
આજે 25 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
2047 એ દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ ઉજવતો હશે ત્યાં સુધીમાં દેશ વિકસીત ભારત બની ચુક્યો હશે. વિકસીત ભારતનો એક માર્ગ સ્વદેશી છે, તેનો એકમાર્ગ આત્મનિર્ભર ભારત છે. વેપારીઓને મારી વિનંતિ છે કે તમે ઉત્તરોત્તર તમારી ક્વોલિટી સતત સુધારો, તમે તેની કિંમત સતત ઘટાડો તો આ દેશનો નાગરિક ક્યારેક વિદેશી ખરીદશે નહીં. ગુજરાતે મને જેમ હંમેશા સાથ આપશે અને દેશ વિકસીત ભારત બનીને રહેશે.
દેશવાસીઓ લોહી પાણી એક કરી દેતા હોય છે. આટલા મોટા આતંકવાદી હુમલા થયા, દુશ્મનોનું કંઈ નહીં થાય તેવુ માનતા હતા, સર્જિકલ સ્ટ્રાઈક કરી તેમના લોન્ચીંગ પેડ ઉડાડી દીધા, એર સ્ટ્રાઈક કરી, તેમના આતંકી કેમ્પો ધ્વસ્ત કરી નાખ્યા. ઓપરેશન સિંદૂર કર્યુ તેમની નાભી પર જઈને વાર કર્યો. ચંદ્ર યાન- શિવશક્તિ પોઈન્ટ…. જ્યાં કોઈ ન પહોંચી ગયુ ત્યાં ભારતનો ત્રિરંગો પહોંચી ગયુ. હાલ ગગનયાનની તૈયારી ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ કહે છે કે જો સંકલ્પ કરીએ તો સાકાર થાય છે. આ દેશ આત્મનિર્ભર બનીને રહેશે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ હાલ જે તહેવારો આવી રહ્યા છે તે આત્મનિર્ભરતાના ઉત્સવો પણ હોવા જોઈએ. પૂજ્ય બાપુની ધરતી પરથી હું દેશવાસીઓને ખાસ આગ્રહ કરુ છુ કે આપણે જીવનની અંદર એક મંત્ર બનાવવાનો છે કે આપણે જે કંઈપણ ખરીદશુ તે સ્વદેશી હશે. ઘરની સજાવટ માટેનો જે પણ સામાન હોય તે મેડ ઈન ઈન્ડિયા હોવો જોઈએ. હું ખાસ કરીને વેપારીઓને કહેવા માગુ છુ કે આ દેશને આગળ લઈ જવામાં તમે મોટુ યોગદાન આપી શકો છો. તમે નક્કી કરી લો કે વિદેશી માલ નહીં વેચો. તમારી દુકાનના બહાર ગર્વ સાથે બોર્ડ લગાવી લો કે અમારે ત્યાં સ્વદેશી વેચાય છે.
અમદાવાદ ટુરિઝમનું એક મોટુ ક્ષેત્ર બનીને ઊભર્યુ છે. વર્લ્ડ હેરિટેઝ બન્યુ છે. ટુરિઝમની વાત આવે તો બે જ છેડા હતા, આબુ અને દિવદમણ.. આજે ગુજરાત ટુરિઝમ માટેનું એક મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ છે. આજે કચ્છનું વ્હાઈટ ડેઝર્ટ જોવા માટે દુનિયાને ઘેલુ લાગે છે. દ્વારકાનો બિચ જોવા લોક આવે છે. એકવાર નિર્ણય કરીએ તો પરિિણામ આવીને રહેતુ હોય છે. આજે અમદાવાદ કોન્સર્ટ ઈકોનોમીનું મોટુ કેન્દ્ર બની રહ્યુ છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની આજે બધે ચર્ચા થઈ રહી છે.
એક સમય હતો જ્યારે કેટલાક લોકો અમદાવાદને ગડદાબાદ કહીને મજાક બનાવતા હતા. આજે અમદાવાદ સપનાઓ અને સંકલ્પોનું શહેર ગણાય છે. સ્વચ્છતા ક્ષેત્રે અમદાવાદ દેશમાં નામ કમાઈ રહ્યુ છે. આ સ્વચ્છતા અભિયાન એક દિવસનું નથી પરંતુ પેઢી દર પેઢી, રોજે રોજ કરવાનું કામ છે. સ્વચ્છતા સ્વભાવ બને તો જ ધાર્યુ પરિણામ મળી શકે. સાબરમતી નદીના કેવા હાલ હતા, એક સૂકા નાળા જેવી હતી. જેમા સર્કસ થતા હતા, લોકો ક્રિકેટ રમતા હતા આજે સાબરમતી રિવરફ્રન્ટ શહેરનું ગૌરવ વધારી રહ્યુ છેે.
છેલ્લા 11 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીને પરાસ્ત કરીને ગરીબી રેખાની બહાર આવ્યા છે. દુનિયા માટે પણ આટલો મોટો આંકડો અજૂબા સમાન છે. આજે વિશ્વના તમામ અર્થશાસ્ત્રીઓ માાટે આ ચર્ચાનો વિષય છે. તેઓ નિયો મિડલ ક્લાસ તરીકે દેશની તાકાત બની રહ્યા છે. અમારો સતત પ્રયાસ છે કે નિયો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ બંનેને સશક્ત કરવા… અમારી સરકાર જીએસટીમાં પણ સુધારા કરી રહી છે અને દિવાળી પહેલા મોટી ભેટ તમારા માટે તૈયાર રહી છે. જીએસટીમાં સુધારને કારણે લઘુ ઉદ્યમીઓને મદદ મળશે અને અનેક વસ્તુઓ પરથી ટેક્સ ઓછો થઈ જશે. આ દિવાળીએ વેપારીઓ અને નિયો મિડલ ક્લાસ તમામને ખુશીઓનું ડબલ બોનસ મળવાનું છે.
આપણા બે મહાપુરુષો માં સરદાર સાહેબના ભવ્ય સ્ટેચ્યુનું કામ આપણે પુરુ કર્યુ. પરંતુ કેન્દ્ર સરકાર અમને અનુકૂળ ન હતી. જ્યારે સાબરમતી આશ્રમનું નવિનીકરણનું કામ પુરુ થશે તો દુનિયા માટે શાંતિની સૌથી મોટી ભૂમિ આ આશ્રમ બનશે.
ગુજરાતમાં સિક્સ લેનની પહોળા રોડ બની રહ્યા છે. જેનાથી ટ્રાફિકજામની સમસ્યા હળવી થશે. નવા અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ શહેરની કનેક્ટીવિટીને વધુ સારી બનાવશે. એક સમય હતો જ્યારે લાલ રંગની જૂની બસો જ ચાલતી હતી. આજે અહીં BRTS જનમાર્ગ અને એસી ઈવી બસો પણ સુવિધા આપી રહી છે. અમદાવાદીઓ માટે ઈઝ ઓફ ટ્રાવેલ સરળ બન્યુ છે. 11 વર્ષમાં મારી સરકારે 3 હજાર લાંબા નવા રેલ ટ્રેક ગુજરાતમાં બિછાવવામાં આવ્યા છે. જેનાથી ખેડૂતો, ઉદ્યોગો, શ્રદ્ધાળુુઓ તમામને લાભ થશે.
ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રો કેમિકલ્સનું પણ એક મોટુ કેન્દ્ર બની રહ્યુ છે. સિન્થેટિક ફાઈબર, ફર્ટિલાઈઝર, દવાઓ, કોસ્મેટિક્સનો સૌથી મોટો આધાર પેટ્રો કેમિકલ્સ સેક્ટર જ છે. ગુજરાતમાં જુના ઉદ્યોગોનો વિસ્તાર થઈ રહ્યો છે. આજથી 30 વર્ષ પહેલા લોકો મિલો થવાને કારણે માથે હાથ મુકીને રડતા રહેતા હતા. આજે ગુજરાતમાં એ ભૂંગળા ભલે બંદ થય પરંતુ ઠેર-ઠેર ગુજરાતે વિકાસના વાવટા ફરકાવી દીધા છે. આ તમામ પ્રયાસો આત્મનિર્ભર ભારતના પ્રયાસને મજબૂત કરી રહ્યા છે.
દેશ અને દુનિયાની મોટી-મોટી કંપનીઓ અહીં ફેક્ટરીઓ લગાવી રહી છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવાનું કામ શરૂ થયુ છે. ગુજરાતમાં વિમાન બનાવવાની પ્લાન્ટ શરૂ થયા છે. ગુજરાતના હંસલપુરમાં ઈવી ઉપકરણ બનાવવાની મોટી શરૂઆત થઈ રહી છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર સેક્ટરમાં પણ મોટુ નામ કરવા જઈ રહ્યુુ છે. ટેકસ્ટાઈલ હોય કે જેમ્સ એન્ડ જ્વેલરી ગુજરાતની ઓળખ બની ગઈ છે. ફાર્મા અને વેક્સીનમાં પણ દેશનો 1/3 ઉદ્યોગ ગુજરાતથી થાય છે.
આજે સમગ્ર ગુજરાત એ જોઈને ગર્વ અનુભવે છે કે અમારુ રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બની ગયુ છે. જે સમયે મહાગુજરાત આંદોલન ચાલતુ હતુ ત્યારે અનેક લોકો એવુ પૂછતા હતા કે ગુજરાત જુદુ કરીને તમે શું કરશો, તમે ભૂખે મરશો, તમારી પાસે છે શું? ન કોઈ ખનિજ છે, ન ખાણ ખનિજ નથી ન બારમાસી નદીઓ છે, મીઠા સિવાય તમારી પાસે છે શું એવુ કહી મજાક ઉડાવતા હતા. પરંતુ ગુજરાતના માથે જ્યારે જવાબદારી આવી કે હવે આપણે આાપણા પગ પર ઉભા રહેવાનુ છે તેમને ગુજરાતે જવાબ આપ્યો. ગુજરાત પાસે હિરાની ખાણ નથી પરંતુ 10 માંથી 9 ડાયમંડ ગુજરાતની ધરતી પરથી પોલિશ્ડ થઈને આગળ વધે છે.
હું અમદાવાદની આ ધરતી પરથી મારા લઘુ ઉદ્યમીઓ, ખેડૂતો, પશુપાલકોને કહેવા માગુ છુ કે મોદી માટે તમારા હિત સર્વોપરી છે.હું ગાધીની ધરતી પરથી તમને વચન આપુ છુ કે મારી સરકાર લઘુ ઉદ્યમીઓ, ખેડૂતો, પશુપાલકોનુ અહિત ક્યારેય નહીં થવા દે. દબાણ ગમે તેટલુ આવે, તેને સહન કરવાની તાકાત વધારતા જઈશુ. આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી તાકાત મળી રહી છે.
60-65 વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસે ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. આજે ભારત તેના ખેડૂતો, ઉદ્યમીઓની તાકાતના જોરે આત્મનિર્ભરતાની રાહ પર આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં પશુપાલકો એટલી મોટી સંખ્યા છે. ડેરી સેક્ટરની તાકાત ગજબની છે. પશુપાલનમાં તો ગુજરાતમાં બહેનોનું સૌથી મોટુ યોગદાન છે. આ બહેનોએ આપણા ડેરી સેક્ટરને મજબૂત અને આત્મનિર્ભર બનાવ્યુ છે. આજે ચારેતરફ તેના જયગાન ચાલી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર સુદર્શનચક્રધારી મોહનની ઈચ્છાશક્તિનું પ્રતિક બની ગયુ છે. ચરખાધારી મોહને સ્વદેશીની તાકાતનો પરચો બતાવ્યો હતો. આ સાબરમતી આ આશ્રમ એ વાતનો સાક્ષી છે કે જે પાર્ટીએ ગાંધીજીનું નામ લઈને દાયકાઓ સુધી સત્તા સુખ ભોગવતા રહ્યા તેમણે બાપુની આત્માને કચડી નાખ્યો. તેમણે સ્વદેશી ના બાપુના મંત્ર સાથે શું કર્યુ? છેલ્લા કેટલાય વર્ષોથી દિવસ રાત જેઓ ગાંધીના નામથી તેમની ગાડી ચલાવે છે તેમના મોં એ થી એકવાર પણ ના તો સ્વચ્છતા શબ્દ સાંભળવા મળે છે ના તો સ્વદેશી શબ્દ સાંભળવા મળે છે.
ગુજરાતની ધરતી બે મોહનથી બનેલી છે. એક સુદર્શનચક્રધારી મોહન અને એક ચરખાધારી મોહન. સુદર્શનચક્રધારી મોહને આપણને શીખવ્યુ છે કે દેશની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ. આ જ ભાવ આજે ભારતના નિર્ણયોમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે. વડાપ્રધાને કહ્યુ કે આપણા ગુજરાતે અને અમદાવાદે જુના એવા દિવસો જોયા છે. જ્યારે હુલ્લડ બાજો, ચક્કા ચલાવનારાઓ પતંગમાં લડાઈ કરે અને એકબીજાને ઢાળી દે. વાર તહેવારે ગુજરાતની ધરતી રક્તરંજિત થઈ જતી હતી.આ ઉપદ્રવીઓ અનેકોના લોહી વહેવડાવતા હતા પરંતુ દિલ્હીમાં બેસેલી કોંગ્રેસની સરકાર કંઈ કરતી ન હતી. પરંતુ આજે અમે આ આતંકીઓને છોડતા નથી. દુનિયામાં ક્યાંય પણ છુપાયા હોય, આજે દુનિયાએ જોયુ છે કે પહલગામનો બદલો આપણે કેવી રીતે લીધો. 22 મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યુ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ચોમાસાની આ ઋતુમાં ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં પણ વાદળ ફાટવાની એક બાદ એક વિનાશ લીલાની ઘટના સામે આવી રહી છે. આવી ઘટનાઓ જોયા બાદ ખુદને સંભાળવુ મુશ્કેલ થઈ જાય છે હું એ તમામ પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. પ્રકૃતિનો આ પ્રકોપ સમગ્ર દુનિયા માટે પડકાર બનેલો છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારો સાથે મળીને રાહત બચાવ કાર્યમાં લાગેલી છે.
પીએમ મોદીએ કહ્યુ ઘણીવાર એવો વિચાર આવે કે આવુ કેવુ નસીબ હશે કે આટલો બહોળો પ્રેમ તેમને મળી રહ્યો છે. પીએમએ કહ્યુ ગણપતિ બાપ્પાના આશિર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓના પણ શ્રીગણેશ થયા છે.
અમદાવાદમાં નરોડાથી લઈને નિકોલ ખોડલધામ સુધી 1.5 કિમીનો રોડ શો યોજાયો હતો. જેમા હજારો લોકોએ વડાપ્રધાનને આવકારવા ઉમટી પડ્યા હતા અને પીએમનું અભિવાદન જીલ્યુ હતુ. રોડ શો માં સોલા ભાગવતના ઋષિ કુમારો શંખ વગાડી પીએમનું સ્વાગત કર્યુ હતુ. તિરંગા સાથે રોડ શો માં નાગરિકો ઉમટ્યા. ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, વિકસિત ભારત – વિકસિત ગુજરાતની થીમ પર પોસ્ટરો લઇને લોકો ઉમટ્યા હતા. રોડ શો પૂર્ણ કરી વડાપ્રધાન નિકોલમાં સભા સ્થળે પહોંચ્યા છે. અહીથી પીએમ મોદી 5,477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1,500 કરોડથી વધુના ખર્ચે સિક્સલેન રોડની કામગીરીનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે. જે બાદ તેઓ જંગી જનસભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીનું ઍરપોર્ટ પર આગમન થઈ ચુક્યુ છે. મુખ્યમંત્રી રાજ્યપાલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ વડાપ્રધાન મોદી નિકોલ જવા રવાના થયા છે. નિકોલમાં વડાપ્રધાનનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાઈ રહ્યો છે. રોડ શો બાદ નિકોલમાં જાહેરસભાને સંબોધન કરશે. નરોડાથી લઈને નિકોલ ખોડલધામ સુધી 1.5 કિમીનો રોડ શો યોજાશે.
આ રોડ શો માં સોલા ભાગવતના ઋષિ કુમારો શંખ વગાડી પીએમનું સ્વાગત કરશે. તિરંગા સાથે રોડ શો માં હજારો નાગરિકો ઉમટ્યા છે. ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, વિકસિત ભારત – વિકસિત ગુજરાતની થીમ પર પોસ્ટરો લઇને લોકો ઉમટ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછાળવાની શક્યતાને ધ્યાનમાં લઈને પોર્ટ પર ત્રણ નંબરનું સંકેત (સિગ્નલ) લગાવવામાં આવ્યું છે. વિશેષ કરીને વેરાવળ સહિતના બંદરો પર ઘાતક મોજાઓના કારણે પરત ફરતી બોટોને ભારે નુકસાન થયું છે. તંત્રએ માછીમારોને સલામતીના હેતુસર દરિયાકાંઠે ન જવા અને બોટોનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો છે.
ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આજે હાઈ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દરિયામાં 3 થી 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રએ સતર્કતા દાખવી છે. માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા નાગરિકોને અવર-જવર ન કરવાની અપીલ કરવામાં આવી છે.
જુનાગઢ : કેશોદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત થયુ છે. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા શાકભાજી ખરીદીને ઘરે જવા ટ્રેક ઓળંગી રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની. રેલવે પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાઃ સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે. ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે. મંદીર પરીસરમાં સાબરમતી નદીના પૂરના પાણી ભરાયા. સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા. ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
બનાસકાંઠાઃ ભારે વરસાદના કારણે નાળું ધોવાયું. અમીરગઢના રામપુરા વડલા ગામ પાસે નાળું ધોવાયું. નાળું ધોવાતા વાહન-વ્યવહાર ખોરવાયો. રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે.
કચ્છ: 27 ગુનામાં ઝડપાયેલા 1 કરોડના માદક પદાર્થનો નાશ કરાયો છે. પૂર્વ કચ્છના 5 પોલીસ મથકે NDPSના જુદા-જુદા ગુના નોંધાયા હતા. પોલીસ અધીક્ષક સહિત પોલીસ અધિકારીની હાજરમાં કાર્યવાહી કરવામાં આવી. ભચાઉ DySP પણ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા. કોકેઇન, હિરોઈન અને ગાંજા સહિત 1 કરોડના માદક પદાર્થનો નાશ કરાયો. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઈવેટ પ્રોજેક્ટ કંપનીમાં મુદ્દામાલ સળગાવી દેવાયો.
રાજસ્થાનના સંવાઈ માધોપુરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. ગામડાઓને હાઈવેથી જોડતા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદ પડતા અનેક ગામો પાણીમાં ગરકાવ થયો છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા, ખેતરો પાણીમાં તરબોળ થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકને મોટાપાયે નુકસાન થયુ છે.
ગાંધીનગરઃ કમલમ્ ખાતે સી.આર.પાટીલ અને રત્નાકરની અધ્યક્ષતામાં ભાજપની મહત્વની બેઠક મળી. તમામ ધારાસભ્ય, શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો બેઠકમાં ઉપસ્થિત રહ્યા. PM મોદીના જન્મ દિન નિમિત્તે BJP સેવા પખવાડિયાની ઉજવણી કરશે. સેવા પખવાડિયાનાં કાર્યક્રમ સંદર્ભે બેઠકમાં ચર્ચા થઇ.
અમદાવાદમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક સતત થઈ રહી હોવાથી વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં, સંત સરોવરથી વાસણા બેરેજમાં કુલ 27282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી વાસણા બેરેજમાં 85484 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. વાસણા બેરેજમાથી 32892 ક્યુસેક પાણીની જાવક શરુ થઈ છે. ઉપરવાસમાંથી પાણીની વધુ આવક થઈ હોવાથી આગામી સમયમાં એક લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના રહેલી છે.
નવસારીના વિજલપોર શહેરમાં પાંચ વર્ષીય બાળકનું લિફ્ટ માં ફસાઈ જતા મોત નીપજ્યુ છે. વિજલપોરના સુશ્રુષા હોસ્પિટલ નજીક આવેલ નીરો સ્ક્વેર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતું પરિવાર, બાળકને દવાખાને લઈ જવા માટે નીકળી રહ્યા હતા. તે દરમિયાન બાળક એકલું લિફ્ટમાં જતુ રહ્યું ગયું હતું અને ઉપર જઈ રહેલી લિફ્ટ માં ફસાઈ ગયું હતું. એક કલાક સુધી લિફ્ટમાં ફસાયા બાદ મહાન મહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત પૂર્વે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. અમદાવાદ કોંગ્રેસના નેતાઓના ઘર બહાર પોલીસ ગોઠવાઈ ગઈ છે. હેમાંગ રાવલ, સોનલ પટેલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના નેતાઓના ઘર બહાર પોલીસ જોવા મળી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલની અટકાયત કરાઈ છે. હેમાંગ રાવલના ઘર બહાર પોલીસ પહોચતા વીડિયો બનાવી વાયરલ કર્યો છે. સોનલ પટેલની તેમના ઘરેથી જ અટકાયત કરાઈ છે તો હેમાંગ રાવલને ક્રાઇમ બ્રાન્ચ બોલવવામા આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના 40 હજાર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. ખોટા દસ્તાવેજો આપી કે ખોટી રીતે રેશન કાર્ડ બનાવીને લાભ લઈ રહ્યાહોય તે કાર્ડ રદ કરાયા છે. ઈ-ફોર્મેટિક્સ અને જી.એસ.ટી. પોર્ટલ પર તપાસ કરતા, 40 હજાર જેટલા રેશન કાર્ડ બનાવટી અથવા ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે. ખોટા કાર્ડ દ્વારા વર્ષોથી મફત અથવા સસ્તા દરે અનાજ મેળવનારાઓ હવે લાભથી વંચિત રહેશે. સરકાર હવે વધુ કડક તપાસ શરૂ કરશે જેથી માત્ર હકદાર ગરીબોને જ અનાજ મળી શકે. કેટલાક લોકો પોતાના બાળકોના નામે કાર્ડ બનાવ્યા છે. આવક ઓછી દર્શાવી કાર્ડ મેળવી લીધા હતા. સરકારી કર્મચારી હોવા છતાં લાભ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સામાં એક જ પરિવારના ઘણા કાર્ડ મળી આવ્યા છે. પુરવઠા વિભાગ રદ કરાયેલા કાર્ડની યાદી જાહેર કરશે. રેશનકાર્ડની લાભાર્થીઓને તપાસ બાદ જ માન્યતા આપવામાં આવશે.
ગીર સોમનાથના તાલાલામાં એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. સવારે 7:35 મિનિટે 2.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બીજો આંચકો, સવારે 8:13 મિનિટે 1.3 ની તીવ્રતાનો આવ્યો હતો. જ્યારે ત્રીજો આંચકો સવારે 9:21 મિનિટે
1.7 ની તીવ્રતાનો આવ્યો હતો. તમામનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 km દૂર નોર્થ નોર્થ ઇસ્ટ હોવાનું સામે આવ્યું છે.
સેશન્સ કોર્ટના નિવૃત કલાર્ક અને તેની પત્ની સાથે સાયબર છેતરપિંડી થવા પામી છે. દંપતીને આરોપીઓ દ્વારા 45 દિવસ સુધી ડીજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગના કેસમાં ફીટ કરી દેવાની આપવામાં આવી હતી ધમકી. 88 લાખથી વધુની રકમ બળજબરી પૂર્વક પડાવી લેવામાં આવી છે. ભોગ બનનારે, આરોપીઓને પૈસા ચૂકવવા ગોલ્ડ લોન પણ લીધી હોવાનું સામે આવ્યું. સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે નિવૃત કલાર્ક દિનેશ દેલવાડિયા દ્વારા નોંધાવવામાં આવી પોલીસ ફરીયાદ.
સાબરકાંઠાના હરણાવ જળાશયના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્રણ દરવાજા 3.30 મીટર ખોલવામાં આવ્યા છે. હરણાવ જળાશય98.44 ટકા ભરાયો છે. 11413 કયુસેક પાણીની આવક સામે 11413 કયુસેક પાણીની જાવક થઈ રહી છે. વિજયનગરના નદી કિનારાના નવ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલાને સાવચેત કરાયા.
અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશનેથી એમ.ડી. ડ્રગ્સ સાથે બે વ્યક્તિ ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે આરોપીની ધરપકડ કરી છે. મણિનગર રેલ્વે સ્ટેશન પાસેથી 7 લાખની કિંમતનું 70.730 ગ્રામ ડ્રગ્સ કબ્જે કર્યું.
મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું સામે આવ્યું.
રાજકોટના ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી બની ગાંડી તુંર
ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મોજનદીમાં પાણી છોડવામાં આવતા મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઢાળા પાસે મોજ નદી પર નો કોઝવે ફરી પાણીમાં ગરકાવ થયો છે. મોજ ડેમ માંથી સત્તત પાણી છોડવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો.
ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ડેમના દરવાજા ફરી ખોલાયા. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ફરી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમમાં 40,194 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણીની જાવક પણ 40,194 ક્યુસેક પાણીની થઈ રહી છે. ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ ડેમની સપાટી 335.65 ફૂટે છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ નથી.
કમલમ ખાતે આજે યોજાશે બેઠક. સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્ય, શહેર જિલ્લા પ્રમુખો રહેશે ઉપસ્થિત. PM મોદીના જન્મ દિન નિમિતે BJP સેવા પખવાડિયાની ઉજવણી કરશે. સેવા પખવાડિયાનાં કાર્યક્રમ સંદર્ભે બેઠકમાં થશે ચર્ચા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી માદરેવતન ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સોમવારે તેઓ દિલ્હીથી અમદાવાદ ખાતે આવી પહોચશે. ત્યાર બાદ એરપોર્ટથી નિકોલ સભાસ્થળ સુધીના વિસ્તારમાં રોડ શો યોજાશે. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં રૂપિયા 5477 કરોડના અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
ગુજરાતમાં આજે સવારે 6 વાગે પુરા થતા વિતેલા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 225 તાલુકામાં પડેલા વરસાદ પૈકી 81 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રવિવાર સવારના 6થી સોમવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં ગુજરાતના 225 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 84.06 ટકા વરસાદ વરસ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા રૂપિયા 1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જેનો લાભ 4.25 લાખ ગ્રાહકોને થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ વીજ વિતરણ માટે 608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર કરાશે જેનો 2.01 લાખ ગ્રાહકોને લાભ થશે. મહેસાણામાં આધુનિક અને ભૂગર્ભ વીજ વિતરણ નેટવર્ક માટે 221 કરોડનો પ્રોજેક્ટ અમલી થશે જેનો 1.36 લાખ ગ્રાહકોને લાભ થશે. ગાંધીનગરમાં ભૂગર્ભ વીજ વિતરણ નેટવર્ક માટે રૂપિયા 178 કરોડનો પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટ થકી 86,014 ગ્રાહકોને લાભ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને ધ્યાને લઈને શહેર પોલીસ કમિશનરે સમગ્ર શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે.
ગોંડલના રીબડા ફાયરિંગ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બનાવમાં હાર્દિકસિંહના હથિયાર સાચવવા ગુનામાં ઝડપાયેલ એડવોકેટ રવિ ગમારાએ અન્યને હથિયાર સાચવવા આપતા વધુ એકની ધરપકડ કરાઈ છે. રવિ ગમારાએ હથિયાર નિશાંત ધર્મેન્દ્ર રાવલને સાચવવા આપ્યુ હોવાનુ ખુલતા બનાવમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ગોંડલ તાલુકા પોલીસે નિશાંત ધર્મેન્દ્ર રાવલ રહે.કાલાવડ રોડ,રાજકોટની ધરપકડ કરીને રાજકોટમાં આરોપીનું કર્યુ રી કન્ટ્રકશન. ફાયરિંગ પ્રકરણમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત પોલીસે કુલ 7 શખ્સો ઝડપી પાડ્યા હોવાની વિગતો
Published On - 7:15 am, Mon, 25 August 25