ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી, જામનગરમાં આયુર્વેદના દેવતા ધન્વતરીની પૂજા-અર્ચના
આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે માત્ર પોષક દ્રવ્યો નહિ પણ તે ક્યારે, કેવી રીતે ખાવા તેની પણ પોષણ પર સીધી અસર છે. જેમ કે ભોજનના સમય બાબતે ચરક સંહિતા એક સામાન્ય નિયમ આપે છે કે આગળનું ભોજન સંપૂર્ણ રીતે પચી ગયું હોય પછી જ બીજી વાર જમવું જોઈએ.

ધનતેરસના દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવાય છે. જામનગરમાં આવેલા આયુર્વેદના દેવતા ધન્વતરીની પુજા, અર્ચના કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી. જે માટે ખાસ ભાઈ રમેશભાઈજી ઓઝા ઉપસ્થિત રહ્યા. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ધન્વન્તરી ત્રયોદશીના દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.અને દર વર્ષે ઉજવણી એક વિશેષ અભિગમ સાથે કરવામાં આવે છે. આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી માટે વિષય “આયુર્વેદ દ્વારા પોષણ” નક્કી કરવામાં આવ્યો છે. ૬ઠ્ઠા આયુર્વેદ દિવસની થીમ “આયુર્વેદ દ્વારા પોષણ” વિષે ઉપયોગી માહિતી અને વિશેષ ઉજવણી માટે જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈજી ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આયુર્વેદ સ્વાસ્થય માટે કેટલુ મહત્વ છે તે વિશે જણાવી આ દિવસને વિશેષ મહત્વ હોવાનુ જણાવ્યુ.
આપણો રોજીંદો આહાર એ પોષણનું ખુબ જ અગત્યનું અંગ છે અને પોષણક્ષમ આહારએ આરોગ્યનું આધારભૂત પાસું છે. પોષણ સંબંધિત વિવિધ ફૂડ પ્રોડકટે/ પોષક પાવડર/ પૂરક વિટામીન કે મીનરલ્સ વર્તમાન સમયમાં ઉપયોગમાં છે. પરંતુ આયુર્વેદ આ ઉપરાંત કેટલાંક પાયાના ઘટકો પર ધ્યાન દોરે છે જે આહારને પૂર્ણ પોષણક્ષમ અથવા વધુ અસરકારક રીતે ઉપયોગી બનાવી આપે છે. આપણા આહારની વસ્તુઓ છ રસ અર્થાત સ્વાદ વાળી હોય છે. આ છ રસ છે-ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો. આયુર્વેદ કહે છે કે સ્વસ્થ રહેવા માટે તંદુરસ્ત વ્યક્તિના ભોજનમાં આ સ્વાદ હોવા જરૂરી છે. આવો આહાર સર્વરસાત્મક આહાર કહેવાય છે જે બળદાયક છે.
કોઈ એક સ્વાદનું જ માત્ર વધારે પ્રમાણમાં સેવન કરવું એ દુર્બળતા લાવી લાંબે ગાળે રોગો ઉત્પન્ન કરે છે. આધુનિક સંશોધનોએ એ પુરવાર કર્યું છે કે જુદા જુદા સ્વાદમાં જુદા જુદા પોષક આવશ્યક દ્રવ્યો રહેલા છે જેનું સપ્રમાણ સંયોજન જ પોષણનો સાચો આધાર બને છે. આમ આયુર્વેદના પ્રાચીન ગ્રંથોએ સર્વ રસાત્મક આહારની વાત કરી પરોક્ષ રીતે બધાજ પોષક દ્રવ્યોનું સપ્રમાણ સેવન કરવાનું સૂચવ્યું છે. સ્વસ્થ વ્યક્તિએ તેના સ્વાથ્યની જાળવણી માટે આહારમાં શું લેવું? અને શું ન લેવું? તે પણ આયુર્વેદના ગ્રંથો વિગતે વર્ણવે છે. ચરક સંહિતામાં આહારના ત્રણ મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા છે : નિત્ય સેવનીય
એટલે કે એવા દ્રવ્યો જેનો ઉપયોગ હર હંમેશ કરી શકાય. આવા દ્રવ્યોમાં ગાયનું દૂધ, ગાયનું ઘી, શાલી ચોખા, મગ, મધ, સિંધાલૂણ, આમળાં વગેરેનો સમાવેશ છે. અન્ય બે વિભાગોમાં ક્યારેય ઉપયોગમાં ના લેવાય તેવા અહિતકારક દ્રવ્યો અને દરરોજ નહિ પણ ક્યારેક ઉપયોગ કરી શકાય તેવા દ્રવ્યો નો સમાવેશ છે. અહીં જે નિત્ય સેવનીય દ્રવ્યો છે તેમાં આધુનિક વિજ્ઞાન દ્વારા વર્ણિત લગભગ તમામ પોષક તત્વો (કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, વિટામીન, વગેરે)ના સ્રોતનો સમાવેશ થઇ જાય છે. વળી આ દ્રવ્યો પાચનમાં પણ હળવાં હોવાથી સારી રીતે પચી મહત્તમ પોષણ આપે છે.
પોષક આહાર દ્રવ્યોની પસંદગી માટે આયુર્વેદના આગવા માપદંડ છે. તે પ્રત્યેક વ્યક્તિ માટે / દરેક ઋતુ માટે જુદા જુદા આહાર દ્રવ્યોનું વર્ણન કરે છે. પ્રત્યેક વ્યક્તિ એકબીજા થી ભિન્ન છે આથી આયુર્વેદમાં વ્યક્તિની પ્રકૃતિ અનુસાર તેની માટે કયો આહાર વધુ હિતકર, પોષક બનશે તે અંગે નિયમો પણ વિગતવાર વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઋતુઓ/વાતાવરણની પણ આપણા સ્વાચ્ય, પાચન પર અસર પડતી હોય છે તેથી ઋતુ અનુસાર પણ આહાર દ્રવ્યો બદલાય છે. પરંપરા થી આપણે શિયાળામાં અડદિયા, વસાણા, જેવા વધુ પોષક આહારનો ઉપયોગ કરીએ છીએ તે આયુર્વેદ સંમત છે. ખોરાકના દ્રવ્યો ઉપરાંત પોષણ માટે આયુર્વેદનું જે વૈશિય છે તે છે આહાર વિધિ.
આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે માત્ર પોષક દ્રવ્યો નહિ પણ તે ક્યારે, કેવી રીતે ખાવા તેની પણ પોષણ પર સીધી અસર છે. જેમ કે ભોજનના સમય બાબતે ચરક સંહિતા એક સામાન્ય નિયમ આપે છે કે આગળનું ભોજન સંપૂર્ણ રીતે પચી ગયું હોય પછી જ બીજી વાર જમવું જોઈએ. પહેલા ખાધેલું હજી પચ્યું ન હોય એ સ્થિતિમાં ગમે તેટલો પોષક ખોરાક લો, તે પોષણ નહિ જ આપી શકે. આ જ રીતે માત્રાવત અર્થાત પોતાની પાચનશક્તિ અનુસાર જેટલું પચાવી શકાય તેટલું જ ખાવું જોઈએ. આજે ઘણા લોકો દેખાદેખીમાં કે જુદા જુદા માધ્યમો પર અનધિકૃત લોકો દ્વારા મુકવામાં આવતા લેખો, સંદેશાઓ, વિડીયો કે જાહેરાતો થી દોરવાઈને પોષક દ્રવ્યો/ દવાઓનો ઉપયોગ કરવા લાગે છે, જે તેમની પ્રકૃતિ કે પાચનશક્તિ અનુસાર નથી હોતું આથી અંતે નિરાશા જ સાંપડે છે. વ્યક્તિએ પોતાને સરળતાથી પચે તેટલો જ આહાર લેવો જોઈએ. વધુ માત્રા એટલે વધુ પોષણ એ ભ્રમ દૂર કરવાની જરુર છે.
આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જો આહારના વિધિ-નિયમોને ધ્યાનમાં રાખી યોગ્ય ભોજન અનુકૂળ માત્રામાં કરવામાં આવે તો ઉપરથી વધારાના પૂરક પોષક દ્રવ્યોની કોઈ આવશ્યકતા રહેતી નથી. જે વ્યક્તિઓની પાચનશક્તિ નબળી હોય છે કે પછી જે લોકો / બાળકો કુપોષણથી પીડાતા હોય છે તેમની માટે આયુર્વેદ ધીરે ધીરે પાચનશક્તિ વધારતા જઈ પોષણ આપવાનો એક ક્રમ પણ બતાવે છે જેને શાસ્ત્રીય ભાષા માં સંસર્જન ક્રમ કહે છે. લાંબા સમય થી બીમાર હોય અને તે કારણે પોષણનો અભાવ વર્તાતો હોય તેવા લોકો માટે પણ આ ક્રમ હિતકર છે. આમાં પહેલા ખૂબ જ સરળતાથી પચે તેવા ભાતના ઓસામણ, મગનું પાણી વગેરે થી શરુ કરી વ્યક્તિને સાવચેતી પૂર્વક પોષક આહાર આપતા જવાય છે.
આમ આયુર્વેદમાં પોષણ એ માત્ર આહાર દ્રવ્યો કે કેટલાક તત્વો વગેરેનો સમુહ માત્ર નહિ, પરંતુ તેના વિવિધ પાસાઓ જેવા કે માત્રા, ઉપયોગની વિધિ, અગ્નિ (પાચનશક્તિ), વય, ઋતુ, સ્થાન, પ્રકૃતિ (વ્યક્તિની તાસીર) વગેરેને સાંકળીને બનતી એક વૈજ્ઞાનિક સંકલ્પના કે ક્રિયા છે.