
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારો શોધવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે.
આ ઓડિયો ક્લિપમાં ગઢવી કાર્યકર્તાઓને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ઉમેદવારોની પસંદગી માટે ઘરે ઘરે જવું પડે છે અને જો પગે પડવું પડે તો પણ પગે પડીને ઉમેદવારોને બહાર લાવવા પડશે. TV9 આ કથિત ઓડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ તેમાં ઈસુદાન ગઢવીના હોવાનો દાવો કરવામાં આવતો અવાજ તેમને પગે પડવું પડ્યું હોવાનું જણાવી રહ્યો છે.
ઓડિયોમાં ઈસુદાન ગઢવી કાર્યકર્તાઓને આળસ ન કરવા અને તાલુકા-જિલ્લા સ્તરે પોતાનું પ્રદર્શન બતાવવા પર ભાર મૂકે છે. તેઓ ઉલ્લેખ કરે છે કે તેઓ પોતે જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા અને ચૂંટણી લડતા હતા, ત્યારે પણ તેમને લોકોના પગે પડવું પડ્યું હતું.
વિસાવદરનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે ત્યાંનો “ટેમ્પો” હવે પૂરો થઈ ગયો છે, જે સૂચવે છે કે ત્યાંનો ઉત્સાહ કે ગતિવિધિ હવે નથી રહી અને કાર્યકર્તાઓએ જાતે જ કામ કરવું પડશે. આ ઓડિયો ક્લિપ એવા સમયે સામે આવી છે જ્યારે AAP ગુજરાતમાં પોતાની જીતના મોટા દાવા કરી રહી છે.
આ પહેલા પણ ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેમણે પોલીસ કાર્યવાહી અંગેની વાત કરી હતી, જેને બાદમાં ઇટાલિયાએ AI દ્વારા બનાવવામાં આવેલી ગણાવી હતી. જોકે, ઈસુદાન ગઢવીના આ વર્તમાન ઓડિયોમાં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા હોવાનું અને ઉમેદવારો માટે પગે પડવાની વાત કરતા સંભળાય છે, જે પાર્ટી માટે અનેક સવાલો ઊભા કરે છે.
શું ખરેખર આમ આદમી પાર્ટીને સ્થાનિક ચૂંટણી માટે યોગ્ય અને પૂરતા ઉમેદવારો નથી મળી રહ્યા? આ ઓડિયો ક્લિપ પાર્ટીના પાયાના સંગઠનની વાસ્તવિકતા અને લોકોના સમર્થનના દાવાઓ વચ્ચેનો તફાવત દર્શાવી રહી છે.
રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચના હિસાબોનું ઓડિટ કેમ આપતા નથી – જાગૃત નાગરિક
Published On - 9:15 pm, Wed, 8 April 26