ કોળી
આ તરફ પ્રવિણ કોળીએ આ સ્નેહ મિલનને રાજકીય સંમેલન ગણાવ્યુ. તેમણે કહ્યુ કે કુંવરજી બાવળિયાને જે નેતાઓ સાથે મેળ પડે છે, તે જ નેતાઓ આ સંમેલનમાં આવ્યા હતા. આજે સમાજને થતા અન્યાય સામે યુવાનો લડી રહ્યા છે. હવે 2027માં એ યુવાનો જ ચૂંટણી લડવાના છે અને કુંવરજી બાવળિયા હવે ઘણા વડીલ થઈ ગયા છે, તેમણે નિવૃતિ લઈ લેવી જોઈએ અને સમાજના યુવાનોને આગળ આવવા દેવા જોઈએ.
“કુંવરજી સમાજના નામે ચૂંટણી લડે છે પરંતુ, વાયદો પૂરો કરતા નથી”
પ્રવિણ કોળીએ કુંવરજી સામે વાયદો પુરો ન કરવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યુ કુંવરજીએ ગાંધીનગરમાં કોળી સમાજનું શિક્ષણ ભવન બનાવવાનો વાયદો કર્યો હતો. જે સાત વર્ષે પણ બન્યુ નથી. તેમણે કુંવરજી સામે સવાલ કર્યો ગુજરાતભરમાં તેમણે કોળી સમાજ માટે શું નક્કર કામગીરી કરી તે જણાવે. વર્ષોથી શિક્ષણભવનની ચર્ચાઓ કરે છે પરંતુ આજ સુધી કેમ બનતુ નથી તેનો જવાબ કેમ નથી આપતા. તેમણે કહ્યુ કુંવરજી અત્યાર સુધી સમાજના નામે ચૂંટણી લડે છે પરંતુ સમાજને કરેલા વાયદાઓ પુરા કરતા નથી.
કોળી સમાજનું સ્નેહ મિલન કે માત્ર કુંવરજીનું લોબિંગ માટેનું શક્તિ પ્રદર્શન?
પ્રવિણ કોળીએ જણાવ્યુ કે આજે ભાજપ પણ હવે Gen-Z નેતાઓને ટિકિટ આપે છે. તો કુંવરજીએ પણ ખુદ વિચારવુ જોઈએ અને યુવાનોને આગળ કરવા જોઈએ. કુંવરજીએ સમાજ કરતા વ્યક્તિગત કામો વધુ કર્યા છે. તેમણે સંમેલન અંગે પણ આક્ષેપ કર્યો કે આ સંમેલનમાં એકબીજાના ટેકાવાળા લોકો જ મળ્યા હતા, આ સંમેલનમાં નામી- ગામી અનેક નેતાઓની સૂચક ગેરહાજરી હતી. સંમેલનમાં માત્ર કુંવરજીના લાગતા વળગતા નેતાઓ હતા. જો સમાજનું સંમેલન હોય તો તેમા સમાજના પ્રશ્નો બાબતે ચર્ચા થવી જોઈએ. અહીં સમાજ માટેની તો કોઈ ચર્ચા હતી નહીં. કુંવરજીની ટિકિટ બાબતે જ માત્ર લોબિંગ કરાઈ રહ્યુ હતુ. પ્રવિણ કોળીએ સ્પષ્ટ જણાવ્યુ કે સંમેલન બાદ જે ચર્ચાઓ થઈ રહી છે તે કોળી સમાજના નામે થઈ રહી છે પરંતુ તેને અમે સ્વીકારતા નથી. સમાજને તેમની સાથે કંઈ લેવા-દેવા પણ નથી. તેમણે બાળળિયા સામે સમાજના નામે રાજકારણ કરતા હોવાનો આક્ષેપ કર્યો.
પ્રવિણ કોળીએ દિવ્યેશ સોલંકીનું કર્યુ લોબિંગ
પ્રવિણ કોળીએ જણાવ્યુ કે આજનો કોળી સમાજ ખરા અર્થમાં જો કોઈની સાથે હોય તો તે યુવાનો (GENZ) સાથે છે. વર્ષ 2027ની ગુજરાતની ચૂંટણીમાં યુવાનોની જ બોલબાલા હશે દિવ્યેશ સોલંકી સહિતના કોળી સમાજના યુવાનોને આગળ કરવામાં આવશે. પ્રવિણ કોળીએ જણાવ્યુ કે તળાજાથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઈનલ છે અને મંત્રી પણ બનશે. આ ઉપરાંત, ચીરાગ ઝાલા, અશોક સોલંકી, બળવંત મકવાણા સહિતના યુવાનો જે સમાજ માટે કામ કરી રહ્યા છે. તેમને આગળ કરવામાં આવશે.
Input Credit- Mohit Bhatt- Rajkot