Gujarat High Court: જમીન ખરીદી મામલે હાઈકોર્ટે આપ્યો ચુકાદો, સપનાનું ઘર ખરીદનારને મળશે મોટી રાહત
સપનાનું ઘર લેવાનું આયોજન કરી રહેલા ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ ચૂકાદાથી હવે મકાન ખરીદનારને મોટી રાહત મળશે.
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે, બાંધકામ હેઠળના ફ્લેટ પર GST વસૂલતા પહેલા જમીનની વાસ્તવિક કિંમત બાદ કરવી જોઈએ. તે ઘર ખરીદનારાઓ માટે કરવેરામાંથી ઘટાડો કરશે. હાલમાં, બાંધકામ હેઠળના ફ્લેટ અને એકમોના વેચાણ પર GST વસૂલવામાં આવે છે જેમાં ફ્લેટ અથવા યુનિટની સંપૂર્ણ કિંમત (જમીનની કિંમત સહિત) પર જમીનને ધ્યાનમાં લીધા વિના ફ્લેટ કે યુનિટના મૂલ્યના 1/3 ની એડહોક કપાત આપ્યા પછી કર લાદવામાં આવે છે. જેથી હવે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં .
અરજદારો ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે કોર્ટમાં પડકારાયો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે, કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તાર અથવા મેટ્રો શહેરોમાં જમીનનું વાસ્તવિક મૂલ્ય ફ્લેટના 1/3 મૂલ્ય કરતાં ઘણું વધારે છે અને 1/3 કપાતની અરજી પ્રકૃતિમાં મનસ્વી છે કારણ કે તે જમીનના વિસ્તાર, કદ અને સ્થાનને ધ્યાનમાં લીધા વિના સમાનરૂપે લાગુ કરવામાં આવે છે.
મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે.