
નેપાળમાં ભડકેલી હિંસામાં કેટલાક લોકોના મોત થયા છે. આ હિંસાની ઘટના બની ત્યારે ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા છે. તાજેતરમાં નેપાળના કાઠમાંડુમાં બનેલી ઘટનાએ ગુજરાતના અનેક પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. ત્રીજી સપ્ટેમ્બરે નેપાળ પ્રવાસે ગયેલા 20 જેટલા ગુજરાતી યાત્રિકો કાઠમાંડુ એરપોર્ટ પર ફસાયા છે. કાઠમાંડુ એરપોર્ટ બંધ થવાના કારણે તેમની પરત ફરવાની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ યાત્રિકોમાં મોટાભાગના સિનિયર સિટિઝન્સ છે.
આ યાત્રિકો પૈકી એક ગ્રુપ અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી પશુપતિનાથના દર્શન માટે નેપાળ ગયું હતું. તેઓ નવમી સપ્ટેમ્બરે પરત ફરવાના હતા. પરંતુ પરત ફરતી વખતે તેમની બસને ટોળાએ ઘેરી લીધી અને યાત્રિકોને બસમાંથી ઉતારી દીધા. આ યાત્રિકોને ધમકી આપવામાં આવી કે જો તેઓ બસ ખાલી ના કરે તો બસ સળગાવી દેવામાં આવશે. ભય અને ગભરાટમાં આ યાત્રિકોએ બસ ખાલી કરી અને 5-7 કિલોમીટર લગેજ સાથે પગપાળા એરપોર્ટ તરફ ચાલવા લાગ્યા. આ દરમિયાન પોલીસ દ્વારા ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે ઘણા યાત્રિકો ઘાયલ થયા.
એરપોર્ટ પહોંચ્યા બાદ પણ તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. એરપોર્ટ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી અને ખાવા-પીવાની પણ કોઈ વ્યવસ્થા ન હતી. આ યાત્રિકો હાલ એરપોર્ટ પર જ અટવાયા છે અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. તેઓ સરકાર પાસેથી ઝડપી મદદ અને રેસ્ક્યુ ઓપરેશનની માંગ કરી રહ્યા છે. ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ, 200થી વધુ ગુજરાતીઓ નેપાળમાં વિવિધ સ્થળોએ ફસાયા છે. આ ઘટના ગુજરાત સરકાર માટે એક મોટી ચેલેન્જ બની છે.