રાજ્યમાં આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં જ 137 તાલુકામાં માવઠું વરસ્યું છે. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6.22 ઈંચ વરસાદ તો સૌથી ઓછો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિમી નોંધાયો છે. અમરેલી પંથકમાં વરસાદે તો જાણે ચોમાસાની વાપસી કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.
રાજુલાના ધાતરવાડી ડેમ-2ના પાણી ધારાનાનેશ ગામમાં ઘૂસતા આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું. પૂરના પાણીમાં વીજપોલ ધરાશાયી થવાને કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર પંથકના ખેતરો જાણે નાના સરોવર બની ગયા, જ્યાં મગફળી અને ડાંગરના પાક પાણીમાં ગરક થઈ ગયા…
આ સમય પાક લણવાનો સમય છે. ખેતરમાં મગફળી સૂકવી રાખી હોય, પણ માવઠાએ બધું પાણીમાં ધોઈ નાખ્યું. બે-ત્રણ દિવસમાં વરસાદ ન અટકે તો પુરે પુરો પાક બગડી જશે. ખેડૂત માટે આ તો માથું કપાવાની સ્થિતિ છે. આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. ગીર સોમનાથ, અમરેલી, દીવ, સુરત, ભરૂચ, બોટાદ, જુનાગઢ અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે વિપત્તિ સમાન સાબિત થઈ રહ્યો છે. એક બાજુ હવામાન વિભાગનું સતત એલર્ટ, બીજી બાજુ ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતની મહેનત પાણીમાં વહી ગઈ છે. આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે એટલે સરકાર અને તંત્ર માટે પણ હવે ચેતી જવાની ઘડી આવી ગઈ છે.