Kutch: ભારતના સૌથી મોટા સમુદ્રી બંદર દીનદયાળ (કંડલા) પોર્ટનું કરોડોના ખર્ચે કરાશે વિસ્તરણ
ગુજરાત (Gujarat) તેમજ આસપાસના રાજ્યોનો ઔદ્યોગિક વિકાસ અને ભારતના સતત વધી રહેલા સમુદ્રી માર્ગે વ્યાપારને ધ્યાનમાં રાખીને ભવિષ્યની તમામ જરૂરિયાતો પહોંચી વળવા માટે દીનદયાળ (કંડલા) પોર્ટને સજ્જ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભારતના સૌથી મોટા સમુદ્રી બંદર દીનદયાળ (કંડલા) પોર્ટનું (Kutch Latest News) વિસ્તરણ કરવાનો નિર્ણય દીનદયાળ પોર્ટ ઓથોરીટિ દ્વારા લેવામાં આવ્યો છે. દીનદયાળ પોર્ટ ખાતે રૂ. 5,963 કરોડના ખર્ચે બે નવા કાર્ગો ટર્મિનલ બાંધવામાં આવશે. દીનદયાળ પોર્ટની ક્ષમતા વૃદ્ધિના આશયથી કુલ બે મેગા કાર્ગો હેન્ડલિંગ ટર્મિનલ BOT (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) બેઝિસ પર પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ના ધારાધોરણ મુજબ બાંધવામાં આવશે. ગુજરાત તેમજ આસપાસના રાજ્યોનો ઔદ્યોગિક વિકાસ અને ભારતના સતત વધી રહેલા સમુદ્રી માર્ગે વ્યાપારને ધ્યાનમાં રાખીને ભવિષ્યની તમામ જરૂરિયાતો પહોંચી વળવા માટે દીનદયાળ પોર્ટને સજ્જ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ બે કન્ટેનર ટર્મિનલ 6000 થી 21000 TEUs તેમજ 14થી 18 મીટર ડ્રોટ વાળી નેક્સ્ટ જનરેશન વેસલને હેન્ડલ કરી શકશે. રૂ. 4243.64 કરોડના ખર્ચે બનનારા આ ટર્મિનલની ક્ષમતા 2.19 મિલિયન TEUs હશે. આ ટર્મિનલ કાર્યરત થતા મલ્ટીપર્પઝ કાર્ગો બર્થ પર 15થી 18 મીટર ડ્રોટ વાળી અને 1 લાખથી 2.10 લાખ ડેડવેઇટ ટનેજની વેસલ લાંગરી શકાશે. અત્યાધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું આ ટર્મિનલ કાર્યરત થતા કન્ટેનર અને કાર્ગો હેન્ડલિંગના વધી રહેલા માર્કેટ માટે સજ્જ બની જશે.
સંચાલન માટે કરોડોનો ખર્ચ
આ ટર્મિનલ પરથી અનાજ, ખાતર, કોલસો, ખનીજ સ્ટીલ કાર્ગો વગેરે બહુહેતુક માલસામાનની હેરફેર થઈ શકશે. 18.33 MMTPA ક્ષમતા વાળા આ ટર્મિનલના સંચાલન માટે અંદાજે રૂ. 1719.22 કરોડનો ખર્ચ આવશે. એક વખત આ ટર્મિનલ કાર્યરત થતા કોલસાની હેરફેર કંડલાને બદલે ટુના-ટેકરા ટર્મિનલ ખાતેથી થઈ શકશે. પ્રવાહી અને અન્ય પ્રકારના માલ સામાનની હેરફેર પણ આ ટર્મિનલ ખાતેથી થઈ શકશે એટલે કે મલ્ટીપર્પઝ કાર્ગો હેન્ડલિંગ કરવા માટે પણ આ ટર્મિનલ સજ્જ હશે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટી
દીનદયાલ પોર્ટની યાત્રા 1931માં મહારાવ ખેંગારજી દ્વારા આરસીસી જેટીના નિર્માણ સાથે શરૂ થઈ હતી. કંડલા, જેને દીનદયાલ પોર્ટ ઓથોરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ગાંધીધામ શહેરની નજીક, પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક બંદર છે. કચ્છના અખાત પર સ્થિત, તે પશ્ચિમ કિનારે આવેલા મુખ્ય બંદરોમાંનું એક છે. ભારતના ભાગલા પછી પશ્ચિમ ભારતમાં સેવા આપતા મુખ્ય બંદર તરીકે કંડલા પોર્ટનું નિર્માણ 1950ના દાયકામાં કરવામાં આવ્યું હતું. વિભાજન પછી, દીનદયાલ પોર્ટની સફળતાની ગાથા ચાલુ રહી, અને તે વર્ષ 2007-08માં ભારતમાં નંબર 1 મુખ્ય બંદર પર પહોંચ્યું અને ત્યારથી સતત 15 વર્ષ સુધી તેનું સ્થાન જાળવી રાખ્યું છે.