આજે 22 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્રને સંબોધન કરતા ઈરાન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા પહેલા કરતા પણ વધુ શક્તિશાળી થયું છે. મધ્ય પૂર્વમાં હાલમાં જે અશાંતિ છે તેના માટે ઈરાન જવાબદાર છે. મે ઈરાન સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા ઈરાનને અણુશસ્ત્ર બનાવવા નહીં દે. ઈરાન સાથેનું યુદ્ધ લગભગ સમાપ્ત થયું છે.
છોટાઉદેપુર જિલ્લાના કલેકટર ગાર્ગી જૈને, જનરલ હોસ્પિટલની અચાનક લીધી મુલાકાત. હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, આરોગ્યની સુવિધાઓ તેમજ સ્ટાફની હાજરીની સ્થિતિનું જિલ્લા કલેકટરે કર્યુ નિરીક્ષણ. દર્દીઓ સાથે પણ કલેક્ટરે કર્યો હતો સીધો સંવાદ. દર્દીઓ સાથે વાર્તાલાપ કરી તેમને મળતી સુવિધાઓ અંગે જાણકારી મેળવી. કલેકટરે સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરી કેટલીક જગ્યાએ ક્ષતિઓ ધ્યાને આવતાં તાત્કાલિક સુધારવા કડક સૂચનાઓ આપી. કર્મચારીઓની નિયમિત હાજરી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા બાબતે સ્પષ્ટ સૂચના કલેક્ટરે આપી. ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતામાં ક્ષતિ, સ્ટાફની ગેરહાજરી તેમજ કામગીરીમાં જોવા મળેલી ત્રુટિઓને ગંભીરતાથી લઈ CDMO અને RMOને કારણદર્શક નોટિસ અપાઈ.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કાયમી સભ્યો પાસે રહેલી વીટો સત્તા (વીટો પાવર) નાબૂદ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્રની વર્તમાન વ્યવસ્થા જૂની થઈ ગઈ છે અને આધુનિક વિશ્વની વાસ્તવિકતાઓને અનુરૂપ તેમાં ફેરફાર કરવાની જરૂર છે.
મહેસાણામાં ખેડૂતોની ભેંસો ચોરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને પાસા હેઠળ પકડ્યા છે. ભેંસોની ચોરી કરીને આરોપીઓ કતલખાને વેચી મારતા હતા.
જુહાપુરા, ધોળકા અને કડીમાંથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ. ત્રણેય આરોપીઓને રાજકોટ, ભાવનગર અને ભુજ જેલમાં મોકલી દેવાયા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા હતા.
મહેસાણા એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન કાર્યવાહી કરી.
સુરેન્દ્રનગરના ચુડા શહેરની ગેસ એજન્સીમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જોરાવરનગર પરા વિસ્તારમાં ગેસ એજન્સીનું શટર તોડી ચોરી કરી હતી. ચાર તસ્કરો ગેસ એજન્સીમાં ઘૂસી લાખોની માલમતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
TMCથી અલગ થઈને નવ રચાયેલ NCPI ( Nationalist Citizen Party of India) એ તેના નવા રાષ્ટ્રીય હોદ્દેદારોની જાહેરાત કરી છે. જ્યોતિપ્રકાશ ચેટર્જીની પ્રમુખ તરીકે અને યુસુફ પઠાણની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. TMCથી અલગ થઈને નવી NCPI પાર્ટીની રચના કરનારા સાંસદોએ નવા રાષ્ટ્રીય હોદ્દેદારોની નિમણૂક કરી છે. જ્યોતિપ્રકાશ ચેટર્જી પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે યુસુફ પઠાણને પણ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોથા ધોરણના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ‘આઈ લવ યુ’ લખેલી ચિઠ્ઠી ફેંક્યા બાદ આ સમગ્ર ઘટના બની હોવાનો આરોપ છે. વિદ્યાર્થીના વાલીઓની ફરિયાદના આધારે રામોલ પોલીસે સ્કૂલના સંચાલક અને શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હવે પોલીસે સ્કૂલના સીસીટીવી સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદના શાહિબાગ ખાતે આવેલા મહત્વના સરકારી પરિસરના રિ-ડેવલપમેન્ટને હાઇકોર્ટની લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત હાઇકોર્ટે ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર. DGP, અમદાવાદ CP અને મુખ્ય સચિવના સત્તાવાર નિવાસસ્થાનો સહિત સરકારી મકાનોનું થશે નવીનીકરણ. સાયબર ક્રાઇમ, SIT-ક્રાઇમ બ્રાન્ચ, ACB સહિતની કચેરીઓનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ. ATS, GSLSA અને ગુજરાત સ્ટેટ લો કમિશનની મિલકતો-કચેરીઓનો પણ થશે કાયાકલ્પ. જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ એસ. કરિઅલની બેન્ચે ટેન્ડર અટકાવવાનો ઇનકાર કરતા રિ-ડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો છે.
રાજકોટના જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કમળાપુર ગામે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો. જસદણના કમળાપુર, દહિસર, પારેવાળાં ઢોકળવા કડૂકા સહિતના વિસ્તારોમાં વરસાદ માહોલ. ભારે વરસાદના કારણે મગફળીના પથરા પાણીમાં પલળ્યા
જૂનાગઢના માળિયાહાટીના શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
દાહોદના દેવગઢ બારીઆના મોતીપુરા વિસ્તારમાં આખરે દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભારે ફફડાટ હતો. દેવગઢ બારીઆ શહેર તેમજ સમગ્ર તાલુકામાં વન્યજીવોની સંખ્યામાં સતત વધારો. સ્થાનિક રહીશોની રજૂઆત બાદ વન વિભાગે તાબડતોબ પાંજરું ગોઠવ્યું હતું. શિકારની લાલચે આવેલો દીપડો મોડી રાત્રે પાંજરામાં કેદ થયો. વન વિભાગની પ્રાથમિક તપાસમાં પાંજરે પુરાયેલ દીપડો માદા હોવાનું સામે આવ્યું. દીપડો ઝડપાઈ જતાં મોતીપુરા વિસ્તારના સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી. વન વિભાગે માદા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી.
અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પુનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને આજે બપોરના સુમારે અંબાજી પરિસરમાં એક શ્રદ્ધાળુને અચાનક ચક્કર આવતા ઢળી પડેલ ત્યારે તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરતા મંદિર પરિસરના આરોગ્ય વિભાગ માંથી પેરામેડિકલ સ્ટાફ દર્દી પાસે દોડી સ્ટ્રેચરમાં લઈ સારવાર અર્થે ખસેડાયા હતા જોકે તમામ ડોક્ટર સ્થળ ઉપર ઉપસ્થિત હોવાથી તે દર્દી ને બેઝિક ટ્રીટમેન્ટ આપી તે દર્દી ને 108 એમ્બ્યુલન્સ મારફતે દર્દીને અંબાજી ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બાબતે ઉપસ્થિત જિલ્લાના આરોગ્ય અધિકારીને સદર બાબતે પુછતા બનાસકાંઠાના CDMO અને CDHO અધિકારીએ આ ઘટનાને મોકડ્રિલનો ભાગ ગણાવ્યો હતો અને કોઈ પણ સ્ટાફને જાણ કર્યા વગર અચાનક મોકડ્રિલ કરાતા મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ દોડધામ જોવા મળી હતી અને આ ઘટના ને મોકડ્રિલ જાહેર કરી હતી અને જે ઘાયલ થયેલ વ્યક્તિ હતો તે આરોગ્ય વિભાગનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું
બોટાદ શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે પંથકમાં મધ્યમ ગતિ એ વરસી રહ્યો છે વરસાદ. અવેડાગેટ, હીરા બજાર, મંગળપરા, ગઢડા રોડ પર વરસાદ વરસ્યો છે. પાળીયાદ રોડ સહિતના શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તાજપર સહિતના તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.
ગીર સોમનાથના ઉના શહેર કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ છે. બે દીવસ અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો. શાકભાજી તેમજ કપાસ ડુંગળી જેવા પાકોને મળ્યુ જીવન દાન. ખેડુતોમાં ખુશી જોવા મળી.
વલસાડ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા ડાંગર અને શેરડી તથા બાગાયતી પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડાંગર અને નવી શેરડી રોપાણ કરતા ખેડૂતોમાં ખુશીનું માહોલ સર્જાયો છે. વરસાદની પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
બોટાદના ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન મોટી દુર્ઘટના થતાં સહેજમાં ટળી હતી. ગઢડાના પવિત્ર ઘેલો નદીના રમા ઘાટ ખાતે પૂજનવિધિ દરમિયાન ભગવાનને સ્નાન કરાવવાની તૈયારી ચાલી રહી હતી, તે પહેલાં જ નાવડી પલટી ગઈ હતી. નાવડીમાં સવાર સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત કુલ 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.
દાહોદમાં ઇન્દોર-અમદાવાદ હાઇવે નજીક એક્સપાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે. દવાઓનો જથ્થો સળગાવીને નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ વચ્ચે દવાઓના નિકાલની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. વરસાદી વિસ્તારમાં દવાઓ પડેલી હોવાથી તે પાણીમાં ભળે તો ગંભીર નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દવાઓ સરકારી છે કે ખાનગી તે અંગે પણ સવાલો ઉઠ્યા છે, સાથે આરોગ્ય, ડ્રગ અને GPCB તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડલી, વાઘનગર, ભૂતેશ્વર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. મહુવામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 36 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદી વાતાવરણ ફરી સક્રિય થતાં ખેડૂતોને પાક માટે રાહતની આશા જાગી છે.
નર્મદા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. નીલ રાવની જગ્યાએ શબ્દશરણ તડવીને નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નીલ રાવને હવે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષના પરિણામો બાદ પ્રમુખ બદલાયા હોવાની ચર્ચા વચ્ચે આ ફેરફાર સામે આવ્યો છે. અગાઉ ધારાસભ્ય દર્શના દેશમુખે પણ સંગઠન અંગે રજૂઆત કરી હતી
અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વરઓક કોલેજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્રેનની ટક્કરે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવતી સિલ્વરઓક કોલેજની વિદ્યાર્થીની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતની જાણ થતાં A ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ ક્રેન ચાલક ભાગવાનો પ્રયાસ કરતો હોવાની માહિતી સામે આવી છે.
રાજકોટમાં બેરિકેડ લગાવી રસ્તો બંધ કરવાના મામલે સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યા બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. શીતલપાર્ક, જામનગર રોડ અને કોટેચા ચોક વિસ્તારમાં લોકોના વિરોધને પગલે મનપા અને પોલીસની ટીમે વૈકલ્પિક રસ્તા અને ડાયવર્ઝન અંગે સર્વે શરૂ કર્યો છે. ટ્રાફિક DCPએ લોકોને સહકાર આપવા અપીલ કરી છે. બીજી તરફ, બેરિકેડ દૂર કરવાના મામલે ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના CTM પાસે આવેલી બ્રાઈટ ઇંગ્લિશ સ્કૂલમાં ચોથા ધોરણના વિદ્યાર્થીને માર માર્યાની ફરિયાદ સામે આવી છે. વિદ્યાર્થીના વાલીનો આક્ષેપ છે કે આચાર્ય અને શિક્ષિકાએ બાળકને માર માર્યો હતો. વિદ્યાર્થીએ એક સગીરાને ‘આઈ લવ યુ’ લખેલી ચિઠ્ઠી ફેંકી હોવાના મુદ્દે માર મારવામાં આવ્યો હોવાનો દાવો છે. ફરિયાદ બાદ સ્કૂલ સંચાલકે શિક્ષિકાને સસ્પેન્ડ કરી છે. બીજી તરફ, સ્કૂલ સંચાલકે વાલી પર સમાધાન માટે રૂ. 25 લાખ માંગ્યાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે વાલીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં ભારતીય રેલવે નેટવર્કમાં પ્રથમ વખત મૂવેબલ ક્રોસિંગ એટલે કે સ્વિંગ-નોઝ ક્રોસિંગ ધરાવતા હાઈ-સ્પીડ ટર્નઆઉટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેકનોલોજી 320 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે સલામત અને વિશ્વસનીય કામગીરી માટે મહત્વપૂર્ણ છે. મૂવેબલ ક્રોસિંગથી રેલમાં રહેલો ગેપ દૂર થતાં વ્હીલને સતત અને ગેપ-રહિત સપાટી મળે છે, જેના કારણે કંપન, અવાજ અને ઘસારામાં ઘટાડો થાય છે.
ભરૂચના હાંસોટ સર્કલ પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરની બાઈકને રોકતાં એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને શંકા જતા ઈ-ગુજકોપમાં બાઈકની તપાસ કરવામાં આવી હતી, જેમાં બાઈક ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડી ચોરીની બાઈક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે.
રાજસ્થાનના જોધપુરમાં બાઈક સાથે અકસ્માત બાદ ડરી ગયેલી કારચાલકે રેલવે ફાટક તોડી કારને ટ્રેક પર પહોંચાડી દેતા અફરાતફરી મચી હતી. ફાટક પરથી કારને રિવર્સ લેવાનો પ્રયાસ કરતાં કાર રેલવે ટ્રેક પર ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ટ્રેક પરથી પસાર થતી ટ્રેનને થોડીવાર માટે રોકવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિકોએ જહેમત ઉઠાવી કારને ટ્રેક પરથી હટાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા મેકડોનલ્ડ્સની બ્રાન્ચમાં ઉંદરો ફરતા હોવાનો વીડિયો વાયરલ થતાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા સામે સવાલો ઉઠ્યા છે. ડાઈનિંગ ટેબલ અને બેન્ચ પર ઉંદરો જોવા મળતા RMCની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હાઇજીનના મુદ્દે મેકડોનલ્ડ્સને રૂ. 3 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને બે અલગ-અલગ ચીજવસ્તુના નમૂના લેવામાં આવ્યા છે. મેનેજરે બાજુમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને કારણે ઉંદરો આવ્યા હોવાનો બચાવ કર્યો છે.
ભાદરવી પૂનમના મેળાના બે દિવસમાં અંબાજીમાં 7.62 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. પ્રથમ દિવસે 3.37 લાખ અને બીજા દિવસે 4.25 લાખ યાત્રિકો પહોંચ્યા, જ્યારે બે દિવસમાં મોહનથાળના 8 લાખથી વધુ પેકેટનું વેચાણ થયું. મંદિર ટ્રસ્ટને બે દિવસમાં કુલ રૂ. 57.39 લાખનું દાન મળ્યું. આજે 22 અને આવતીકાલે 23 સપ્ટેમ્બરની રાત્રે ચાચરચોક ખાતે ભવ્ય ડ્રોન શો યોજાશે.
ONGCને ઓડિશાના કાંઠેથી કુદરતી ગેસનો નવો ભંડાર મળતા મોટી સફળતા મળી છે. ઓડિશાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં આ ગેસનો જથ્થો મળી આવ્યો છે. ‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ થયેલી આ પ્રથમ મોટી સફળતા હોવાનું જણાવાઈ રહ્યું છે. નવી ગેસ શોધથી દેશમાં ઊર્જા જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે અને આયાત બિલમાં ઘટાડો થવાની આશા છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ શોધને મોટી સિદ્ધિ ગણાવી છે.
સાબરકાંઠામાં પદયાત્રીઓને અડફેટે લેવાના ગંભીર અકસ્માતના કેસમાં પોલીસે કારચાલકની અટકાયત કરી છે. બેફામ SUV ચલાવી 12 પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે કારમાંથી દારૂની બોટલ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. કારચાલકે નશાની હાલતમાં વાહન હંકારી પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પદયાત્રીઓ માટે અનામત માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
જાપાનમાં ‘દુજોં’ વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાની અસરથી અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આશરે 20 લાખ લોકો પ્રભાવિત થવાની આશંકાને પગલે ટોક્યો સહિત અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.
ન્યૂયોર્કમાં યોજાઈ રહેલા 81મા UNGA સત્રની સાઈડલાઈન્સ પર વિદેશ મંત્રી એસ. જયશંકરની V4-India સાથે પ્રથમ હાઈલેવલ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન આપ્યું હતું. સ્લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્લાનારે ભારતને UNSCમાં કાયમી સભ્ય તરીકે સ્થાન મળવું જોઈએ તેમ જણાવ્યું હતું. બેઠકમાં વેપાર, ટેક્નોલોજી, ઊર્જા સુરક્ષા અને બહુપક્ષીય સહયોગ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
દિલ્હીના કાલકાજી મંદિર નજીક આવેલા એક પાર્કમાં સગીરા સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આરોપીઓએ પોતાને પોલીસ કર્મચારી ગણાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. બનાવ બાદ મોડી રાતે પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં એક આરોપી ઝડપાયો છે, જ્યારે સામૂહિક દુષ્કર્મના અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ હુમલો કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધનાણીના કૌટુંબિક ભાઈ ધર્મકુમાર જોશીપુરા પર ચાની કીટલી વડે હુમલો કર્યાનો આક્ષેપ છે. સાવરકુંડલા બાયપાસ નજીક આવેલા પાન પાર્લર પર બનેલી આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે સંદીપ ધાનાણી સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અમરેલી, ભાવનગર અને સુરતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે ભરૂચ, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાંની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88.67 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત માટે ગૌરવરૂપ અવસર વચ્ચે એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાનારા સમારોહમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત કુલ 92 વિજેતાઓનું સન્માન થશે. 1954માં શરૂઆત બાદ પ્રથમવાર દિલ્હીની બહાર યોજાઈ રહેલા આ સમારોહ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ-બે એરિયામાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. દેશના જાણીતા ફિલ્મ કલાકારોની હાજરીથી એકતાનગરમાં સિનેમાનો રંગ જામશે.
પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન વધુ મજબૂત બન્યુ અને આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બનીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે તેવી અપેક્ષા છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 23 સપ્ટેમ્બરની રાત્રિથી 24 સપ્ટેમ્બરની વહેલી સવારની વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા કિનારાને પાર કરશે. જેનાથી દેશના ઘણા ભાગોમાં ફરી હવામાનમાં પલટો આવશે અને તેની અસરો પૂર્વી અને દક્ષિણ રાજ્યોમાં દેખાઈ રહી છે.
વડોદરાના ડભોઇ વેગા ઓવરબ્રિજ પાસે ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડભોઇથી બોડેલી તરફ જતા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
Published On - 7:31 am, Tue, 22 September 26