Kutch: વડાપ્રધાન મોદીએ મુન્દ્રા તાલુકાના વાંકી ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણકારો સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો
વડાપ્રધાને (PM Narendra Modi) ખેલકુદ અંગે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદને (Sports) શિક્ષણનો ભાગ બનાવાયો છે. શિક્ષણ વિભાગના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સરકારી અને ખાનગી થઈ પંચાવન હજાર શાળાઓનું મોનિટરિંગ કરાશે.
ગુજરાતના (Gujarat) 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગઇકાલે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. રાજ્યની શાળાઓનું એક જ સ્થળે મોનીટરીંગ અને શાળાકીય શિક્ષણની કાયાપલટના આશયથી રાજ્યના પ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સને (Command and Control Center for Schools) ગાંધીનગરમાં શરુ કરવામાં આવ્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા સાથે કચ્છ જિલ્લાના મુંદ્રા (Mundra) તાલુકાની વાંકી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સાથે સીધો શિક્ષણ સંવાદ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કચ્છડો બારે માસ’ કહી કચ્છી લોકો સાથે સંબોધન શરુ કર્યુ હતુ. વડાપ્રધાને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)નાં સભ્ય કલ્પનાબેન રાઠોડને કોરોના સમયમાં શિક્ષણની નવી વ્યવસ્થા એટલે કે ઓનલાઇન અભ્યાસ અંગે પુછપરછ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને ધોરણ 8ની વિદ્યાર્થિની પૂજાબા જાડેજા સાથે સંવાદ કરતાં શાળામાં ભાષાનાં માધ્યમ અંગે માહિતી મેળવી હતી. તેમજ ગણિત વિષયના અભ્યાસ અંગે વાત કરી હતી. તો શાળાના આચાર્ય નારણ ગોયલ સાથે કોરોના કાળમાં અભ્યાસ અંગે વાતચીત કરી હતી અને ઓનલાઇન અભ્યાસ અંગે માહિતી મેળવી હતી.
વડાપ્રધાને ખેલકુદ અંગે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદને શિક્ષણનો ભાગ બનાવાયો છે. શિક્ષણ વિભાગના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સરકારી અને ખાનગી થઈ પંચાવન હજાર શાળાઓનું મોનિટરિંગ કરાશે. જેમાંથી 1.2 કરોડ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સુધારો અને ચાર લાખ શિક્ષકોનું હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવશે. સંબોધન દરમિયાન વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, ભારતના પ્રથમ એવા શિક્ષણનું લાઇવ મોનીટરિંગ કરી શકાય ગાંધીનગરના કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે થતા નવીન પ્રયોગોની સમીક્ષા થશે. સાથે આ સેન્ટર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વગેરે બાબતોથી સૌ અવગત થાય તે માટે છે.
કચ્છની શાળા ઉપરાંત વડાપ્રધાને બનાસકાંઠા અને તાપી જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ છથી બારના વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો સાથે પણ સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં વહીવટી તંત્રના પ્રતિનીધીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ વધુ 300 જેટલી બેઠકો ઉપર પ્રવેશ અપાશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો