
હવામાન અંગેની ખાનગી એજન્સી, Skymet weather એ, 2026 માટે ભારતના દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે આગાહી કરી છે. સ્કાયમેટના અહેવાલ અનુસાર, આ વર્ષે ચોમાસુ ‘સામાન્યથી ઓછુ’ રહેવાની સંભાવના છે. સ્કાયમેટ એજન્સીનો અંદાજ છે કે, જૂનથી-સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA) ના 94 % જેટલો વરસી શકે છે.
સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંહના જણાવ્યા અનુસાર, ‘લા નીના’ સ્થિતિઓ – જે છેલ્લા દોઢ વર્ષથી સક્રિય હતી, તે હવે ઓછી થઈ રહી છે. પેસિફિક મહાસાગર ‘ENSO-તટસ્થ’ સ્થિતિ તરફ સંક્રમણ કરી રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, ચોમાસાના શરૂઆતના તબક્કા દરમિયાન ‘અલ નિનો’ સક્રીય થવાની સંભાવના છે, જે સિઝનના બીજા ભાગમાં વધુ મજબૂત થવાની શક્યતા છે. અલ નિનોની હાજરી ચોમાસાને વધુ નબળી પાડી શકે છે અને વરસાદમાં અનિયમિતતા લાવી શકે છે.
સ્કાયમેટના તાજેતરના અહેવાલ અનુસાર, દેશના મધ્ય અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં વરસાદની ઘટ જોવા મળી શકે છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સામાન્ય કરતા નોંધપાત્ર રીતે ઓછો રહેવાની સંભાવના છે. જોકે, દેશના પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં બાકીના ભારતના મુકાબલે સારો વરસાદ પડવાની અપેક્ષા છે.
Published On - 3:34 pm, Tue, 7 April 26