Australia: મેલબોર્નની ધરતી ઉપર વડતાલ સ્વામિનારાયણ ભગવાનનું બનશે ભવ્ય મંદિર
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 1.5 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. તેમાં હંગામી ધોરણે સત્સંગ પ્રવૃતિ શરૂ કરવામાં આવશે અને સમય જતા તમામ મંજૂરીઓ મેળવીને વડતાલ ધામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિર નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ 2024ના ઉપક્રમે ઓસ્ટ્રેલિયાની સત્સંગ યાત્રાએ છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 10 વર્ષથી સત્સંગ મંડળ કાર્યરત છે. ત્યારે મંદિર નિર્માણ દ્વારા ભાવિકો માટે ભારતીય સંસ્કૃતિ, વ્યસનમુક્તિના કાર્યો શરૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 1.5 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. તેમાં હંગામી ધોરણે સત્સંગ પ્રવૃતિ શરૂ કરવામાં આવશે અને સમય જતા તમામ મંજૂરીઓ મેળવીને વડતાલ ધામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે દેશ વિદેશમાં સક્રિય બનીને કાર્ય કરી રહ્યા છે. તેમજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે સ્વયં છ મંદિરો બંધાવ્યા હતા. જેનાથી જનકલ્યાણના કાર્યો થાય છે અને આજે પણ આપણા શ્રેય માટે આજે પણ મંદિરો તાતી જરૂરી છે. મેલબોર્ન સત્સંગીઓની શ્રદ્ધા વિશ્વાસ અને ઉત્સાહ જોતા એવું લાગે છે કે, ટૂંક સમયમાં અહીં વડતાલ તાબાનું ભવ્ય મંદિર નિર્માણ પામશે.
આ પ્રસંગે મેલબોર્નમાં શાકોત્સવ, રંગોત્સવ અને સમૂહ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે , જેમાં મોટી સંખ્યામાં કાનમ- ચરોતર અને સૌરાષ્ટ્રના સત્સંગીઓ જોડાશે.
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં 207મા રંગાોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ફાગણી પૂનમે હજારો હરીભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડતાલ મંદિરના હરીમંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં 207મો ભવ્ય રંગોત્સવ આચાર્ય રાકેશ પ્રસાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડૉક્ટર સંત સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશ દાસ સ્વામી અને બાપુની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.
સવારે મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધાણી-ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સુરત રામપુરા મંદિરના કોઠારી પી .પી.સ્વામી રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. આ રંગોત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સૌ હરી ભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા. સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો.