Kheda: માતર તાલુકામાં બોગસ ખેડૂતો બની જમીનો ખરીદનારની જમીનો આગામી દિવસોમાં થઈ શકે છે ‘શ્રી સરકાર’
ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત (Bogus farmer) ખાતેદાર બની બેસવા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગાંધીનગર મહેસુલ વિભાગ (Revenue Department) દ્વારા વર્ષ 2020 અને 2021ના વર્ષમાં થયેલા 300 જેટલા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે.
ખેડાના (Kheda) માતર તાલુકામાં ખેતીલાયક જમીન ખરીદવાના મામલામાં તપાસનો રેલો ગાંધીનગર મહેસુલ વિભાગ (Revenue Department) સુધી લંબાયો છે. માતર અને આસપાસના ગામડાઓમાં કુલ મળીને 500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના (Fake documents) આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની બેસવા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા વર્ષ 2020 અને 2021ના વર્ષમાં થયેલા 300 જેટલા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહેસૂલ વિભાગને એવી જાણ થઈ કે એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂતો ખાતેદાર બન્યા છે. મહેસૂલ વિભાગની ટીમે આ વિગતોને આધારે મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી.
મહેસુલ વિભાગ ગાંધીનગર અધિકારીની તપાસ
માતર મામલતદાર કચેરીમાં વર્ષ 2020 અને 2021ના વર્ષ દરમિયાન માતર તાલુકાના જુદા જુદા ગામની ખેતીલાયક જમીન ખેડા જિલ્લા બહારના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી હતી, તેની ચોક્કસ માહિતીના આધારે ગત અઠવાડિયે મહેસુલ વિભાગ ગાંધીનગર અધિકારી માતર મામલતદાર કચેરીએ આવી સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી 350 કરતા વધારે દસ્તાવેજોની માહિતી અને અન્ય વિગતો લઈ ગયા હતા. જોકે સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી પોતે બચાવના પ્રયાસ કરતા હોય તેમ અહીં માત્ર દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.
બોગસ ખેડૂત સામે કાર્યવાહી થશે
માતર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનો જિલ્લા બહારના બોગસ ખેડૂતોને વેચવામાં આવી હોવાની માહિતીના આધારે જ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને માતર મામલતદારના જણાવ્યા પ્રમાણે જે પણ એન્ટ્રીમાં ફેરફાર નોંધ કરવામાં આવી હશે, તેની ચકાસણી કરી ખેતીલાયક જમીન ખરીદનાર બિન ખેડૂત હોવાનું માલુમ પડશે તો તેવા બોગસ ખેડૂતો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.
આગામી દિવસોમાં બોગસ એન્ટ્રીને રીવ્યુમાં લેવા રિવિઝન માટે જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવશે અને જેટલી પણ એન્ટ્રી જિલ્લા કલેક્ટર નામંજુર કરશે તેવા બિન ખેડૂત લોકો સામે કલમ 63ના ભંગ બદલ કલમ 84 મુજબ પગલાં ભરવામાં આવશે. બોગસ ખેડૂતની સાથે સાથે મામલતદાર કચેરી માતરના જે જે અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી હશે, તેવા કસૂરવાર કર્મચારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.