
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા વિજ્યને લઈને બનાસકાંઠામાં વિજયવિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સંબોધન કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ, લોકસભમાં મહિલાઓેને નવા સિમાકંનની સાથે 33 ટકા અનામત આપવાના બિલમાં મોદી સરકારને મળેલ હાર બદલ કોંગ્રેસને આડે હાથે લીધી હતી. આ દરમિયાન, ગેનીબેન ઠાકોર બાબતે, વિશ્વકર્માએ કહ્યું કે, નારી વંદના અધિનિયમ અંતર્ગત બનાસકાંઠાની તમામ બહેનો અને દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન કર્યું છે તેનો બદલો ગેનીબેનની સાડીના પાલવમાંથી સીટો આચકીને લીધો છે અને એ અપમાનનો જવાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપર પણ આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, વડગામમાં ભાજપે જીત મેળવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ વાવ અને થરાદ જેવી બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી લીધી હતી.કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજના સમુહ લગ્ન પ્રસંગે ઋષિ ભારતી બાપુએ તાજેતરના રાજકીય નિવેદનને લઈ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદન અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેને અયોગ્ય ગણાવ્યું.
ઋષિ ભારતી બાપુએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, “આપણી સંસ્કૃતિમાં નારીને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. આવા સમયમાં કોઈપણ જાહેર જીવનના નેતાએ, નારી અંગે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવો ખૂબ દુઃખદ બાબત છે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમુક પાર્ટીના નેતાઓને બોલવાનું ભાન નથી રહેતું, જે યોગ્ય નથી.”
તેમણે ઉલ્લેખ કર્યો કે, “કોઈ પાર્ટીનો પ્રમુખ એવું કહે કે ‘ગેનીબેનના સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા’, તો એ નિવેદન નારી શક્તિ માટે અપમાનજનક છે.” બાપુએ આ પ્રકારના શબ્દપ્રયોગને અબદ્ર ગણાવ્યો અને કહ્યું કે, “નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત કરવી એ અસંસ્કારી વર્તન છે.”
આ મુદ્દે ઋષિ ભારતી બાપુએ માતૃશક્તિને આગળ આવીને વિરોધ નોંધાવવા અપીલ પણ કરી હતી. “નારી સન્માન જાળવવું દરેકનો ફરજ છે અને આવી ખોટી વાતો સામે અવાજ ઉઠાવવો જોઈએ,” એમ તેમણે ઉમેર્યું.
Published On - 3:20 pm, Fri, 1 May 26