અંબાજી વિસ્તારના સફેદ માર્બલને હાલમાં જ GI ટેગ મળ્યો છે. પથ્થરને GI ટેગ આપવાને લઈ અનેક લોકોને મનમાં કેટલાક સવાલ થતા હશે. GI ટેગ શું છે અને તેને કેમ આપવામાં આવે છે થી લઈને જે ચીજ વસ્તુઓને માટે GI આપવામાં આવ્યો છે, તેને લઈને પણ સવાલો થતા હશે. અંબાજી આસપાસમાં વ્હાઈટ માર્બલની અનેક ખાણો આવેલ છે. જે સફેદ માર્બલ પથ્થરને ખૂબ જ વખાણવામાં આવે છે. અંબાજીના સફેદ માર્બલનું આકર્ષણ અને તેની વિશેષતા જાણીતી છે.
હવે તમને થતું હશે તો, પછી ખાસ આકર્ષણને GI ટેગ કેમ આપવામાં આવ્યું અને તેનું મહત્વ શું હશે. GI ટેગ જેને આપવામાં આવે છે, તે એક વિશેષ યાદીમાં સમાવેશ થઈ જાય છે. એટલે કે જે ખાસ ચીજોને ખરીદવા કે મેળવવા ઇચ્છતા લોકોમાં GI ટેગ ધરાવતી ચીજ વસ્તુ ધરાવતી ખાસ પસદંગીની બનતી હોય છે. અહીં તમને જણાવીશું કે ગુજરાતમાં કઈ કઈ ચીજો ને અત્યાર સુધીમાં GI ટેગ મળ્યો છે અને GI ટેગ એ શું છે.
GI એટલે અંગ્રેજીમાં તેનું પુરુ નામ Geographical Indication છે. એટલે કે જેનો ગુજરાતી અર્થ ભૌગોલિક સંકેત થાય છે. હવે આ પરથી જ તમને થોડોક અંદાજ આવી ગયો હશે કે, GI ટેગ એ શું છે. જેને કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી હોય કે પછી બનતી હોય એવી કોઈ ખાસ વસ્તુને આપવામાં આવે છે. માત્ર એવી જ ચીજ વસ્તુ કે જે કોઈ નિશ્ચિત ગામમાં કે વિસ્તારમાંમાં જ બનતી હોય અથવા તો ત્યાં ઉત્પાદિત થતી હોય. જે વસ્તુ એ સિવાય બીજે ક્યાંય બનતી ન હોય.
આટલું જ પૂરતું નથી તે વસ્તુ કોઈ વિશેષ ગુણવત્તા ધરાવતી હોય અને જે તે વિસ્તાર તે વસ્તુ માટે પ્રખ્યાત હોય એ પણ એટલું જ મહત્વનું છે. ઉદાહરણ તરીકે સમજી લઈએ તો ગુજરાતમાં પાટણના પટોળા અને જામનગરની બાંધણી આ જે તે સ્થળની વિશેષતા છે. આવી જ રીતે કોલકાતાનું મિષ્ટી દહીં અને દાર્જિલિંગની ચા પણ જે તે વિસ્તારની જાણીતી છે. આ બધી વસ્તુઓ માત્ર એજ ગામ, શહેર કે વિસ્તારમાં બને છે, તો માત્ર ત્યાં જ ઉપલબ્ધ હોય છે. આ સિવાય અન્ય ક્યાંય જોવા મળે નહીં. આમ આવી જ વિશેષ ગુણવત્તા ધરાવતી હોય અને કોઈ નિશ્ચિત વિસ્તારમાં જ બનતી તથા ત્યાં જ ઉપલબ્ધ થતી હોય તેવી વસ્તુને GI ટેગ આપવામાં આવે છે. ટૂંકમાં સમજીએ કે કહીએ તો GI માત્ર યુનિક વસ્તુ કે કોઈ કલાકૃતિને આપવામાં આવે છે.
વિશેષ આકર્ષણ ધરાવતી અને ખાસ ગુણો ધરાવતી ગુજરાતી ચીજો આ વખતે GI ટેગ મળવાની યાદીમાં વધારે જોવા મળી છે. કચ્છ હોય કે, બનાસકાંઠા કે પછી અમદાવાદ થી લઈને ભરૂચ અને સુરતની ચીજોને પણ GI ટેગ મળ્યા છે. કચ્છી ખારેક થી લઈને કચ્છી બાંધણી અને અંબાજીના માર્બલ તથા અમદાવાદના બ્લોક પ્રિન્ટનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. આમ હવે GI ટેગ મેળવનારી ચીજોની સંખ્યામાં 2024 સુધીમાં મોટો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં સંખેડાનું લાકડાનું ફર્નિચરથી લઈને પાટણ અને રાજકોટના પટોળા તેમજ સુરતનું જરીકામ પણ ખૂબ જ જાણીતું છે. જેનો પણ સમાવેશ GI ટેગની યાદીમાં જોવા મળે છે. હજુ પણ ખાસ ચીજોથી લઈને ખેત ઉત્પાદનોને માટે હજુ GI ટેગની આશા રાખવામાં આવી રહી છે.
હવે તમે GI કોને મળે એ તો સમજી લીધું હશે પરંતુ એ પણ સમજવું જરુરી છે કે, આ ટેગ કોને એટલે કે કઈ કઈ શ્રેણીમાં આવતી વસ્તુઓને આપવામાં આવે છે. આ માટે ચાર જેટલી શ્રેણીઓ છે અને તેમાં આવતી કે સમાવેશ થતી વસ્તુઓને GI ટેગ આપવામાં આવે છે. ભારતમાં કઈ કઈ શ્રેણીમાં આવતી ચીજ વસ્તુઓને GI ટેગ મળે છે એની પર નજર કરીએ, તો નીચે મુજબની શ્રેણીમાં આવતી વસ્તુઓને આ ટેગ આપવામાં આવે છે.
આ શ્રેણીમાં આવતી એટલે કે ખેતી, પ્રાકૃતિક તેમજ ઉદ્યોગો અને હસ્તકલા દ્વારા બનતી અને ઉત્પાદિત થતી વસ્તુઓને GI ટેગ આપવામાં આવે છે. જે વસ્તુને GI ટેગ મળવાની મહોર વાગી જાય છે, તેને વિશિષ્ટ તેમજ અમૂલ્ય માનવામાં આવે છે.
એ પણ જાણી લઈએ કે GI ટેગ આપવાની શરુઆત કેવી રીતે થઈ. દેશ અને દુનિયામાં અનેક ચીજો ચોક્કસ ખાસ વિસ્તારમાં ઉત્પાદન થતી કે નિર્માણ થતી હોય છે. કુશળ અને વર્ષોથી પેઢી દર પેઢીથી ઉત્પાદન કરતા કારીગરો, ખેડૂતો કે ઉદ્યોગો દ્વારા દુનિયા સામે આવે છે. જેમાં અનેક ચીજો તેના વિસ્તાર મુજબ ખાસ અને જાણીતી હોય છે. આવી ચીજો અને તેના ઉત્પાદનને ખાસ ઓળખ આપવી જરુરી હોય છે. જે તેને વિશેષ બનાવી દે છે. આવા જ હેતુ થી વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) દ્વારા આવી શરુઆત કરવામાં આવી હતી.
WTOએ TRIPS એટલે કે Trade Related Aspects of Intellectual Property Rights નામનો અગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. જેના અંતર્ગત જ વિશ્વમાં GI ટેગ એટલે કે ભૌગોલિક સંકેતો આપવાનું તેમજ નિયંત્રિત કરવાનું દેશોને નક્કી કરવામાં આવ્યું અને આ શરુઆત થઈ હતી.
હવે એ પણ જાણી લઈ એ કે ભારતમાં આ ટેગની શરુઆત ક્યારથી થઈ હતી. ભારત સરકારે વર્ષ 1999માં દેશમાં ઉત્પાદિત થતી તેમજ બનાવવામાં આવતી વિશિષ્ટ ગુણવત્તા ધરાવતી અદ્વિતીય વસ્તુઓ અને ઉત્પાદકો માટે GI ટેગ નું રજીસ્ટ્રેશન કરવા માટે અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
જેને કાનૂની સુરક્ષા આપવાના હેતુસર ભારત સરકારે ચીજોનાં ભૌગોલિક સાંકેતક એટલે કે નોંધણી અને સુરક્ષા માટેનો અધિનિયમ 1999 જાહેર કરવામાં આવ્યો હતો. જેને અંગ્રેજીમાં GEOGRAPHICAL INDICATION OF GOODS (REGISTRATION & PROTECTION) ACT, 1999 તરીકે ઓળખવામાં આવે છે. જે અધિનિયમને ભારતમાં 15 સપ્ટેમ્બર, 2003થી લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે GI ટેગ આપવાની શરૂઆત ભારતમાં ડિસેમ્બર 2003 થી કરવામાં આવી હતી. ભારતમાં પ્રથમ GI ટેગ દાર્જીલિંગની ચા ને વર્ષ 2004-05 માં આપવામાં આવ્યો હતો.
એક વાર GI ટેગ મળી ગયા બાદ તે આજીવન કે પછી તે વસ્તુના થતા ઉત્પાદન સમય સુધી તે અમલમાં નથી રહેતો. આ માટે ચોક્કસ અવધિ નક્કી કરવામાં આવેલ છે. એટલે કે અંબાજીના સફેદ માર્બલને મળેલ GI ટેગ ચોક્કસ સમય મર્યાદા સુધી રહેશે. ત્યારબાદ ફરીથી રિન્યૂ કરવામાં આવશે. જે માટેના નિયમો અને મૂલ્યોને આધારે જ રિન્યૂ કરવામાં આવે છે.
ખાસ ઓળખની મહોર લગાવતો GI ટેગ મેળવવા માટેનું રજીસ્ટ્રેશન CGPDTM (Controller General of Patents, Design and Trademark) માં કરવામાં આવે છે. જે રજીસ્ટ્રેશન કર્યા બાદ જ્યાં કોઈ ઉત્પાદિત વસ્તુને Geographical Indication of Goods Act, 1999 ના આધારે GI ટેગ આપવામાં આવે છે. CGPDTM નું મુખ્યાલાય ચેન્નઈમાં આવેલ છે.
CGPDTM સંસ્થા કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે. રજીસ્ટ્રેશન અને તે અંગેની કાર્યવાહી કર્યા બાદ ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગ (Industry Conservation & Internal Trade Department) તરફથી આ ટેગ એનાયત કરવામાં આવે છે. એનાયત કરવામાં આવેલ GI ટેગની અવધિ 10 વર્ષ સુધીની જ હોય છે. જે બાદ તેને રીન્યુ કરવામાં આવે છે, આ માટેની કાર્યવાહી સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ