આજે 03 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Amreli: સિંહોનું ગઢ ગણાતા અમરેલીમાં ફરી એકવાર સિંહબાળનો વીડિયો વાયરલ થયો છે. સાવરકુંડલા નજીક આવેલા મેવાસા વડલી મંદિર નજીક આ સિંહબાળો ફરી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. એક સાથે 7 સિંહબાળની ગામના રસ્તા પર લટાર જોવા મળી. વીડિયો સાવરકુંડલાના મેવાસા-વડલી મંદિર પાસેનો હોવાનું અનુમાન છે. વિસ્તારમાંથી પસાર થતા કોઇ રાહદારીએ આ દૃશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. જે બાદ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા.
થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક મોટા શોપિંગ મોલમાં મંગળવારે બપોરે એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. પોલીસે શંકાસ્પદ હુમલાખોરને પકડી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે મોલમાં ગોળીબારની જાણ થયાના એક કલાક કરતાં ઓછા સમયમાં એક શકમંદને પકડવામાં આવ્યો હતો.
Ahmedabad : ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આડેધડ પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેઇન મદદ લેવાશે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ટ્રાફિક સહિત પોલીસના 3 હજારથી વધુ અધિકારીઓ ખડે પગે તૈનાત રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ રમાવાની છે. જેમાં 5મી ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યુઝિલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. પ્રેક્ષકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને 17 પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. આશરે 8 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પાર્કિંગ પ્લોટ માટે શો માય પાર્કિંગ એપથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી ચાર્જ ચૂકવી વાહનો પાર્ક કરવાના રહેશે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી શહેરમાં મંગળવારે વહીવટીતંત્ર દ્વારા ખતરનાક જાહેર કરાયેલી 40 વર્ષ જૂની ઇમારત ધરાશાયી થઈ હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનના સબ-ઑફિસર નામદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, જે કોપરગાંવ વિસ્તારના વ્યસ્ત રોડ પર સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બે માળની ઈમારતમાં નવ ફ્લેટ હતા જેમાં છ પરિવારો રહેતા હતા.
અમદાવાદમાં થેલેસેમિયા મેજર ની સાથે AB નેગેટિવ બ્લડ ગ્રુપ અને મોટા બરોળ ધરાવતી સિરીયાની બે બહેનોની સારવાર કરીને જટિલ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અસ્મા (12) અને અયા (6) નામની આ બંને બહેનોને દર મહિને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન પર નિર્ભર રહેવાની જરૂર પડતી હતી. જીવ બચાવનારી આ પ્રક્રિયા આવશ્યક તો હતી જ, પણ તેમાં આયર્ન ઓવર ડોઝને કારણે અનેક કોમ્પલીકેશન્સ ઉભા થયા હતા. તેમના પરિવારે થોડાંક મહિના પહેલા બીએમટી માટે અપોલો હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.
Rajkot: રાજકોટ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરાઇ છે.”ટ્રાફિક જીનીયસ” નામથી રાજકોટ શહેર ટ્રાફિક વિભાગે નવી અભિગમ શરૂ કર્યો છે.જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા,સિગ્નલ પર સ્ટોપ લાઈન પર ઊભું રહેવું સહિતના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકનું સન્માન કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક જિનિયસ તરીકે સન્માન કરીને ટ્રાફિક નિયમો લખેલી કાપડની થેલી પણ આપવામાં આવે છે. કાપડની થેલી દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પણ સંદેશ અપાય છે. ચોપાનિયા લોકો વાંચે ન વાંચે, કાપડની થેલી લાંબો સમય સચવાતી હોવાથી નિયમો પણ લોકોના ધ્યાનમાં આવે અને પ્લાસ્ટીકનો ઉપયોગ પણ ઓછો થાય તેવો પણ ઉદ્દેશ કાપડની થેલી આપવાનો છે.
ભારતની દીકરી પારુલ ચૌધરીએ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 5000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પારુલ ચૌધરી ભારતની ત્રીજી ટ્રેક અને ફીલ્ડ એથલિટ બની ગઈ છે. તેણે 3000 મીટર રેસમાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
Ambaji : થોડા સમય પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે ભારે હોબાળો થયો હતો. ત્યારે પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે. 15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યું છે, જેના કારણે મંગળવારે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવી પડી હતી. જિલ્લા પ્રશાસને કોટ્ટયમ, વાઈકોમ અને ચાંગનાસેરી તાલુકામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આ જિલ્લાઓમાં લગભગ 246 પૂર પ્રભાવિત લોકોએ 17 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
ભારતની બીજી પ્રેક્ટિસ મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ભારતને વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ કરવાની તક મળી નથી. હવે ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની સીધી શરૂઆત કરશે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે છે.
રાજ્યમાં અગાઉ અનેક પેપર લીક (Paper leak) થયા બાદ હવે વધુ એક પેપરલીકની ઘટના વલસાડમાં સામે આવી છે. 29 સપ્ટેમ્બરના રોજ શાહ એન.એચ. કોમર્સ કોલેજનું બીકોમ સેમ-5નું એડવાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હતું. તે દિવસે પેપર મોકૂફ રખાયું હતું અને 3 ઓક્ટોબર એટલે કે આજે પેપર લેવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
હાર્ટ એટેકના કિસ્સામાં ખેલૈયાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગરબા આયોજકોએ તૈયારી શરૂ કરી છે. ગરબાના આયોજન સ્થળે આરોગ્યને લઈ સુવિધા ઉભી કરવામાં આવશે. આયોજન સ્થળે 8 તબીબોની ટીમ તહેનાત રહેશે. એટલું જ નહીં એક ICU એમ્બ્યુલન્સ અને એક એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ તહેનાત રહેશે. સાથે સાથે સુગર, બીપીના દર્દીઓ માટે ફ્રીમાં દવાનું વિતરણ પણ કરાશે.
Ahmedabad: અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્ષ સ્કૂલમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવતા વિવાદ વકર્યો છે. ગણેશોત્સવ અને ઈદની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન નમાઝ અદા કરવામાં આવી હતી. જેની સામે ABVPના કાર્યકરો અને વાલીઓએ સખત વિરોધ દર્શાવ્યો. ઉશ્કેરાયેલા ABVPના કાર્યકરોએ શિક્ષકને માર માર્યો હોવાનું પણ સામે આવ્યુ છે.
મંગળવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા બપોરે 2.53 કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. યુપીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થશે. કોર્ટે સંબંધિત રજિસ્ટ્રારને આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. ગઈ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પૂછ્યું હતું કે કેટલા કેસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તે કેસનું નેચર શું છે?
જગદલપુરમાં પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢમાં વિકાસ કાં તો કોંગ્રેસના પોસ્ટરો અને બેનરોમાં દેખાય છે કે પછી અહીંના નેતાઓની તિજોરીમાં. કોંગ્રેસે છત્તીસગઢને જો કંઈ આપ્યું હોય તો તે ખોટો પ્રચાર અને કૌભાંડી સરકાર છે, એટલે જ આજે છત્તીસગઢના ખૂણે-ખૂણેથી અવાજ આવી રહ્યો છે – હવે નહીં સાહેબ, પરિસ્થિતિ બદલો.
લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકીય પક્ષો સાથે હવે તંત્ર પણ કામે લાગી ગયુ છે. ચૂંટણી પંચ દ્વારા એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાનથી જ તાપીમાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે.ઉકાઇ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી ગઇ છે. કારણ કે ઉપરવાસમાંથી 5 હજાર 927 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો, રૂલ લેવલ જાળવવા ડેમમાં પાણીની જેટલી આવક થઇ છે,
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટના બની છે. શોર્ટ સર્કિટ થતા તાત્કાલિક દર્દીઓ તેમજ તેમના સગાને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટના પગલે હોસ્પિટલમાં ધુમાડો થતા 2 માળ ખાલી કરવામાં આવ્યા હતા. જેના પગલે હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો છે.
જગદલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક ગામનો વિકાસ થશે. વિકસિત ભારત માટે ભૌતિક, ડિજિટલ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ, તેથી જ અમારી સરકારે આ વર્ષે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ વધારીને રૂપિયા 10 લાખ કરોડ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં રૂપિયા 26,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે.
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટમાં હાજર થઈ છે. તેમના સિવાય સમીર કુલકર્ણી, સુધાકર સુધાકર ધર દ્વિવેદી પણ કોર્ટમાં પહોંચ્યા હતા.
#WATCH | 2008 Malegaon blast case | Accused persons Sadhvi Pragya Singh, Lt Col Prasad Purohit, Samir Kulkarni, Ajay Rahirkar, Sudhakar Dhar Dwivedi and Sudhakar Chaturvedi reached NIA court for CrPC 313 statement in Malegaon 2008 blasts case. pic.twitter.com/P3meodbfSw
— ANI (@ANI) October 3, 2023
ISISના આતંકીઓની પૂછપરછમાં એવુ પણ સામે આવ્યુ છે કે તેમના નિશાને અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા. ખાસ કરીને આતંકી શાહનવાઝની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આતંકીઓએ ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી કરી હતી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી.
સુપ્રીમ કોર્ટે બકરી ઈદ પર પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યોગ્ય ઓથોરિટી પાસે જાઓ, અમે બધું નથી જોઈ શકતા. અરજદારે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી અને કોર્ટે તેને મંજૂર કરી હતી.
બિહારમાં જાતિ ગણતરીના આંકડા જાહેર કરવા પર પ્રશાંત કિશોરે કહ્યું છે કે બિહારમાં જેડીયુ અને આરજેડીની આ છેલ્લી દાવ છે. જ્ઞાતિઓ સળગાવીને રાજકીય રોટલા શેકવાનો આ છેલ્લો પ્રયાસ છે.
સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
દિલ્હીમાં TMCના વિરોધ પહેલા જંતર-મંતર પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોરદાર ગોળીબાર થયો છે. ગોળી વાગવાથી 3 ઈજાગ્રસ્ત થયા છે. વીએમ હોલમાં મોડી રાત્રે એક વિદ્યાર્થીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બે જૂથો વચ્ચેના વિવાદ બાદ ફાયરિંગ થયું હતું.
દિલ્હી પોલીસ ન્યૂઝ ક્લિક પત્રકારો અને તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડી રહી છે. દિલ્હી NCRમાં તેમના સ્થળો પર મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝ ક્લિક પર ચીનની તરફેણમાં પ્રાયોજિત સમાચાર ચલાવવાનો આરોપ છે. ED પહેલા પણ ન્યૂઝ ક્લિકની ઓફિસ પર દરોડા પાડી ચૂક્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ PMLA હેઠળ ન્યૂઝ ક્લિક વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે. કહેવાય છે કે ન્યૂઝ ક્લિક પર ચીની નાગરિક નેવિલ રોય સિંઘમ પાસેથી 38 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે.
વિવિધ કાર્યક્રમોમાં પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને મળેલી ભેટ અને સ્મૃતિ ચિન્હના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ(National Gallery of Modern Arts) દિલ્લી ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારથી શરૂ થયેલા આ ઈવેન્ટમાં નરેન્દ્ર મોદી(Narendra Modi)ને મળેલી તમામ ભેટોની હરાજી કરવામાં આવશે.
Bank Holidays in October 2023 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજાઓના કેલેન્ડર મુજબ ઓક્ટોબરમાં બેંકો 18 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર જેવી નિયમિત રજાઓનો સમાવેશ થાય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કેલેન્ડર મુજબ 11 રજાઓ તહેવારોની અથવા ગેઝેટેડ છે. કેટલીક બેંક રજાઓ પ્રાદેશિક હોય છે અને તે રાજ્યથી રાજ્ય અને બેંકઅનુસાર અલગ હોઈ શકે છે.
આ મહિનાની શરૂઆતમાં સમગ્ર ભારતમાં રવિવારની રજા (1 ઑક્ટોબર) અને ગાંધી જયંતિ (2જી ઑક્ટોબર)ના કારણે બૅન્કોએ કામ કર્યું હતું નહીં. હવે 24મી ઓક્ટોબરે દશેરાની રજાને કારણે મોટી સંખ્યામાં બેંકો પણ બિન-કાર્યકારી રહેશે.
ગ્રીન એનર્જી(Green Energy) બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અદાણી ગ્રૂપ(Adani Group) વર્ષ 2027 સુધીમાં 10 ગીગાવોટની સંકલિત સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સ્થાપવા જઈ રહ્યું છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. ગૌતમ અદાણી(Gautam Adanu)ના ગ્રૂપની વર્તમાન સોલાર ઉત્પાદન ક્ષમતા ચાર ગીગાવોટ (4,000 મેગાવોટ)છે.
તાજેતરમાં સામે આવેલા સમાચાર મુજબ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નાયબ વડા અબ્દુલ રહેમાન મક્કીનું અપહરણ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે પણ જેને આતંકવાદી જાહેર કર્યો છે તેનું પાકિસ્તાનથી અપહરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે પાકિસ્તાનના કરાચી શહેરમાં આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકીની હત્યા કરવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મેક્સિકોના ઉત્તરીય અખાતમાં સ્યૂદાદ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ 100 લોકો ચર્ચની અંદર હતા.
મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકો પણ સામેલ છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. મામલો શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે.
Published On - 6:26 am, Tue, 3 October 23