
વિદાય વેળાએ વરસેલા ચોમાસાએ સમગ્ર રાજ્યમાં ધબધબાટી બોલાવવાની સાથે જ સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. ગુજરાતના નાના નગરોથી માંડીને મેગા સિટી સુધી હાલ સર્વત્ર ‘ખાડારાજ’ પ્રવર્તી રહ્યું હોય તેવી કફોડી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય વરસાદ પડતાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પત્તાના મહેલની જેમ ધોવાઈ જતાં પ્રજામાં ભારે રોષ ફેલાયો છે.
અમદાવાદના પોશ ગણાતા ગોતા વિસ્તારમાં રસ્તા એટલી હદે બિસ્માર બન્યા છે કે વાહનચાલકો માટે પસાર થવું જોખમી બન્યું છે. વડોદરા અને સુરતના ગૌરવ પથને જોડતા માર્ગો પર માત્ર બે વર્ષમાં જ મોટી તિરાડો પડી ગઈ છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ નજીક ડામર ઉખડી જતાં રસ્તામાંથી ખુલ્લા સળિયા ડોકાઈ રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. ધોરાજી સહિતના વિસ્તારોમાં પણ ખાડામાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે જે રોડનું માત્ર 6 મહિના પહેલાં જ સમારકામ થયું હતું, તે પ્રથમ વરસાદમાં જ કેમ ગાયબ થઈ ગયો? માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાથી વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકોએ તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામ શરૂ કરવાની માંગ કરી છે અને જો રસ્તા સરખા નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.
હવે તો અધિકારીઓ કેવા બહાના કાઢે છે તે ક્યારેય વિચાર્યું છે? તંત્ર હવે એવી શરમજનક દલીલો કરવા લાગ્યું છે કે વિદેશોના રસ્તાઓ પર પણ પાણી ભરાય છે, તો ભારત માટે આ કોઈ મોટી વાત નથી; પરંતુ તેમને વિદેશ જેવી ઉત્તમ કામગીરી કે સુવિધાઓ આપવી નથી, માત્ર બહાનાબાજીમાં જ તેમની સાથે હરીફાઈ કરવી છે. તેઓ એ જોવાનું ભૂલી જાય છે કે ત્યાંની સિસ્ટમ કેવી છે અને આપણી કેવી છે;
ત્યાંની સરકાર પ્રજા પાસેથી ટેક્સ લઈને તે મુજબની ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ પૂરી પાડે છે, જ્યારે અહીંયા માત્ર ભ્રષ્ટાચાર જ નજરે પડે છે. જે રોડ એક વર્ષ પણ ટકી શકતા નથી તેને લઈને તંત્ર મોટી-મોટી વાતો કરતાં થાકતું નથી કે ‘સ્પેસ ટેક્નોલોજી’ વાપરીને હાઇવે અને રસ્તાઓ બનાવી રહ્યા છીએ, પણ વાસ્તવમાં તેઓ જનતાને ખાડામાં જ ધકેલી રહ્યા છે; કારણ કે સ્પેસની તસવીરોમાં જેમ ચંદ્ર પર ઊંડા ખાડા જોવા મળે છે, તેવો જ અનુભવ તેઓ ધરતી પર કરાવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. જનતાના પરસેવાના ટેક્સના નાણાંમાંથી સરકાર અને તેમના અધિકારીઓ માત્ર જલસા કરી રહ્યા છે, પરંતુ પ્રજાલક્ષી ગુણવત્તાયુક્ત કામ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે.