હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો, કમલમ ખાતે સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું
ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં ભાજપના વખાણ કર્યાં હતાં. આ સાથે ભાજપ દ્વારા થઈ રહેલા દેશ સેવામાં કામમાં જોડાવા માટે અન્ય પક્ષના નેતાઓને પણ ભાજપમાં જોડાવાની અપીલ કરી હતી
હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયો છે. ભાજપમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલે કોબાથી કમલમ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં ભાજપના વખાણ કર્યાં હતાં. આ સાથે ભાજપ દ્વારા થઈ રહેલા દેશ સેવામાં કામમાં જોડાવા માટે અન્ય પક્ષના નેતાઓને પણ ભાજપમાં જોડાવાની અપીલ કરી હતી અને કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહારો કરી તેના રામમંદિર વિરોધી કાર્યો ગણાવ્યા હતા.
હાર્દિક પટેલે પોતાના પિતાને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ પણ ભાજપના પ્રચારનું કામ કરતા હતા. આનંદીબહેન પટેલ જ્યારે માંડલમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમના પ્રચારમાં જોડાતા હતા. હાર્દિક પટેલે ભાજપમાં જોડાયા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હું અહીં રાષ્ટ્ર સેવા માટે આવ્યો છું અને મોટું મન રાખીને આ સેવા કાર્ય કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ પણ મોટું મન રાખે.
હાર્દિકે અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવકોને યાદ કર્યા હતા અને તેમને ન્યાય અપાવવા માટે કાર્યરત રહેવા પ્રતિબદ્ધતા વ્યક્તિ કરી ગણતરીના મહિનાઓમાં તેમના પરિવારોને આર્થિક વળતર અપાવવાની બંહેધર આપી હતી. અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલાં તોફાનો અંગે હાર્દિકે કહ્યું કે હું જવાબદાર નથી. આ અસામાજિક તત્વોએ કર્યું હતું.
#HardikPatel officially joins #BJP in presence of state BJP chief @CRPaatil, ex Dy CM @Nitinbhai_Patel #Gujarat #HardikPateljoinsBJP #HardikPatelbjp #TV9News @HardikPatel_ pic.twitter.com/YVuQUBipjT
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2022
મને વિશ્વાસ છે કે રાજ્યના 6.5 કરોડ લોકોની સેવા કરવાનો મોકો મળશે તો હું ખુશીથી તે કરીશ, હું જ્યાં હતો ત્યાં જનહીતનું કામ થતું નહોતું તેથી અહીં આવ્યો છું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વગુરુ બનાવવા જે સહકાર આપી શકાય તે આપીશ.
રાષ્ટ્રદ્રોહનો કેસ હોવા છતાં પોતાને દેશભક્ત ગણાવવા મુદ્દે પુછાયેલા સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે હું પહેલાં પણ દેશ ભક્ત હતો અને આજે પણ છું. રાષ્ટ્રદ્રોહનો કેસ હજુ સાબીત થયો નથી. હાર્દિક પટેલે કહ્યું કે મારી સામે રાષ્ટ્રદ્રોહનો કેસ છે તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધેલી છે.
હાર્દિક પટેલને જ્યારે પાટીદાર અનામત આંદોલન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું 2017થી અનામત આંદોલન છોડી ચૂક્યો છું. હવે હું રાજકીય પક્ષ સાથે જોડાઈ ચૂક્યો છું. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. હવે અલ્પેશ કથિરિયા તેના કન્વીનર છે.