8 ઓગષ્ટના મહત્વના સમાચાર : રખડતા ઢોર, દબાણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ફટકાર, માત્ર ખાતરી નહીં પરંતુ કામ પણ કરો, સરકારને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ ન કરવા ટકોર

|

Aug 08, 2024 | 8:53 PM

Gujarat Live Updates : આજે 8 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

8 ઓગષ્ટના મહત્વના સમાચાર : રખડતા ઢોર, દબાણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ફટકાર, માત્ર ખાતરી નહીં પરંતુ કામ પણ કરો, સરકારને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ ન કરવા ટકોર

Follow us on

અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટેના ચૂકાદા પર આજે અમદાવાદમાં SC-ST અને OBC સમાજની મહત્વપૂર્ણ બેઠક છે.  આગામી 15 દિવસમાં અમદાવાદમાં ટૂ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરવાના સૂચન સાથે હાઈકોર્ટે નિયમ ભંગ મુદ્દે  ઉધડો લીધો. ગુજરાત ATSએ સુરતના કેરાલીમાં દરોડાના આધારે ભિવંડીમાંથી 800 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે. તો દહેજમાં ફાર્મા કંપનીમાંથી 31 લાખનો ટ્રામાડોલનો જથ્થો કબજે કરાયો છે.  પંચમહાલમાંથી 16.47 કરોડની કિંમતનો શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો જપ્ત કરાયો છે. મિલ સંચાલકોએ કોઈ આધાર પુરાવા ન આપતા કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Aug 2024 07:26 PM (IST)

    સુરત : ડીંડોલીમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત, હોટેલ પરથી પટકાયો નીચે

    સુરતના ડીંડોલી વિસ્તારમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયુ છે.  ડિલાઇટ ઇન નામની હોટલથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. મૃતક મિતેશ પટેલ નામના ટેક્સટાઇલ વેપારીને મળવા આવ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે હાલ CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

  • 08 Aug 2024 05:45 PM (IST)

    જામનગરમાં બે સ્થળોએ 15 દિવસ સુધી યોજાશે શ્રાવણી મેળો

    જામનગરમાં બે સ્થળોએ 15 દિવસનો શ્રાવણી મેળો યોજાશે. બે સપ્તાહ સુધી ચાલનારા આ મેળાનો 20 ઓગષ્ટથી પ્રારંભ થશે અને 3 સપ્ટેમ્બર સુધી મેળો ચાલશે. પ્રદર્શન મેદાન અને રંગમતિના પટમાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રદર્શન મેદાનમાં 49 પ્લોટની મનપાને 1.66 કરોડની આવક થશે જ્યારે રંગમતિના પટની મેદાન થકી મનપાને કુલ 1.69 કરોડની આવક થશએ. મેળાને લઈને સુરક્ષા, ફાયર સેફ્ટી, મેડિકલ, CCTV, સહિતની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ રહી છે.

     


  • 08 Aug 2024 05:11 PM (IST)

    દાહોદ: મહિલાઓ દ્વારા બંધાવેલ કોટ આગળ ગંદકીના ઢગ સર્જાતા રોષે ભરાઈ મહિલાઓ

    દાહોદના લીમડીમાં માળી સમાજની મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે. મહિલાઓએ કોટ આગળ મરણ પ્રસંગે સ્નાન કરવા માટે કોટ બંધાવેલો છે. આ કોટ આગળ ગંદકીના ઢગ સર્જાતા મહિલાઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો.  બાજુમાં ડમ્પિંગ યાર્ડનો કચરો કોટ આગળ ઠલવાતા મહિલાઓ રોષે ભરાઈ હતી. ગંદકીને લીધે 250 થી વધુ મહિલાઓ હાલાકીમાં મુકાઈ છે. ખુલ્લામાં સ્નાન કરવુ પડે તેવી સ્થિતિ સર્જાતા આક્રોશ ફેલાયો છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ કમ્પાઉન્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે.

     

  • 08 Aug 2024 04:02 PM (IST)

    સાબરકાંઠા: પ્રાંતિજ 3 રસ્તા પાસે બીજા દિવસે ચક્કાજામ યથાવત

    સાબરકાંઠા: પ્રાંતિજ 3 રસ્તા પાસે સતત બીજા દિવસે પણ ચક્કાજામ યથાવત છે. હાઇવે પર ખાટલો પાથરીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. રિક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકોએ પણ વિરોધ કર્યો. બ્રિજના અધૂરા કામને લઈને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપ્યુપ છે. જેને કારણે સતત માટી ઉડતી હોવાની સ્થાનિકોની રાવ છે. ચક્કાજામના પગલે અમદાવાદ- હિંમતનગર હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. પોલીસે સ્થળ પર પહોંચીને વિરોધ કરનારાની અટકાયત કરી છે. વિરોધકર્તાઓને હટાવીને પોલીસે રોડ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો.

  • 08 Aug 2024 03:59 PM (IST)

    રાજકોટ લોકમેળાની SOP મામલે પ્રસાશન અને રાઈડ્સ સંચાલકો આમને સામને

    રાજકોટના્ લોકમેળામાં SOPને લઈને રાઈડ્સ સંચાલકો ટસ ના મસ થવા તૈયાર નથી દેખાઈ રહ્યા. રાઈડ્સ સંચાલકોએ કલેક્ટર સમક્ષ SOPના નિયમો હળવા કરવા સંદર્ભે રજૂઆત કરી છે. જો કે કલેક્ટરે પણ નિયમોમાં કોઈપણ છૂટછાટ કે બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે આ મુદ્દે હવે રાઈડ્સ સંચાલકો પણ જીદે ભરાયા છે અને સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. રાઈડ્સ સંચાલકોનું કહેવુ છે “જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઈએ. અમે જુના નિયમો પ્રમાણે રાઈડ્સનું સંચાલન કરવા તૈયાર છીએ અને તંત્ર દ્વારા બનાવાયેલા નિયમો મોટા બ્રિજ અને રસ્તાઓ માટે હોય છે. જો કલેક્ટર બાંધછોડ કરવા તૈયાર ન હોય તો રાઈડ્સ વગર જ મેળો યોજાશે. અમે દરેક રાઈડ્સનો વીમો લઈએ છીએ, દરરોજ અમારી રાઈડ્સ પણ ચેક થાય છે. અમે સરકારને નિયમો હળવા કરવા રજૂઆત કરી છે, જો તેમ નહીં થાય તો મેળો રાઈડ્સ વગર યોજાશે”

  • 08 Aug 2024 03:14 PM (IST)

    અમદાવાદની એલજી હોસ્પિટલમાં 30 વર્ષિય યુવકનું મોત થતા પરિજનોનો હોબાળો

    અમદાવાદની એલજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. 30 વર્ષિય યુવકનું મોત થતા પરિજનોએ હોસ્પિટલ સ્ટાફ સામે બેદરકારી દાખવવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકને જ્યારે 108માં લાવવામાં આવ્યો ત્યારે તેને ઓક્સિજન ન આપ્યુ. હોસ્પિટલ સ્ટાફના બાઉન્સરોએ અપશબ્દો બોલીને હાથ ઉપાડ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.યુવકને અકસ્માત બાદ હોસ્પિટલમાં લવાતા સ્થળ પરના મહિલા તબીબે સારવાર ના આપી અને કહ્યું કે- મારો સમય પૂરો થઇ ગયો છે. પરિજનોએ આક્ષેપ કર્યા કે તેઓ હોસ્પિટલના સ્ટાફ સામે સતત આજીજી કરતા રહ્યા છતાં ઓક્સિજન ના આપ્યું. સમયસર સારવાર પણ ના આપી. ઉપરાંત, જ્યારે યુવકને 108 એમ્બ્યુલન્સમાં લવાતો હતો. ત્યારે પણ ઓક્સિજન ના આપ્યું. એટલું જ નહીં, હોસ્પિટલના તબીબો ઝઘડવા લાગ્યા અને સ્ટાફના બાઉન્સરોએ તો અપશબ્દો બોલીને હાથ ઉપાડ્યો. જો કે યુવકનું મોત થતા પરિજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છે.

  • 08 Aug 2024 03:13 PM (IST)

    ભાવનગરમાં બિસ્માર રોડ મુદ્દે TV9ના અહેવાલનો પડઘો, રૂવાપરી રોડનું કામ તાત્કાલિક શરૂ

    ભાવનગરમાં બિસમાર રોડ મુદ્દે TV9ના ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતુ થયુ છે. TV9ના ગુજરાતીના અહેવાલ બાદ નિષ્ક્રીય રહેતા અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો હોય તેમ જાણે આળસ મરડીને બેઠા થયા છે. TV9એ બિસમાર રોડને કારણે જનતા કેવી હાલાકી વેઠવા મજબુર છે તેનો ધારદાર અહેવાલ પ્રસારીત કરી જનતાની સમસ્યાને વાચા આપી હતી અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આજ સવારથી રુવાપરી રોડનું આરસીસી રોડ બનાવવાનું કામ શરૂ થયુ છે.

  • 08 Aug 2024 02:56 PM (IST)

    21 ઓગસ્ટે ભારત બંધના એલાનને ગુજરાતનું સમર્થન

    21 ઓગસ્ટે ભારત બંધના એલાનને ગુજરાતનું સમર્થન મળ્યુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદમાં SC-ST સમાજની બેઠક મળી. બેઠકમાં SC-ST સમાજે બંધને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી SC-ST સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. બેઠકમાં SC-STમાં ક્વોટા અનામત મુદ્દે ચર્ચા થઇ રહી છે. આવતીકાલે બાલકૃષ્ણન આયોગને કરવામાં રજૂઆત આવશે.

  • 08 Aug 2024 01:43 PM (IST)

    જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ

    જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે.

  • 08 Aug 2024 01:27 PM (IST)

    લોકમેળાની નવી SOP અંગે સુરેન્દ્રનગરમાં પણ કોકડું ગૂંચવાયું

    લોકમેળાની નવી SOP અંગે સુરેન્દ્રનગરમાં પણ કોકડું ગૂંચવાયું છે. નવી SOP સાથે મેળો યોજવા અંગે આયોજકોનો નનૈયો ભણ્યો છે. આયોજકોએ ટેન્ડર પરત ખેંચતા લોકમેળાની હરાજી અટકી છે. ગ્રાઉન્ડની હરાજીમાં SOPનું કડક પાલન કરવાનું કહેતા ટેન્ડર ખેંચાયા છે. આયોજકોએ 19 ટેન્ડર પરત ખેંચીંને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. મેળો નહીં યોજવા આયોજકોએ  મક્કમ નિર્ણય લીધો. રાઇડ્સ માટે ફિટનેસ સર્ટી, ફાયર સહિતની મંજૂરી જરૂરી છે. નવી SOPમાં જાહેર કરાયેલી બાબતોનું પાલન અને મંજૂરી મુશ્કેલ છે.

  • 08 Aug 2024 01:26 PM (IST)

    લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજૂ કરાયુ

    વક્ફ સુધારો લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ છે. કિરેન રિજિજુએ વક્ફ સુધારા બિલ રજૂ કર્યું. બિલ રજૂ થતાં જ વિપક્ષે હંગામો શરૂ કરી દીધો હતો.

  • 08 Aug 2024 12:59 PM (IST)

    સુરતના 8 ઝોનમાં એક સાથે આરોગ્ય વિભાગની તપાસ

    શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટ વેચનાર વિક્રેતાના ત્યાં દરોડા પાડ્યા છે. સુરતના 8 ઝોનમાં એક સાથે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. રાજગરા, શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ સીલ કર્યા છે. સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવશે તો પગલા લેવાશે.

  • 08 Aug 2024 12:40 PM (IST)

    કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોટા સમાચાર

    કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન આવી શકે છે. તમામ રાજ્યોના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે બેઠક યોજાઈ હતી.
    રાજ્યોના અધિકારીઓને ઉપાયો વિશે માહિતગાર કરાયા છે. આ વર્ષે ગત વર્ષ કરતા 30 ટકા કેસ વધુ માત્રામાં કેસ નોંધાયા છે. વેક્સિન અંગે ત્રીજા ફેઝમાં ટ્રાયલ ચાલી રહ્યુ છે. બે ટ્રાયલમાં અત્યાર સુધી વેક્સિનને સફળતા મળી છે.

  • 08 Aug 2024 12:37 PM (IST)

    સંસદમાં વિનેશ ફોગાટ મુદ્દે હોબાળો

    સંસદમાં વિનેશ ફોગાટ મુદ્દે હોબાળો થયો છે. વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવતા રાજ્યસભામાં ઘમાસાણ થયુ છે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ કોંગ્રેસથી નારાજ થયા છે. વિપક્ષી સાંસદોની સતત નારેબાજીથી ધનખડ નારાજ થયા. ધનખડે કહ્યુ કે વિપક્ષના સભ્યો સભાપતિના પદની ગરિમા નથી જાળવતા. ગૃહમાં દરરોજ મારું અપમાન થઇ રહ્યું છે. સભાપતિના પદને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.

  • 08 Aug 2024 12:13 PM (IST)

    સુરત: લાજપોર જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત

    સુરત: લાજપોર જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયુ છે. જેલમાં તબિયત બગડતા ઉલટી થઇ હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેદી મહેશ વાળાનું મોત થયુ છે. ઉતરાણ પોલીસ બાદ ચોક બજાર પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કેદીને લાજપોર જેલ લઇ જવાયો હતો. શંકાસ્પદ મોતને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 08 Aug 2024 11:20 AM (IST)

    સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી

    નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચી છે. મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11.46 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 1,97,987 ક્યુસેક પાણીની આવક થઇ છે. આવક સામે માત્ર 40,247 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર ડેમ 60 ટકા ઉપર ભરાયો છે.

  • 08 Aug 2024 10:06 AM (IST)

    RBIએ રેપોરેટને યથાવત રાખવાનો લીધો નિર્ણય, રેપોરેટ 6.50 ટકા રહેશે

    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. રેપોરેટ 6.50 ટકા પર યથાવત રહેશે.

  • 08 Aug 2024 09:51 AM (IST)

    બનાસકાંઠા: ડીસાના ભોપાનગરમાં પીકઅપની અડફેટે 2ના મોત

    બનાસકાંઠા: ડીસાના ભોપાનગરમાં પીકઅપની અડફેટે 2ના મોત થયા છે. ભોપાનગર પાસે લારી પર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા. લારી પર ઉભેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માત બાદ ભાગવા જતા પીકઅપ ચાલકે ગાયને પણ અડફેટે લીધી હતી. મૃતક બંને લોકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 08 Aug 2024 09:39 AM (IST)

    વડોદરા: ગ્રાહકે ડી-માર્ટમાંથી ખરેદેલી કેક અખાદ્ય નીકળી

    વડોદરા: ગ્રાહકે ડી-માર્ટમાંથી ખરેદેલી કેક અખાદ્ય નીકળી. ગ્રાહકે અકોટા ડી-માર્ટમાંથી સ્વીટ કેકની ખરીદી કરી હતી. ગ્રાહકે પેકેટ ખોલતા જ સડી ગયેલી કેક દેખાઇ. આરોગ્ય અધિકારીઓ મોલમાં પણ તપાસ કરે તેવી ગ્રાહકે માગ કરી છે. ગ્રાહકે સડેલી કેકનો વીડિયો વાયરલ કર્યો છે.

  • 08 Aug 2024 09:24 AM (IST)

    સુરતમાં સ્કૂલ વાન નીચે કચડાતા 5 વર્ષના બાળકનું મોત

    સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે અડફેટે આવતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. શારદા સ્કૂલની વાન નંદનવન સોસાયટીમા બાળકોને લેવા ગઈ હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.

  • 08 Aug 2024 09:08 AM (IST)

    સુરતના અડાજણમાં કારમાં લાગી આગ

    સુરતના અડાજણમાં કારમાં  આગ લાગવાની ઘટના બની છે. રાજહંસ પાલ આરટીઓ પાસે આગ લાગવાની ઘટના બની. ફાયર વિભાગે અને સ્થાનિકોએ કારની આગને ઠારી છે. આગની ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો છે. કારમાં આગ લાગવાનુ કારણ અકબંધ છે.

  • 08 Aug 2024 07:40 AM (IST)

    ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત

    ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળે મોટી જાહેરાત કરી છે. ફોરેસ્ટની નવી યાદી જાહેર કરવામાં આવી છે. 25 ગણા ઉમેદવારો સાથેની નવી યાદી જાહેર કરાઈ છે. વન રક્ષક વર્ગ- 3 ભરતી માટે યાદી જાહેર કરાઇ હતી. વન રક્ષક વર્ગ- 3ની 823 જગ્યાઓ માટે 20548 ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી લેવાશે.

  • 08 Aug 2024 07:38 AM (IST)

    વિનેશ ફોગાટે કુસ્તીમાંથી સંન્યાસની કરી જાહેરાત

    પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર વિનેશ ફોગાટે ભાવૂક પોસ્ટ  લખી છે. તેણે લખ્યુ કે મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુસ્તી 2001-2024, આપ સૌની હંમેશા ઋણી રહીશ. મહત્વનું છે કે વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી.જો કે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા, તેણે બુધવારે રાત્રે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી. તેઓએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પાસે માગ કરી હતી કે તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. વિનેશે પહેલા ફાઈનલ રમવાની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી.

  • 08 Aug 2024 07:35 AM (IST)

    મહારાષ્ટ્ર: થાણેમાં પાળતું શ્વાન પાંચમા માળેથી પડ્યો

    મહારાષ્ટ્ર: થાણેમાં પાળતું શ્વાન પાંચમા માળેથી પડ્યો. શ્વાન રસ્તા પર ચાલી રહેલા ત્રણ વર્ષની બાળકી પર પડ્યો. બાળકી પર શ્વાન પડતા ઘટનાસ્થળ પર જ બાળકીનું મોત થયુ છે. થાણેના મુંબ્રામાં પાંચ માળની બિલ્ડિંગ પરથી  શ્વાન પડ્યો હતો. બાળકી તેના પરિવાર સાથે બજારમાંથી પસાર થઈ રહી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે પાલતુ શ્વાન પાંચમા માળેથી કેવી રીતે પડ્યો કે કોઈએ તેને ફેંકી દીધો કેશું તે દિશામાં તપાસ કરી રહી છે.

Published On - 7:32 am, Thu, 8 August 24