Asiatic Lion: ગીરમાં વનરાજનું સામ્રાજ્ય વધ્યું, જાણો ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોની વસ્તી કેટલી થઈ?

Asiatic Lion: ગીરમાં વનરાજનું સામ્રાજ્ય વધ્યું, જાણો ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોની વસ્તી કેટલી થઈ?
પ્રતિકાત્મક તસવીર

Lion: કોરોના સંક્રમણના કારણે 2020માં સિંહોની ગણતરી મોકુફ રાખી હતી. વર્ષ 2021માં પૂનમ અવલોકનમાં એશિયાઈ સિંહની સંખ્યા 700ને પાર પહોંચી છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jul 01, 2021 | 6:31 PM

Asiatic Lion: સિંહ પ્રેમીઓ માટે ખુબજ ખુશીના સમાચાર છે, ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે એવા એશિયાટિક સિંહોની વસ્તીમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે,એશિયાઈ સિંહો (Asiatic Lion)ની વસ્તી 700ને પાર થઈ છે. દુનિયાભરમાં એશિયાઈ સિંહો (Asiatic Lion)નું એક માત્ર ઘર એટલે ગીરનું જંગલ, ગીરના જંગલનો રાજા આજે ગીરની બહાર નીકળીને છેક પોરબંદર અને ચોટીલા સુધી પહોંચી ગયો છે.

કારણ કે સિંહોની વસ્તીમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે, આમ તો સિંહો (Lion)ની વસ્તી ગણતરીની પ્રક્રિયા દર પાંચ વર્ષે થાય છે, 2015માં થયેલ છેલ્લી વસ્તી ગણતરી મુજબ 523 સિંહો નોંધાયા હતા,  જેમાં 109 નર સિંહો, 201 બાળ સિંહણો અને 213 બચ્ચાઓ હતા, આંકડાકીય વૃદ્ધિનો આંક જોતા 27 ટકાના ગ્રોથ પ્રમાણે વસ્તીમાં વધારો નોંધાયો હતો.

ગુજરાતમાં સિંહોની વસ્તી 700ને પાર

ગુજરાતમાં સિંહોની વસ્તી 700ને પાર

સિંહો (Lion)માટે ગીરનું જંગલ અને ગીર બહારના એરિયામાં ખુબ જ અનુકૂળ પરિસ્થિતો છે, વન વિભાગ (Forest Department)ની સારી કામગીરીની સાથે સાથે સ્થાનિક લોકોનો સહકાર, પૂરતો ખોરાક તેમજ મોટો વિસ્તાર હોવાના કારણે ટેરેટોરિયલ ફાઈટનું પ્રમાણ ખૂબ ઓછું છે, તેને કારણે સિંહોની વસ્તી વધી રહી છે.

કોરોના સંક્રમણના કારણે 2020માં સિંહોની ગણતરી મોકુફ રાખી હતી. વર્ષ 2021માં પૂનમ અવલોકનમાં એશિયાઈ સિંહની સંખ્યા 700ને પાર પહોંચી છે. ગત્ત વર્ષ 2020ના પૂનમ અવલોકનમાં સિંહની સંખ્યા 674 હતી, એટલે કે ગત્ત વર્ષની તુલનામાં આ વખતે 7થી 8 ટકાનો વધારો થયો છે. અધિકારીક રીતે સિંહની ગણતરી કરવામાં આવી નથી.

રાજ્યના વનપ્રધાન ગણતપત વસાવાનું કહેવું છે કે, ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાટીક સિંહની સંખ્યા 700ની આસપાસ હોવાનું અનુમાન છે. વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર દર મહિનાની પૂનમે અધિકારી-કર્મચારીઓ સિંહોનું અવલોકન કરવામાં આવે છે.

ગીરના સિંહોની વાત થાય એટલે જૂનાગઢના નવાબને યાદ કરવા જ પડે કારણ કે એક સમયે રાજા મહારાજાઓ અને અંગ્રેજ વાઈસરોયે આડેધડ સિંહોનો શિકાર કરતા હતા, પરિણામે ગીરમાં માત્ર 11 જેટલા સિંહો જ બચ્યા હતા. પરંતુ જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાએ 1900ની સાલમાં પહેલીવાર સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ મુક્યો હતો અને સાથે સાથે સિંહ સંરક્ષણનું કામ પણ શરુ કર્યું.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બ્રીડીંગ સેન્ટર પણ શરુ કર્યુ, ત્યારે સરકાર દ્વારા પણ જંગલને સુરક્ષિત કરી સિંહોનું સંરક્ષણ શરુ કર્યું હતું. પરિણામે સિંહોની આબાદીમાં ધીરે ધીરે વધારો થતો રહ્યો છે, આમ તો નવાબના વખતથી સિંહોની વસ્તી ગણતરી શરુ થઈ હતી.

1968માં વન વિભાગે (Forest Department) ગણતરીની પ્રક્રિયા શરુ કરી, જેમાં 177 સિંહ હોવાનો અંદાજ કરવામાં આવ્યો, ત્યાર પછી 1974માં 180, 1979માં 205, 1985માં 239, 1990માં 284, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411 અને મે 2015માં થયેલ છેલ્લી ગણતરીમાં 523 સિંહો નોંધાયા હતા, એક સમય હતો સિંહો (lion) ફક્ત 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીરના જંગલમાં જ વસવાટ કરતા હતા.

જ્યારે હવે સિંહોની વસ્તી (lions Population)વધતા હવે સિંહ 22000  ચોરસ કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારોમાં ફેલાઈ ગયો છે, અત્યારે સિંહો જ્યાં વસવાટ કર્યો છે તેવા ગીરના જંગલ ઉપરાંત ગિરનાર સેન્ચુરી, પાનિયા સેન્ચુરી, મીતીયાળા સેન્ચુરી બરડા સેન્ચુરી ઉપરાંત સાત જિલ્લામાં સિંહે કબ્જો જમાવ્યો છે.

જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર અને હવે સુરેન્દ્રનગર જિલ્લા સુધી વનરાજો પહોંચી ગયા છે. ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે એશિયાઈ સિંહ હવે પોતાના ગુમાવેલા વિસ્તારો ઉપર ફરી કબ્જો કરવા લાગ્યો છે.

જે પ્રમાણે ગુજરાતનું ગૌરવ એવું એશિયાઈ સિંહો (Asian lion)ની વસ્તી વધી રહી છે, તેમાં માત્ર સરકાર કે વન વિભાગના પ્રયાસોથી જ નહીં, પરંતુ ગીરના જંગલમાં વસતા માલધારીઓ, ખેડૂતો અને સૌરાષ્ટ્રમાં વસતા લોકો કે જે સિંહ માટે પોતાના કિંમતી માલઢોર ન્યોછાવર કરવાની ખુમારી ધરાવતા માલધારીઓ કે ખેડૂતો સાચા યશના હક્કદાર છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati